ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો: કેસો 4000ને પાર, 35 દર્દીઓનાં મોત થતાં હાહાકાર

ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોના હવે વધારે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 દર્દીઓનાં મોત નિપજતાં દહેશત ફેલાઈ ગઈ છે. જ્યારે આજે કોરોનાનાં નવા 4021 કેસો નોંધાયા છે. જેની સામે 2197 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં કેસો 900ને પાર થઈ ગયા છે. જ્યારે સુરત શહેરમાં 14 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આમ ગુજરાતના બે શહેરોમાં કોરોનાની ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે.
ગુજરાતમાં કોરોના હવે શહેરો પૂરતો સીમિત ન રહેતાં ગામડાઓ તરફ પ્રસરી રહ્યો છે. શહેરો બાદ હવે જિલ્લાઓની પણ હાલત ખરાબ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4021 કેસો નોંધાતા સ્થિતિ ભયાવહ બની છે. રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 3,32,474 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2197 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી કુલ 3,07,346 લોકોએ કોરોનાને માત આપી છે. બીજી લહેરના ઘાતક કોરોનાને કારણે રાજ્યમાં 35 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને અત્યાર સુધી કુલ 4655 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે.
કોરોનાનાં વધતાં સંક્રમણને કારણે રાજ્યના એક્ટિવ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 20473 પર પહોંચી છે. જેમાંથી 182 દર્દીઓની હાલત નાજૂક છે. જ્યારે 20291 દર્દીઓની હાલત સ્થિર છે. આજે સુરત શહેરમાં સૌથી વધારે 14 વ્યક્તિઓનાં મોત થયા છે. જે બાદ અમદાવાદ શહેરમાં 8, અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. રાજકોટમાં શહેરમાં 2 અને જિલ્લામાં 2 એમ કુલ 4 મોત, વડોદરામાં શહેરમાં 2 અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર, મહેસાણામાં એક વ્યક્તિએ દમ તોડ્યો હતો.
આજની પ્રેસ નોટમાં વધુ એક વિગત સામે આવી છે કે, રાજ્યમાં કોરોનાની સારવાર માટે કુલ 12 હજારથી પણ વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે રાજ્યમાં કુલ 2, 71,550 વ્યક્તિઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 83,32,840 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી 74,04,864 વ્યક્તિઓને પ્રથમ ડોઝ તો 9,27,976 વ્યક્તિઓને બીજો ડોઝની રસી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન