બીજા તબક્કાનું મતદાન પુરું, 851 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ - Sandesh
 • Home
 • Gujarat
 • બીજા તબક્કાનું મતદાન પુરું, 851 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

બીજા તબક્કાનું મતદાન પુરું, 851 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

 | 8:27 am IST

પાંચ વાગ્યાના ટકોરે આખેર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શાંંત થયા હતા. બીજા તબક્કાનું મતદાન પણ પૂરું થયું હતું. આ સાથે જ ગુજરાત વિધાનસભા ઈલેક્શનની 93 બેઠકોમાં ઉભા રહેલા 851 મતદારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે, જેનો ફેંસલો સોમવારે 18મી ડિસેમ્બરે થશે. ચૂંટણી પૂરી થયા બાદ હવે સૌની નજર પરિણામ પર રહેશે, જેના પર ગુજરાતમાં રાજકીય પક્ષોનું ભાવિ દાવ પર લાગેલું છે.

4 વાગ્યા સુધીમાં 55 ટકા મતદાન
ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 14 જિલ્લામાં મતદાન થયું. બીજા તબક્કામાં 4 વાગ્યા સુધીમાં 55% મતદાન નોંધાયું. બનાસકાંઠા 54%, પાટણ 53%, મહેસાણામાં 56%, સાબરકાંઠા 50%, અરવલ્લી 50%, ગાંધીનગરમાં 53%, અમદાવાદ 52%, આણંદ 52%, ખેડામાં 51%, મહિસાગર 49%, પંચમહાલ 54%, દાહોદમાં 53%, વડોદરા 56% અને છોટા ઉદેપુરમાં 51% મતદાન નોંધાયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈનને જણાવ્યું કે, રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ છે. મતદાન મુદ્દેની ફરિયાદોને લઈને તપાસ કરીશુ. EVMની સાથે બ્લુ ટ્રુથ કનેક્ટ થતી હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. તેમજ PM મોદીએ રોડ શો કર્યાની ફરિયાદ મળી છે. જે અંગે ક્લેક્ટર તપાસ કરીને રિપોર્ટ આપશે.

 • મહેસાણાનાં ભેંસાણા ગામે ઈવીએમની સમસ્યા મામલે હોબાળા થતા મતદાન બંધ થયું હતું. જે 3 કલાક બાદ ફરીથી શરૂ થયું હતું. આ મથક પર ભાજપને દરેક મત પડતા હોવાનો તથા ઈવીએમ બ્લૂટૂથ સાથે કનેક્ટ થયાનો આરોપ લાગ્યો હતો.
 • આણંદ ટાવર બજાર વિસ્તારમાં જુથ અથડામણ થઈ હતી. જેમાં બે ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો. અસામાજિક તત્ત્વોએ 8 ગાડીઓમાં તોડફોડ કરી હતી. જેમાં એક શખ્સ તલવારથી થયેલ હુમલાથી ઘાયલ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી પરિસ્થિતિ કાબુમાં મેળવી હતી.
 • EVMના છેડછાડ મુદ્દે વડગામના છનિયાણા ગામમાં મતદાન બંધ કરાયુ હતું. જેથી ચૂંટણી અધિકારી અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
 • સાબરકાંઠામાં પી.કે.ગર્લ્સમાં ખોટું મતદાન કરનાર સામે કાર્યવાહી કરાઈ છે. વડાલી બૂથ 59/354માંથી બોગસ મતદાર ઝડપાયો છે. આ અંગે પોલીસે કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
 • વડાલીમાં બૂથ 64/354માં EVMમાં ખામી સર્જાઈ હતી. બૂથ 64/354માં EVM ખોટવાતા 50 મિનિટ મતદાન રોકાયું
 • સાણંદના વડનગર ગ્રામજનોએ સવારે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. બપોર બાદ ગ્રામજનોએ મતદાન આપવાનું શરૂ કર્યું હતું.
 • ભાજપના સિનીયર નેતા એલ.કે.અડવાણી પણ પોતાનો મત આપવા ગુજરાત આવ્યા હતા. તેમણે અમવાદના જમાલપુર ખાડિયાના બૂથ પરથી પોતાનો વોટ આપ્યો હતો. તો બીજી તરફ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ વોટ આપ્યો હતો.

12 વાગ્યા સુધી કેટલું મતદાન
12 વાગ્યા સુધી ગુજરાતભરમાં 39 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 14 જિલ્લામાં મતદાન થયું છે. બનાસકાંઠા 35%, પાટણ 36%, મહેસાણામાં 38%, સાબરકાંઠા 39%, અરવલ્લી 36%, ગાંધીનગરમાં 40%, અમદાવાદ 30%, આણંદ 37%, ખેડામાં 42%, મહિસાગર 38%, પંચમહાલ 37%, દાહોદમાં 35%, વડોદરા 39% અને છોટા ઉદેપુરમાં 40% મતદાન નોંધાયું છે.

 • 12 વાગ્યાના મતદાન બાદ ગાંધીનગરથી ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ચૂંટણી કમિશનર બી.બી.સ્વૈને જણાવ્યું કે, પહેલા 2 કલાકનું સરેરાશ 12.39% મતદાન નોંધાયું હતું. કેટલીક જગ્યાઓએ ખોટકાયેલા EVMને ત્વરિત બદલવામાં આવ્યા હતા. હાલ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. ઘાટલોડિયા, મહેસાણામાં બ્લૂટૂથની ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને અમે કલેક્ટર સાથે સંપર્કમાં છીએ. સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પરંતુ મોકપોલ દરમિયાન અમે 50 મત નાખીને EVM ચેક કરીએ છીએ. જોકે, ફેઝ 1 કરતા 50% ઓછા EVM બદલવા પડ્યા છે.
 • બી.બી.સ્વૈને પીએમ મોદીના રોડ શોને લઈને કોંગ્રેસે ઉઠાવેલા ફરિયાદમાં કહ્યું કે, PM મોદીના રોડ શો વિશે ફરિયાદ મળી છે કે નહીં હું જોઈ લઉ છું.
 • વિસનગરના હસનપુરા ગામે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. મતદાન માટે કતારમાં ઉભેલા મતદાતાઓ પર પથ્થરમારો કરાયો હતો, જેમાં 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જૂથ અથડામણને લઈને મતદારો પર પથ્થરમારો કરવાનું હોવાનુ પ્રાથમિક તારણમાં સામે આવ્યુ છે. જેમાં પોલીસે કેટલાક શખ્સોની અટકાયત કરી છે.
 • સિદ્ધપુરનાં સેવલાણીમાં 3 EVM સાથે બ્લુટૂથ કનેક્ટ થયાના આરોપ ઉઠ્યા છે. જે અંગે કોંગ્રેસે ચૂંટણી અધિકારીને જાણ કરી છે. બૂથ નંબર 178,179,180નાં EVM કનેક્ટ થયાની ફરિયાદ આવી છે.
 • પાટણમાં કોંગ્રેસનો વોટ ભાજપમાં જતો હોવાની ફરિયાદ આવી છે. ઘીવટાનાં બૂથ-94માં મતદાનમાં ગડબડીની ફરિયાદ થતા કોંગ્રેસનાં ઉમેદવાર કિરીટ પટેલે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે.

 • 12 વાગ્યા સુધી ગુજરાતભરમાં 39 ટકા મતદાન નોંધાયું

PM મોદીએ કર્યું મતદાન

આજે ઈલેક્શન હોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ફરજ બજાવવા ગુજરાત આવ્યા હતા. તેમણે અમદાવાદના રાણીપ મત વિસ્તારના નિશાન સ્કૂલમાં બૂથ નંબર 115માં વોટ આપવા પહોંચ્યા હતા. સમગ્ર રસ્તામાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા જામ્યા હતા. પણ તેમણે સામાન્ય મતદારની જેમ તેમણે લાઈનમાં ઉભા રહીને વોટ આપ્યો હતો. જેને કારણે ત્યાં ઉભેલા લોકોનો ઉત્સાહ વધી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ તેઓ પહેલીવાર વોટ આપી રહ્યાં છે. મતદાન કર્યા બાદ તેઓ રોડ શોમાં નીકળ્યા હતા, જ્યાં તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે હાથ મિલાવવા લોકોની પડાપડી થઈ હતી.

 • દાહોદ BJPના ઉપપ્રમુખ પ્રફુલ ડામોરની ગાડી પર પથ્થરમારો કરાયો છે. ફતેપુરાના પાટડીયા ગામે આ ઘટના બની હતી. જેમાં પ્રફુલ ડામોરે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે. આ પથ્થરમારામાં એક શખ્સ ઈજાગ્રસ્ત થયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 • બનાસકાંઠાના થરાદમાં જમડા ગામે બોગસ મતદાનની આશંકાએ પોલીસે 8 લોકોની અટકાયત કરી છે.
 • ઉમરેઠના જીતપુરામાં ગ્રામજનોએ સ્થાનિક સમસ્યાઓથી કંટાળીને મતદાનનો બહિષ્કાર કર્યો છે. તેમણે રેવન્યૂ વિલેજ બનાવવાની માંગને લઈ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. વારંવાર રજૂઆત છતાં પરિણામ ન આવતા લોકોમાં રોષ વ્યાપેલો છે.

 • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાના કડીમાં પોતાનો વોટ આપ્યો હતો. તેઓ કોંગ્રેસના ઉમેદવાદ જીવાભાઈ પટેલની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. તો બીજી તરફ, પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલે વિરમગામમાં વોટ આપ્યો હતો.
 • સંખેડાના સોઢાલીયા ગામે ઈવીએમમાં ગરબડીને કારણે 50 મિનીટ સુધી વોટિંગ બંધ રહ્યું હતું. તેથી આ સમય દરમિયાન વોટિંગ સ્થગિત થઈ ગયું હતું. જેના બાદ ખામી દૂર કરાતા વોટિંગ રાબેતામુજબ શરૂ કરાયું હતું.

 • પાટણની રાધનપુર બેઠક પર સાંતલપુર તાલુકાના કલ્યાણપુર ગામે હોબાળો થયો છે. મતદાન સમયે PSI અને મતદારો વચ્ચે ઘર્ષણ થયો હતો. જેથી પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો મતદારોએ આરોપ લગાવ્યો છે. આ અંગે PSIએ માફી માગી છે.
 • બે કલાકના ગાળામાં ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 14 જિલ્લામાં મતદાન થયું છે. જેમાં બનાસકાંઠા 13.5%, પાટણ 12.5%, મહેસાણામાં 15.15%, સાબરકાંઠા 12.20%, અરવલ્લી 10.02%, ગાંધીનગરમાં 13.06%, અમદાવાદ 11.5%, આણંદ 13.4%, ખેડામાં 13.5%, મહિસાગર 11.12%, પંચમહાલ 12%, દાહોદમાં 11.5%, વડોદરા 13.5% અને છોટા ઉદેપુરમાં 10% મતદાન નોંધાયું છે.

 • વડોદરામા અનેક જગ્યાઓએ ઈવીએ મશીન ખોટકાયા છે. એકતાનગર, વારસિયા રિંગ રોડ, આજવા, મંગલેશ્વર ઝાપા, યાકુતપુરા, સિંધુ સાગરમાં મશીન ખોટકાયા છે. તેમજ રાવપુરા બેઠક પર પણ ઠેર ઠેર વોટિંગ મશીન ખોટકાતા કોંગ્રેસના કાર્યકર્તાએ હોબાળો મચાવ્યો હતો. ઝેનિથ સ્કૂલ, જીવન ભારતી સ્કૂલ, લાલબહાદુર સ્કૂલ, તાંદલજા, વાઘોડિયામાં આસોજ ગામે તથા ગંગાનગરના ઈન્દીરાનગરમાં પણ EVM ખોટકાયું
 • 2 કલાકની અંદર સરેરાશ 9.6 ટકા મતદાન થયું હોવાનુ જાણવા મળ્યું હતું. જ્યારે કે, એક કલાકની અંદર 6 ટકા સરેરાશ મતદાન થયું હતું.
 • બનાસકાંઠાના ધાનેરાનાં ચારડા ગામે મતદાન મથકમાં ફરજ પરનાં કર્મચારી પર હુમલો કરાયો છે. કર્મચારી પર એક શખ્સે હુમલો કર્યો, જેને કારણે સમગ્ર મામલો ધાનેરા પોલીસ મથકે પહોંચ્યો

EVM સાથે બ્લૂટૂથ કનેક્શનની ફરિયાદ આવી
9 ડિસેમ્બરની ચૂંટણી દરમિયાન ઈવીએમ બ્લૂટૂથ સાથે કનેક્ટ થયાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે આજે 14મી મતદાનમાં પણ આ ફરિયાદો આવવાની શરૂ થઈ છે. ઘાટલોડિયામાં 3 બૂથ પર EVMમાં બ્લ્યૂટૂથ કનેક્ટ થયાની ફરિયાદ ઉઠી છે. ઘાટલોડિયાની ત્રિપદા સ્કૂલમાં EVM બ્લ્યૂટૂથ કનેક્ટ થયાની ફરિયાદ છે. બૂથ નંબર 294, 295, 296માં બ્લ્યૂટૂથ કનેક્ટ થયાની લોકોએ ફરિયાદો ઉઠી છે. જેથી લોકોએ બ્લ્યૂટૂથ આ અંગે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. દાંતીવાડાના વાઘરોલમાં ઈવીએમ બ્લૂ ટૂથ સાથે કનેક્ટ થયાના આરોપ સામે આવ્યા છે. જેમાં ગામલોકોએ હંગામો કરીને મતદાન અટકાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે મૂકેલા પ્રતિબંધ અનુસાર, મતદાન મથકની અંદર મોબાઈલ સાથે પ્રવેશ પણ નહિ મળે. મતકેન્દ્ર કે તેની 100 મીટર ત્રિજ્યામાં મોબાઈલનો વપરાશ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. મોબાઈલ, બ્લુટુથ સહિતના તમામ વાયરલેસ ઉપકરણોનો ઉપયોગ કરનાર સામે ગુનો નોંધાશે.

કોણે ક્યાં મતદાન કર્યું
ઘાટલોડિયામાં ભાજપનાં ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે, ઊંઝાના ભાજપના ઉમેદવાર નારાયણ પટેલે, બનાસકાંઠાના ધાનેરામાં ભાજપના ઉંમેદવાર માવજી દેસાઈએ, થરાદથી ભાજપનાં ઉમેદવાર પરબત પટેલે, અલ્પેશ ઠાકોરે દિયોદરમાં, ચાણસ્માથી ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરે દાતરવાડામાં, દિયોદર ભાજપનાં ઉમેદવાર કેશાજી ચૌહાણે મોજરું ગામે, દિયોદરથી કોંગ્રેસનાં ઉમેદવાર શીવા ભૂરીયાએ વાતમ જૂના ગામે, ડભોઈમાં કોંગ્રેસનાં સિદ્ધાર્થ પટેલે, ડીસાથી કોંગ્રેસનાં ઉમેદવાર ગોવાભાઈ રબારીએ, ધોળકાથી ભાજપનાં ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ, એલિસબ્રિજથી રાકેશ શાહે તેમજ વિધાનસભા દંડક પંકજ દેસાઈએ નડિયાદમાં મતદાન કર્યું.

 • દેશના નાણામંત્રી અરુણ જેટલી પણ વોટ આપવા માટે અમદાવાદના વેજલપુરમાં 961 બૂથ નંબર પર પહોંચ્યા હતા. પણ અહી રસપ્રદ બાબત એ બની હતી કે, તેમણે સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહીને વોટ આપ્યો હતો. વોટ આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે, હું ગુજરાતની જનતાને અપીલ કરુ છું કે, તેઓ ભારે સંખ્યામાં આવીને વોટ કરે અને વિકાસ યાત્રાને કાયમ રાખે.

 • પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ ગાંધીનગરના વાસણા ગામમાં મતદાન કર્યું.
 • સાણંદના વડનગરમાં સમસ્ત વડનગરના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં કામ થતુ ન હોવાના ગ્રામજનોએ લગાવેલા આરોપમાં આ બહિષ્કાર કરવામાં આવ્યો છે.
 • પંચમહાલના શહેરામાં 3થી વધુ જગ્યાએ EVMમાં ખામી સર્જાઈ. શહેરાનાં સાદરા, સુરેલી, ડુમેલાવ EVMમાં ખામી સર્જાઈ.
  સાબરકાંઠામાં મોકપોલ દરમિયાન 70થી વધુ EVMમાં સર્જાઈ ખામી. હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં EVM બંધ થતા મતદારો રોષે ભરાયા. કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પંચને જાણ કરી.

 • બીજા તબક્કાના પહેલા એક કલાકમાં ધીમુ મતદાન થયું. એક કલાકમાં સરેરાશ 6% મતદાન નોંધાયું.
 • વિરમગામના ઘાકડી ગામમાં બુથ નં – 1, અરવલ્લીનાં ધનસુરાના શિકા – 02 બુથમાં, વડોદરાનાં સાવલીમાં ગંગોત્રી સ્કૂલમાં, સાવલીમાં મેવલી ગામે બુથ નંબર 1, આણંદના વિદ્યાનગરમાં નલીની કોલેજમાં, વિરમગામનાં ડુમાણા ગામે પ્રાથમિક શાળામાં, પાટણનાં સિદ્ધપુરમાં એલ.એસ.હાઈસ્કૂલમાં, બનાસકાંઠાનાં વાવનાં કુંભારડીમાં, પાલનપુરના ખસામાં 2, જામપૂરા બૂથ નં – 111, ભિલોડાના આબાબાર, ધનસોર અને ભટેળા બુથમાં તેમજ મોડાસામાં પહાડપુરના ચોપડા મતદાન મથકમાં EVMમાં ખામી સર્જાઈ

 • ચૂંટણી કમિશનર બી.બી.સ્વૈને મતદાન કર્યુ
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેમનો દીકરો જય શાહે નારણપુરામાં મતદાન કર્યું
 • હાર્દિક પટેલના માતાપિતા અને બહેને મતદાન કર્યું

 • વડોદરાના સાવલીમાં ઈવીએમમાં ખામી સર્જાતા મતદારોએ કર્યો હોબાળો. મતદારોએ ધારાસભ્ય અને કલેક્ટરને રજૂઆત કરી.
 • Pm નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગાંધીનગરમાં વહેલી સવારે મતદાન કર્યું

 • અરવલ્લીના બાયડ તાલુકાના 5 ઈવીએમમાં ખામી નીકળી. કોંગ્રેસનું બટન દબાતું ન હોવાની ફરિયાદ
 • ખેલારુના મલાપુર તાલુકા, મોડાસાના ઝાલોદરમાં, પાવીજેતપુરની સાર્વજનિક હાઈસ્કૂલના ઈવીએમમાં ખામી નીકળી
 • 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન શરૂ થયું. અનેક દિગ્ગજો સહિત સ્થાનિક નેતાઓ અને મહાનુભાવો મતદાન કરવા પહોંચ્યા.

 • અમદાવાદના વસ્ત્રાલ, બાપુનગર, નિકોલમાં વહેલી સવારે જ મતદારોની લાંબી લાઈન લાગી.
 • પાટણમાં આનંદ પ્રકાશ હાઈસ્કૂલ બૂથ નંબર 158માં મોકપોલ દરમિયાન EVMમાં ખામી
 • આણંદના બોરસદમાં પીપળી વોર્ડ નંબર 2માં EVM ખોટકાયું. ટેસ્ટિંગ દરમિયાન અધિકારીઓની બતાવી. એરર

 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી. તેમણે લખ્યું કે, વિકાસની ગતિ બનાવી રાખવા વોટ મહત્વપૂર્ણ છે.

 આ મતદાનમાં ૧,૧૫,૪૭,૪૩૫ પુરુષ મતદારો, ૧૦૭૪૮૯૭૭ સ્ત્રી મતદારો તથા ૪૫૫ ત્રીજી જાતિના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ ૯૩ બેઠકો માટે ૮૫૧ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ તમામ બેઠકો ઉપર કોંગ્રેસ વડગામ તથા વાઘોડિયા સિવાયની બેઠકો ઉપર, એનસીપી અને બસપા અનુક્રમે ૨૮ તથા ૭૫ બેઠકો ઉપર તેમજ ૩૫૦ અપક્ષો ચૂંટણી જંગમાં છે.

પ્રથમ તબક્કાના ૬ બૂથ ઉપર થશે ફેરમતદાન
જામજોધપુર બેઠકના ધુનડા અને માનપર, ઊના બેઠકના બંધારડા તથા ગાંગડા-૩, નિઝર બેઠકના ચોરવડ-૨ તથા ઉમરગામ બેઠકના ચાણોદ કોલોની, ચાણોદ એમ કુલ ૬ મતદાન મથકોએ જ્યાં પ્રથમ તબક્કામાં થયેલું મતદાન કેન્સલ થયું છે, ત્યાં પણ ગુરુવારે ફેરમતદાન યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન