ગુજરાતમાં દેશી સ્ટેન્ટના ભાવ રૂ. ૮,૦૦૦થી ૧૨,૦૦૦ ક્લિનિકલ ટ્રાયલથી જ સ્ટેન્ટની ગુણવત્તા નક્કી થાય - Sandesh
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં દેશી સ્ટેન્ટના ભાવ રૂ. ૮,૦૦૦થી ૧૨,૦૦૦ ક્લિનિકલ ટ્રાયલથી જ સ્ટેન્ટની ગુણવત્તા નક્કી થાય

ગુજરાતમાં દેશી સ્ટેન્ટના ભાવ રૂ. ૮,૦૦૦થી ૧૨,૦૦૦ ક્લિનિકલ ટ્રાયલથી જ સ્ટેન્ટની ગુણવત્તા નક્કી થાય

 | 12:39 am IST

વૈશ્વિક સ્તરે સ્ટેન્ટ ગુણવત્તાયુક્ત છે કે કેમ તે ચકાસવા માટે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે. ટ્રાયલમાં ભાગ લઇ રહેલા દર્દીઓને રેન્ડમલી પસંદ કરી જુદી જુદી કંપનીના સ્ટેન્ટ નંખાય છે. સ્ટેન્ટ મુક્યાના દસથી બાર કલાકમાં ક્લોટિંગ થયું હોય એવી શોર્ટ ટર્મ અસરો અને લોંગ ટર્મ પેટન્સી એટલે કે લાંબાં સમય સુધી બ્લોકેજ ન થવા દેવાની સ્ટેન્ટની ક્ષમતાનો રેકોર્ડ રખાય છે. અંતે આ રેકોર્ડને આધારે ક્યું સ્ટેન્ટ કેટલું સારું છે, તે નક્કી થાય છે. જોકે રિઝલ્ટ મુજબ પણ કોઇ પણ સ્ટેન્ટ બન્ને મોરચે સંપૂર્ણ નિષ્ફળ જાય એવું નથી બનતું, પરંતુ વપરાયેલા સ્ટેન્ટમાંથી  અમુક જ સ્ટેન્ટની કામગીરી જ નબળી હોય છે. ઉચ્ચ કક્ષાના સ્ટેન્ટમાં નિષ્ફળતાનો દર નીચો, જ્યારે ઓછી ગુણવત્તાના સ્ટેન્ટમાં આ દર ઊંચો હોય છે. જોકે નિષ્ફળતાનો દર હોય એવા સ્ટેન્ટમાં પણ ૮૫-૮૦ ટકા જેટલા સ્ટેન્ટની કામગીરી સારી જ હોય છે. આથી આવા સ્ટેન્ટ વપરાય તો પણ મોટા ભાગના દર્દીઓને કોઇ મોટી તકલીફ ઊભી થતી નથી, પણ બાકીના ૧૫થી ૨૦ ટકા દર્દીઓ માટે જોખમ ઊભું થઇ શકે છે. આથી સસ્તુ સ્ટેન્ટ વાપરતી હોસ્પિટલો માટે તેમની આવી હીન વૃત્તિ છતી થઇ જાય એવી શક્યતા ખૂબ ઓછી છે.

કયું સ્ટેન્ટ સારું ?

નિષ્ણાતોના મતે જે સ્ટેન્ટની ફ્લેક્સેબિલિટી સારી હોય, ટ્રેકેબિલિટી સારી હોય, મેન્યુવેરિંગ એટલે કે વાંકુંચૂંકું જવાની ક્ષમતા સારી હોય તે સારો સ્ટેન્ટ ગણી શકાય, પણ પરિણામલક્ષી દ્રષ્ટિએ સ્ટેન્ટ મુક્યા પછી તે દર્દીના શરીરમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મમાં કેવું કામ કરે છે, તેના આધારે તેની સફળતાનો દર નક્કી થાય છે. સ્શોર્ટ ટર્મ કામગીરીમાં ડ્રગ ઇલ્યિટિંગ સ્ટેન્ટ મુક્યા પછી દર્દીને Subacute Thrombosis ની શક્યતા હોય છે. એટલે કે સ્ટેન્ટ મુક્યા પછીના ૧૨થી ૨૪ કલાકોમાં ક્લોટિંગ થવા માંડે છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સ્ટેન્ટમાં આનો દર એક ટકા જેટલો હોય છે, જ્યારે  પ્રમાણમાં ઓછી ગુણવત્તાવાળા સ્ટેન્ટમાં આ દર ૪થી ૫ ટકા જેટલો હોય છે. સ્ટેન્ટ મુક્યા પછી લાંબા ગાળની અસરો નક્કી કરવા માટે કાર્ડિયોલોજીસ્ટ સૌપ્રથમ ૯ મહિના સુધી તેની પેટન્સી એટલે કે કામ કરવાની ક્ષમતા કેવી છે તે જુએ છે. આને લોંગ ટર્મ પેટન્સી કહે છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સ્ટેન્ટ ૧૦થી ૧૨ વર્ષ સુધી પણ અપેક્ષા મુજબ કામ આપે છે, જ્યારે પ્રમાણમાં ઓછી ગુણવત્તાવાળા સ્ટેન્ટ આટલો સમય સારી કામગીરી બજાવતા નથી. ઉચ્ચ કક્ષાના સ્ટેન્ટમાંથી ૧૦થી ૧૨ ટકા જ્યારે પ્રમાણમાં ઓછી ગુણવત્તાવાળા  સ્ટેન્ટમાંથી ૨૦ ટકા જેટલા સ્ટેન્ટ અપેક્ષા મુજબની કામગીરીમાં નિષ્ફળ જાય છે. ગુણવત્તા નક્કી કરવાનો અન્ય માપદંડ રિસ્ટેનોસિસ રેટ  છે. સ્ટેન્ટ મુકાવ્યા પછી ફરીથી હાર્ટની નળીઓમાં બ્લોકેજ થાય તેને રિસ્ટેનોસિસ કહે છે. ઉચ્ચ ગુણવત્તા યુક્ત સ્ટેન્ટમાં આ રેટ ૫ ટકા અને પ્રમાણમાં ઓછી ગુણવત્તાવાળા  સ્ટેન્ટમાં આ રેટ ૧૫ ટકા જેટલો હોવાનું સાબિત થયો છે. અહીં સ્ટેન્ટ માટે જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને પ્રમાણમાં ઓછી ગુણવત્તાવાળા  એવો જે શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે, તેનો અર્થ એ નથી કે ઊંચા ભાવે મળતાં સ્ટેન્ટ ઉચ્ચ ગુણવત્તાયુક્ત છે કે નીચા ભાવે મળતાં પ્રમાણમાં ઓછી ગુણવત્તાવાળા  છે.

સ્ટેન્ટ શું છે

હૃદયની નળીઓમાં બ્લોકેજ થઇ ગયું હોય તો નળી પહોળી કરવા વપરાતું સ્ટેન્ટ ધાતુના ઝીણા વાયરથી બનાવેલી એક સ્પ્રિંગ જેવું સાધન છે. ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટની ફરતે એક ટેક્નિકલ ટેકક્ટાઇલનું કપડું હોય છે જેને દવાથી ભીંજવવામાં આવેલું હોય છે. આ દવા સ્ટેન્ટ મૂક્યું હોય ત્યાં ફરીથી ક્લોટિંગ થતું રોકે છે. દર્દીને જેટલી નળીમાં બ્લોકેજ હોય એ પ્રમાણે એક કે તેથી વધુ સ્ટેન્ટ મુકવા પડે છે.

પ્રારંભે ૧૦,૦૦૦ના BMSનો ઉપયોગ

કેન્દ્ર દ્વારા ૨૦૧૭માં બીએમએસ અને ડીઇએસની ભાવ મર્યાદા નક્કી કરાઇ તે પહેલા ૨૦૧૨માં લોન્ચ કરાયેલી મા યોજનામાં શરૂઆતમાં રૂ. ૧૦થી ૪૫ હજારમાં મળતા બીએમએસનો ઉપયોગ થતો હતો. હવે કેન્દ્રની ભાવમર્યાદા અમલમાં આવતા ડીઇએસના ભાવ પણ ઘટયા છે અને તે ૮,૦૦૦ જેટલા નીચા ભાવે મળતાં હોવાથી હવે તેનો ઉપયોગ થાય છે.

વિદેશી સ્ટેન્ટ : બે લાખના હવે બાર હજાર

કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેન્ટ માટે ફેબ્રુઆરી, ૨૦૧૭માં રૂ. ૨૯,૬૦૦ની ભાવ મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તે પહેલા હોસ્પિટલો દ્વારા વિદેશી સ્ટેન્ટના ભાવ રૂ. ૨ લાખ સુધી વસુલાતા હતા. ભાવ મર્યાદા નક્કી થયા પછી વિદેશી કંપનીઓ પણ આજ મર્યાદામાં ભારતનાં બજારમાં સ્ટેન્ટ વેંચે છે. કારણ કે, તેમને ભારતનું બજાર ગુમાવવું પોસાય તેમ નથી. આથી તેમને ઇન્ડિયા સ્પેસીફીક સ્ટેન્ટ બનાવ્યા છે. એમ જાણકારોનું કહેવં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન