Gujarat farmers get moisture in peanuts due to poor rainfall
  • Home
  • Gujarat
  • ગુજરાતનાં ખેડૂતોને પડતા પર પાટું, કમોસમી વરસાદના કારણે મગફળીમાં લાગ્યો ભેજ

ગુજરાતનાં ખેડૂતોને પડતા પર પાટું, કમોસમી વરસાદના કારણે મગફળીમાં લાગ્યો ભેજ

 | 5:31 pm IST

રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ફરી શરૂ થઇ છે પરંતુ સરકાર જગતના તાતને ટેકો આપવા માંગતી હશે પરંતુ આ ટેકો ખેડૂતોને મળવામાં કમોસમી વરસાદ વિઘ્નરૂપ બની રહ્યો છે. કારણકે ટેકાના ભાવની ખરીદીમાં વધુ પ્રમાણમાં આવતા ભેજના કારણે મગફળી રિઝેક્ટ થઇ રહી છે.

સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદી તા, 1 નવેમ્બરથી શરૂ થઈ હતી પરંતુ માવઠાના કારણે ખેડૂતોનો પાક તૈયાર ન થયો હોવાથી ખેડૂતો મગફળી વેચવા માટે ન આવતા સરકારે મગફળીની ખરીદી બંધ કરવી પડી હતી. ફરી આજથી ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ કરી પરંતુ જૂનાગઢ જિલ્લામાં 18 દિવસની અંદર ત્રણથી ચાર વખત આવેલા માવઠાના કારણે ખેડૂતોની મગફળીમાં ભેજનું પ્રમાણ વધારે પડતું જોવા મળે છે. જેથી ખેડૂતની મગફળી સરકારના ધારાધોરણ મુજબ પાસ થતી ન હોવાથી ખેડૂતને સરકારનો ટેકો મળવો મુશ્કેલ બન્યો છે. ચોકી ગામના ખેડૂતને માત્ર પોઇન્ટ 46 ભેજ વધુ આવવાના કારણે પોતાની મગફળી રિઝેક્ટ થઈ હતી. જેથી નારાજ થઈ ફરી પોતાની મગફળી ભરી અન્યત્ર વેચવા તૈયારી કરવી પડી હતી.

ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે લઈ આવવામાં ડર લાગી રહ્યો છે. કારણ કે ખેડૂત મજૂરી અને વાહન ભાડા ચડાવી ગામડેથી પોતાની મગફળી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચાડે ત્યારે કમોસમી વરસાદ અને માવઠાના કારણે આવેલા ભેજથી ખેડૂતની મગફળી રિઝેક્ટ થવાનો ડર સતાવી રહ્યો છે. પરંતુ કેટલાક ખેડૂતો સરકારના ટેકાની આશાએ મગફળી પોતાનો વારો આવ્યો હોવાથી લઈને આવી રહ્યા છે ત્યારે મગફળી ભેજના કારણે રિઝેક્ટ થવાથી ખેડૂતને નિરાશા સાથે આર્થિક ડામ પણ સહન કરવો પડે છે. કારણ કે રિઝેક્ત થયેલી મગફળી ફરીવાર અન્ય જગ્યાએ વેચવા જવા માટે મજૂરી અને ભાડા ચઢાવવા પડે છે. જેથી સરકારે ખેડૂતોને ખરેખર ટેકો આપવો હોય તો જે વિસ્તારમાં માવઠાઓ પડ્યા છે ત્યાં ભેજ બાબતે બાંધછોડ કરી નિયમમાં સુધારો કરવો જોઈએ.

ટેકાના ભાવની ખરીદીમાં સરકારના અલગ-અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે જેમાં ખેતીવાડી વિભાગ પુરવઠા વિભાગ નાફેડ સહિતની અનેક સરકારી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે પરંતુ તેઓની વચ્ચે પણ સંકલનનો અભાવ જોવા મળે છે. આજે 50 ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ બે સેમ્પલ લેવામાં આવ્યા અને બંને સેમ્પલને ગ્રેડરોએ પાસ કર્યા હોવાનું ખેતીવાડી અધિકારી મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે. પરંતુ પાછળથી બેમાંથી એક ખેડૂતનું મગફળીનું સેમ્પલ ભેજના કારણે રિઝેક્ટ કરવું પડ્યું તો સાંભળો ખેતીવાડી અધિકારી કહે છે કે બંને સેમ્પલ પાસ થયા છે અને ખેડૂત કહે છે કે પ્રથમ વારો મારો હતો અને તે વધુ ભેજના કારણે રિઝેક્ટ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન