ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ - Sandesh
  • Home
  • Business
  • ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

 | 3:37 pm IST

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય પર ભાર આપતું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નીતિન પટેલે ગૃહમાં મંગળવારે  1,83,666 કરોડનું  બજેટ રજૂ કર્યું હતું. જેમાં નાણાકિય ખાધમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં અનેક જાહેરાતો કરવામા આવી છે. મુખ્યત્વે કૃષિ, યુવા, સ્વાસ્થ્ય અને ઉદ્યોગ લક્ષી ફાળવણી કરવામાં આવી છે. સિંહ સંવર્ધન માટે માત્ર 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વેરાકીય આવકમા ૨૦.૯૨ ટકાનો વૃધ્ધિ અને રાજયની ઉત્પાદન ક્ષમતામા ૧૩ ટકાની વૃધ્ધિનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે.

ગૃહમાં બજેટ રજૂ કરતાં નાણાંપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે આ બજેટ ખાધ ઘટાડનારું અને ગુજરાતનો વિકાસ કરનારું બજેટ છે. તેમણે કહ્યું હતું કે સરકાર યુવાઓ માટે રોજગારીની તકો પૂરી પાડવા કૃતનિશ્રયી છે તે માટે ગુજરાતના બજેટમાં 785 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેના થકી ગુજરાતમાં 4 લાખ યુવાનોને રોજગારી મેળા હેઠળ રોજગારી અપાશે. કૃષિક્ષેત્રે 9750 કરોડ, 27,500 કરોડ શિક્ષણ, શહેરી ગૃહ નિર્માણ માટે 12,500 કરોડ ફાળવવામાં આવ્યા છે. પીવાના પાણી માટે, યુવાનોની રોજગારી અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ઓવર બ્રીજ અને રોડ-રસ્તા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2516 કરોડની જોગવાઈ કરાયી છે. બસ સ્ટેશનોને આધુનિક બનાવવા 100 કરોડની ફાળવણી કરાયી છે. જમીન જળ સંરક્ષણ તેમજ જમીન સુધારણા માટે 548 કરોડ ફાળવાયા છે.

પાણી માટે
સરદાર યોજના, ભાડભૂત યોજના, સૌની યોજના સ્માર્ટ સીટી  યોજનાને પણ આ બજેટમાં આવરી લેવાયા છે.પાણી માટે વિશેષ યોજના કરવા ફાળવણી કરવામાં આવી છે. પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળે તે માટે ખાસ જોગવાઈ કરવામા આવી છે. ઉકાઈ કાકરાપાર યોજનાના આધુનિકીકરણ માટે 65 કરોડ ખર્ચાશે.

યાત્રાધામના વિકાસ અને નવનિર્માણ માટે
માધવપુર ધેડના રૂકમણીજીના પ્રાચીન મંદિરને 5 કરોડના ખર્ચે વિકાસાશે. 200 વર્ષ જૂના પ્રાચીન યાત્રાધામોના વિકાસ માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુસાફરો માટે અદ્યતન સુવિધાઓ ઉભી કરવા, ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સુવિધા વિકસાવવા 11 કરોડ ફાળવાયા છે.  ગુજરાતના 8 મહત્ત્વના યાત્રાધામોની સ્વચ્છતા માટે 15 કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે. ગિરનારના 10 હજાર પગથિયાનુ સમારકામ માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુસાફરો માટે અદ્યતન સુવિધાઓ ઉભી કરવા, ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સુવિધા વિકસાવવા 11 કરોડ ફાળવાયા છે.

પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડ માટે
પોલીસ દળમાં આગામી વર્ષમાં 5635 જગ્યાઓ પર સીધી ભરતી કરવાનું આયોજન જેમાં 1500 જગ્યા ટ્રાફિક માટે ભરતી કરાશે. ટ્રાફિક બ્રિગેડમાં 4000 સ્વંયસેવકોનો વધારો કરાશે. જેમાં 33 ટકા મહિલાઓનો સમાવેશ કરાશે. ટ્રાફિક બ્રિગેડના સ્વંયસેવક, તેનું નામકરણ કરી વેતન 200થી વધારીને 300 કરાશે. ટ્રાફિક ક્ષેત્રે હાલમાં જે સંખ્યા છે તે 4000 માંથી વધારીને 6000 કરવામા આવશે. તેનું વધારાનું મહેકમ ગુજરાત સરકાર ભોગવશે.
પોલીસ સ્ટેશનો અને ખાસ કરીને સાયબર પોલીસ સ્ટેશનો શરૂ કરવા બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણામા નવા 4 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો શરૂ કરવા 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વિજળી માટે
ગુજરાતમાં વિજળી માટે વિશેષ ફાળવણી કરવામાં આવી છે. ઘર ઘર વિજળી પહોંચે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરાશે. વિજળી માટે 8500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વીજ ઉત્પાદન માટે કોલસા અને સોલાર આધારિત નવી યોજનાઓની કામગીરી હાથ ધરવા 220 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગરીબોને ઘર વપરાશના વીજ જોડાણો પૂરા કરવા યોજના અંતર્ગત 51,150 જોડાણો પૂરુ પાડવા 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

શ્રમિકો માટે
શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ ફાળવાશે. 138 નવા અન્નપૂર્ણા ભોજન સેન્ટર ઉભા કરાશે. 10 રૂપિયામાં દાળ,ભાત, શાક, રોટલી શ્રમિકોને તેના કામના સ્થળથી નજીકમાં મળી રહે, ઉંચકીને ન લઈ જવું પડે, ગરમ ગરમ જમવા મળે તે માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નાના કામદારો10 રૂપિયામાં ભોજન આપવા 80 કરોડ અપાશે. ગુજરાતના તમામ શ્રમિકોને રસોડાની કીટો વિના મૂલ્યે અપાશે.

મત્સ્ય ઉદ્યોગ માટે
નવા મત્સ્ય તળાવનો બાંધકામ પર સહાય માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બળતણનો ખર્ચ ઘટે અને પ્રદૂષણ ઓછું થાય તેવા આધુનિક એન્જિનિની ખરીદી પર માછીમારોને સહાય આપવા માટે નવી યોજના માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માછીમાર કુટુંબને જૂથ અકસ્માત સહાય યોજના માટે 60 લાખની જોગવાઈ કરવામાં આવી છે.  મત્સ્ય બંદરો માટે 280 કરોડની જોગવાઈ કરાયી છે.

દિવ્યાંગો અને વૃદ્ધો માટે
દિવ્યાંગોને ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા સહાય આપવા માટે 1.25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૃદ્ધ પેન્શન સહાય અને દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 7 લાખ લાભાર્થીઓને પેન્શન સહાય આપવા 474 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આદિવાસીઓ માટે
આદિજાતિ વિસ્તારની બહેનો માટે ડેરી વિકાસ યોજના હેઠળ 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્વતંત્રતા ચળવળમાં ભાગ ભજવનાર આદિવાસી નેતાઓના યોગદાન અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતુ રાષ્ટ્રીય કક્ષાનું સંગ્રહાલય સ્થાપવા માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રક્ષણ  અને સલામતી માટે
રક્ષાશક્તિ યુનિવર્સિટીના વિકાસ માટે 46 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. જ્યારે સરહદી વિસ્તારના ત્રણ જિલ્લાઓ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ શરૂ કરાશે. અકસ્માતોમાં પ્રથમ ગોલ્ડન અવરમાં વહેલી તકે સારવાર આપીને અમૂલ્ય જિંદગી બચાવવા માટેની વિશેષ યોજના માટે 30 કરોડની જોગવાઈ કરાયી છે.

નેશન લાઈવ સ્ટોક મિશન માટે 34 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રદૂષણ ધટાડવાના હેતુથી પેટ્રોલ અને ડીઝલથી સંચાલિત વાહનોના સ્થાને ઈલેક્ટ્રીક વ્હીકલના વ્યાપને વધારવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન