Gujarat Bandh against petrol and diesel prices
  • Home
  • Ahmedabad
  • 6 મહિનામાં ત્રીજીવાર, આજે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ‘ગુજરાત બંધ’

6 મહિનામાં ત્રીજીવાર, આજે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ‘ગુજરાત બંધ’

 | 7:30 am IST

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તથા રાજ્ય કોંગ્રેસ પ્રભારી મહામંત્રી રાજીવ સાતવે રવિવારે સાંજે પ્રદેશ કાર્યાલય ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેર કર્યું છે કે મોદી સરકારના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં પેટ્રોલમાં ૨૧૧.૭ ટકા તથા ડીઝલમાં ૪૪૩.૦૬ ટકા એક્સાઈઝ ડયૂટી વધારી ૧૧ લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવાઈ હોઈ રાષ્ટ્રીયસ્તરે તમામ વિરોધ પક્ષોને સાથે લઈ આવતીકાલ સોમવારે ૧૦મી સપ્ટેમ્બરે ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું છે, જેમાં મોંઘવારીના અસહ્ય મારથી ત્રાસેલી પ્રજા, નાના-મોટા-મધ્યમ વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો, ખેડૂતો સહિત તમામ વર્ગ સમૂહ લોકો પોતાના ધંધા રોજગાર શાળા કોલેજો બંધ રાખી કેન્દ્ર સરકાર સામે રોષ જાહેર કરશે.

આ બંને નેતાઓએ ‘અચ્છે દિન’ના વાયદા યાદ દેવડાવી જણાવ્યું કે, પ્રજા એક્સાઈઝ-વેટના ઊંચા દરોમાં ઘટાડા સાથે રાહત ઈચ્છે છે, ત્યારે કેન્દ્ર નાણામંત્રીએ સાફ ઈન્કાર કરી પ્રજાના પેટ ઉપર લાત મારવાની ચેષ્ઠા કરી છે. કોંગ્રેસ પક્ષ તરફથી પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવવાની તથા એક્સાઈઝ વેટના દરો ઘટાડવાની માગણી કરતાં એવું પણ જણાવાયું છે કે, ભારત સરકાર પેટ્રોલ લિટરદીઠ રૂ.૩૪ના ભાવે ૧૫ દેશોને તથા ડીઝલ રૂ.૩૭ના ભાવે ૨૯ દેશોને મોંઘવારીમાં વેચતી હોય ત્યારે રાજ્યની પ્રજા મોંઘવારીમાં રાહત માટે હક્કદાર છે. યુપીએ શાસન વખતે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગે મોદી કરેલા વિધાનોના વીડિયો ક્લિપિંગ્સ પણ કોંગ્રેસ દ્વારા પ્રજાને યાદ દેવડાવવા માટે જારી  કરાયા છે.

રાજ્યભરમાં પેટ્રોલ પંપો ઉપર દેખાવો : સંકલનની જવાબદારી સોંપાઈ

ગુજરાત કોંગ્રેસે બંધને રાજ્યભરમાં સફળ બનાવવા સઘન આયોજન કર્યું છે. જિલ્લા પ્રમુખો-ધારાસભ્યો-આગેવાનો-નિરીક્ષકોને જિલ્લાવાર જવાબદારી સોંપાઈ છે. શનિ-રવિ દરમિયાન કોંગી કાર્યકરોએ ધંધા-રોજગાર-શૈક્ષણિક સંસ્થાઓમાં પહોંચી એક દિવસ પ્રતીક બંધમાં જોડાઈ આક્રોશ વ્યક્ત કરવા અપીલ કરી છે. યૂથ કોંગ્રેસ એનએસયુઆઈ કિસાન સેલને પણ સંકલનની જવાબદારી સોંપાઈ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવું જાહેર કર્યું છે કે, રાજ્યભરમાં પેટ્રોલ પંપો ખાતે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો દેખાવ-પ્રદર્શન પણ યોજશે. એમણે અહિંસક રીતે વિરોધ વ્યક્ત કરવાની અપીલ પણ કરી છે.

સ્કૂલ-કોલેજો ચાલુ કે બંધ ? અવઢવ

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અસહ્ય ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા તા.૧૦ના રોજ ભારત બંધનું એલાન અપાયું છે. સ્કૂલ અને કોલેજો ચાલુ રહેશે કે બંધ ? તે અંગે ભારે અવઢવ વાલીઓમાં સર્જાઈ છે. ડીઈઓએ કહ્યું કે કાલે સ્કૂલો રાબેતા મુજબ ચાલુ રહેશે. શિક્ષણ વિભાગે પણ બંધ અંગે કોઈ પણ સૂચના જારી કરી નથી.