ગુજરાતના મુખ્યમંત્રીનું કોઈ સત્તાવાર મેલ આઈડી જ નથી - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના મુખ્યમંત્રીનું કોઈ સત્તાવાર મેલ આઈડી જ નથી

ગુજરાતના મુખ્યમંત્રીનું કોઈ સત્તાવાર મેલ આઈડી જ નથી

 | 1:26 am IST

અમદાવાદ, તા. ૧૩

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સત્તાવાર કોઈ જ ઈ-મેઈલ આઈડી જ નથી. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આરટીઆઈમાં પૂછાયેલા સવાલના જવાબમાં આ માહિતી પૂરી પાડી છે.

પહેલી એપ્રિલ ૨૦૧૫થી ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધી મુખ્યમંત્રીની કોણે કોણે મુલાકાત લીધી? વિઝિટર રજિસ્ટર આધારે માહિતી માગવામાં આવતાં સરકારે એવો જવાબ આપ્યો છે કે, આવું રજિસ્ટર રાખવાનું હોતું નથી. એટલું જ નહીં પરંતુ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કાર્યાલય દ્વારા ખાણી-પીણી પાછળ કેટલો ખર્ચ થયો છે તે સવાલના જવાબમાં કહેવાયું છે કે, મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આવો કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી. ખાણી-પીણીની સવલત પાછળ કોઈ કોન્ટ્રાક્ટ અપાયો ન હોવાનું આરટીઆઈના જવાબમાં કહેવાયું છે.

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કેટલી જાહેરાતો કરવામાં આવી, જાહેરાતના અમલીકરણ માટે સમિતિની રચના સંદર્ભેના આદેશની નકલ પણ આરટીઆઈમાં માગવામાં આવી હતી, જોકે તે સંદર્ભે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.  જવાબમાં કહેવાયું છે કે માહિતીનો વ્યાપ વિશાળ છે. જુદા જુદા વિભાગો હેઠળના એક કરતા વધારે જાહેર સત્તા તંત્રોને સંબંધિત છે.

આરટીઆઈમાં અરજદાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીના ઈમેઈલ એડ્રેસની માહિતી મગાતા એવું બહાર આવ્યું છે કે, મુખ્યમંત્રીનું વિધિવત્ ઈમેલ આઈડી જ નથી. સ્વૈચ્છિક સંગઠનના મુજાહિદ નફીસ દ્વારા આરટીઆઈમાં આ માહિતી માગવામાં આવી હતી.

;