Gujarat Budget 2020: Organic Farming, Pet Cow and get 900 rs
  • Home
  • Ahmedabad
  • ગુજરાત બજેટ 2020: પ્રાકૃતિક ખેતી કરો, ગાય પાળો અને મહિને 900ની સહાય મેળવો

ગુજરાત બજેટ 2020: પ્રાકૃતિક ખેતી કરો, ગાય પાળો અને મહિને 900ની સહાય મેળવો

 | 7:50 am IST

ગુજરાતના લાખો પશુપાલકોના દિલ જીતવા માટે રાજ્ય સરકાર દ્વારા ગૌ ભક્તિના નામે હવાતિયા મારવામાં આવ્યાં હોવાનું બુધવારના રોજ જાહેર થયેલા બજેટમાં જોવા મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી એક જાહેરાત કરી હતી. જે યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક રૂ.૯૦૦ એટલે કે, વાર્ષિક રૂ.૧૦,૮૦૦ સહાય આપવાની જોગવાઈ કરાઈ છે. જેમાં ૫૦ હજાર જેટલા ખેડૂતોને આવરી લેવા માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર ૫૦ ટકા રકમની સહાયની જોગવાઈ કરાઈ છે.

રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત ૧૫ લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ આપવા રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમ રાજ્ય સરકારે પશુપાલકોને સહાય આપવાની સાથે સાથે તેમના ગૌ ભક્તિ દર્શાવવાનો મોકો છોડયો નથી. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત નાના ગોડાઉન-ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવવા માટે એકમ દીઠ રૂ.૩૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. જેના માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ યાંત્રીકીકરણ અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર દીઠ રૂ.૪૫,૦૦૦થી રૂ.૬૦,૦૦૦ની સહાય તેમજ આશરે ૩૨,૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદી સહાય આપવા રૂ.૨૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

હિંમતનગરમાં નવી વેટરનરી કોલેજ

રાજ્યમાં ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનું ખોલવા માટે રૂ. ૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવે છે. તેમ જ હિંમતનગર નજીક રાજપુર ખાતે નવી વેટરનરી કોલેજ, મત્સ્યઉદ્યોગ અનુસ્નાતક કેન્દ્ર અને ઘનિષ્ઠ પશુ સુધારણા કચેરી શરૂ કરવા રૂ. ૪૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલકોને ડેરીફામ, બકરા એકમ માટે રૂ. ૮૧ કરોડની સહાય મળશે.

પાક સંગ્રહ માટે ખેતરમાં ગોડાઉન બનાવો

ખેડૂતો પોતાના જ ખેતરમાં ગોડાઉન બનાવે તેના માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે આવા ગોડાઉનો માટે બિનખેતીની પરવાનગીની જરૂરિયાત નહીં રહે અને એકમ દીઠ રૂ. ૩૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. ગોડાઉન – ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રક્ચર માટે રૂ. ૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સુક્ષ્મ સિંચાઈમાં પીયાવાના દરમાં ૫૦ ટકા રાહત

રાજ્યમાં માઇક્રો ઇરીગેશન સિસ્ટમનો વ્યાપ વધારવા માટે અને સિંચાઈનાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે જે ખેડૂત જૂથો હયાત કેનાલનાં માળખામાંથી પાણી મેળવી, માઇક્રો ઇરીગેશન સિસ્ટમ મારફતે સિંચાઈ કરશે તે ખેડૂત જૂથોને પ્રવર્તમાન પીયાવાના દરમાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે. ખેડૂતોની પ્રગતિશીલ વિચારસરણી અને સરકારના પ્રયત્નોથી અત્યાર સુધીમાં કુલ ૧૮.૭૪ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ યોજના અમલી કરી શકાઈ છે. રાજ્યના અંદાજિત ૧૧.૫૧ લાખ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણીના કરકસરયુક્ત ઉપયોગ દ્વારા ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવેલ છે. આ યોજના માટે રૂ. ૭૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

ગિફ્ટ સિટી માટે રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ

આગામી વર્ષના બજેટમાં રાજ્ય સરકારે ગિફ્ટ સિટી માટે શેર મૂડી ફાળા પેટે રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ કરી છે. ગિફ્ટ સિટીમાં ૧૩ બેન્ક, ૧૯ વીમા કંપનીઓ અને ૫૦થી વધુ કેપિટલ માર્કેટ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બુલિયન એક્સ્ચેન્જની નાણાકીય પ્રવૃત્તિને લીધે તે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફાઇનાન્શિયલ હબ બનવા આગળ ધપી રહ્યું હોવાનો વિશ્વાસ નાણામંત્રીએ પ્રગટ કર્યો હતો.

નાણામંત્રીનું બજેટ પ્રવચન અઢી કલાકથી વધારે ચાલ્યું

વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે બપોરે ૨-૧૦ કલાકે શરૂ કરેલુ વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રનું વાંચન છેક ૪-૫૫ મિનિટ સુધી ચાલુ રહ્યુ હતુ. અઢી કલાકથી વધુ સમયના આ પ્રવચન દરમિયાન તેમણે અનેકવિધ યોજનાઓની જરૂરીયાત, સાથી મંત્રીઓ, ધારાસભ્યોની માગંણીઓ અને નાગરીકો દ્વારા મળેલી રજૂઆતો સંદર્ભે જણાવ્યુ હતુ. આ વાંચન દરમિયાન નાણામંત્રી તેમના સાહજિક રમૂજી મૂડમાં જોવા મળ્યા હતા. વચ્ચે વચ્ચે વિરોધ પક્ષને હળવાશથી ટપાર્યા પણ હતા. બજેટનું વાંચન લંબાતા બપોરની રિસેસ રદ કરવામાં આવી હતી.

અધ્યક્ષની સૂચનાનો અડધો અમલ, બજેટ પેનડ્રાઈવમાં

ગુજરાત સરકારના બજેટના ૪૫ પ્રકાશનોના ૨૫૦થી વધુ સેટ તૈયાર થાય છે. જેના માટે ૧૫ લાખ ટન કાગળનો ઉપયોગ થાય છે. આથી, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સૌ ધારાસભ્યોને સીડીમાં કે પેનેડ્રાઈવમાં બજેટના પ્રકાશનો અપાય તેવો પ્રસ્તાવ મુક્યો હતો. બજેટ પ્રવચનને અંતે નાણામંત્રીએ આ સુચનાને શાસકપક્ષે સ્વિકાર્યો હોવાનું કહેતા જણાવ્યુ હતુ કે વિપક્ષના સભ્યોએ પુસ્તક પ્રકાશનોની નકલ માંગી હોવાથી તેમને પ્રિન્ટિંગ કોપી આપવામાં આવી છે.

ખેડૂતોને ભારવાહક વાહન ખરીદીમાં સબસિડી

ખેડૂતો પોતાનું કૃષિ ઉત્પાદન અન્ય શહેરોમાં અથવા વિદેશમાં મોકલી વધુ આવક રળી શકે તે માટે હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ. ૫૦,૦૦૦થી ૭૫,૦૦૦ની સહાય  મળશે. પહેલા વર્ષે ૫,૦૦૦ ખેડૂતોને આવરી લેવામાં આવશે.

અતિવૃષ્ટિમાં બરબાદ ખેડૂતોને સરકારે પૂરતી સહાય ન આપતાં ગૃહમાં હોબાળો

ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે વિપક્ષ કોંગ્રેસે વર્ષ ૨૦૧૯ દરમિયાન કમોસમી વરસાદથી પાકને જે નુકસાન થયું છે તેની હજુ ખેડૂતોને સહાય મળી નથી તે મુદ્દે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો, આ ઉપરાંત ખાનગી કંપની એમનેક્ષ ઈન્ફોટેકનોલોજીસ પ્રા. લિ.ને કરોડો રૂપિયા સર્વે માટે ચૂકવ્યા તેનો મુદ્દો વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉઠાવ્યો હતો, જોકે મંત્રી આર.સી. ફળદુએ ખાનગી કંપનીનો પ્રશ્ન સ્કોપ બહારનો હોવાનું કહી જવાબ આપ્યો ન આપતા વિપક્ષના ધારાસભ્યોએ પોતાની જગ્યાએ ઊભા થઈને ઉહાપોહ મચાવી ‘ખેડૂત વિરોધી યે સરકાર નહિ ચલેગી-નહિ ચલેગી, ખેડૂતોને ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર પોકારી હોબાળો મચાવ્યો હતો, વિપક્ષે કહ્યું કે, સરકારે અતિવૃષ્ટિમાં ખેડૂતો માટે રૂ. ૩,૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું પરંતુ અત્યાર સુધી ખેડૂતોને માત્ર રૂ. ૧,૨૨૮.૯૯ કરોડની સહાય ચૂકવાઈ છે, ૬૭.૨૫ લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. દરમિયાન રાજ્યમાં ખેડૂતોએ વર્ષ ૨૦૧૯માં કરેલા વાવેતર વિસ્તારના અંદાજોના સેટેલાઈ ઈમેજ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સર્વે કરી આંકડા મેળવવા એમનેક્ષ ઈન્ફોટેક્નોલોજી પ્રા.લિ.ને ૧૦.૬૫ કરોડ જેટલી માતબર રકમ ચૂકવી દેવાઈ છે. રાજ્ય સરકારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં આ માહિતી બુધવારે આપી હતી. ભાજપના નેતાની માનિતી કંપનીને લઈ કોંગ્રેસે દાવો કર્યો કે, કંપનીને કમાવી આપવાના બદઈરાદાથી સરકાર કોન્ટ્રાક્ટ આપે છે.

ગુજરાત સરકારના ૨૦-૨૧ના બજેટમાં વિભાગવાર જોગવાઈઓ

વિભાગ                         જોગવાઈ (રૂ.કરોડમાં)

૧.      કૃષિ સહકાર                    ૭,૪૨૩.૦૦

૨.      નર્મદા જળ સંપત્તિ, સિંચાઈ      ૭,૨૨૦.૦૦

૩.      શિક્ષણ                          ૩૧,૯૫૫.૦૦

૪.      આરોગ્ય-પરિવાર કલ્યાણ       ૧૧,૨૪૩.૦૦

૫.      મહિલા-બાળવિકાસ             ૩,૧૫૦.૦૦

૬.      પાણી પુરવઠા વિભાગ           ૪,૩૧૭.૦૦

૭.      સામાજિક-ન્યાય અધિકારિતા    ૪,૩૨૧.૦૦

૮.      આદિજાતિ વિકાસ               ૨,૬૭૫.૦૦

૯.      પંચાયત-ગ્રામ વિકાસ           ૯,૦૯૧.૦૦

૧૦.    શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ ૧૩,૪૪૦.૦૦

૧૧.    શ્રમ-રોજગાર                   ૧,૪૬૧.૦૦

૧૨.    માર્ગ-મકાન                     ૧૦,૨૦૦.૦૦

૧૩.    બંદરો-વાહન વ્યવહાર          ૧,૩૯૭.૦૦

૧૪.    ઊર્જા-પેટ્રોકેમિકલ્સ              ૧૩,૯૧૭.૦૦

૧૫.    ક્લાઇમેટ ચેન્જ                 ૧,૦૧૯.૦૦

૧૬.    ઉદ્યોગ-ખાણ                    ૭,૦૧૭.૦૦

૧૭.    વન-પર્યાવરણ                  ૧,૭૮૧.૦૦

૧૮.    ગૃહવિભાગ                      ૭,૫૦૩.૦૦

૧૯.    અન્ન-નાગરિક પુરવઠો          ૧,૨૭૧.૦૦

૨૦.    મહેસૂલ                         ૪,૪૭૩.૦૦

૨૧.    વિજ્ઞાન-ટેક્નોલોજી              ૪૯૭.૦૦

૨૨.    રમતગમત, યુવા, સાંસ્કૃતિક      ૫૬૦.૦૦

૨૩.    માહિતી પ્રસારણ                        ૧૬૯.૦૦

૨૪.    કાયદા વિભાગ                  ૧,૬૮૧.૦૦

૨૫.    સામાન્ય વહીવટ                ૧,૭૬૬.૦૦

કુલ     વિભાગવાર જોગવાઈ           ૧,૪૯,૫૪૭.૦૦

આ વીડિયો પણ જુઓઃ બજેટમાં મહિલા અને બાળ વિકાસ અંગે જોગવાઇ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન