NRI સાથે સિમ્સ હોસ્પિટલની ખુલ્લી લૂંટ, આઈસોલેશન માટે 5 લાખ વસૂલી 14ના બદલે 5 દિવસમાં રજા આપી

કોરોનાની મહામારીમાં ય ખાનગી હોસ્પિટલ્સ નફાખોરી અને ખુલ્લી લૂંટની એકપણ તક જવા નથી દેતી તેનો અત્યંત વરવો અનુભવ કોરોનાના પોઝિટિવ એનઆરઆઈ દર્દીને થયો. સારી અને અસરકારક સારવાર મળે તે ઈરાદે ૬૯ વર્ષના ભૂપેન્દ્ર પટેલ સિમ્સ હોસ્પિટલમાં દાખલ થયા.
૧૪ દિવસ આઈસોલેશનમાં રહેવા રૂ. ૫.૧૦ લાખનું પેકેજ એડવાન્સ પેમેન્ટ સાથે લીધું. પણ તેમના આઘાત વચ્ચે તેમને પાંચ દિવસમાં ડિસ્ચાર્જ કરી દેવાયા અને આ દરમિયાન તેમને કોઈ જ જાતની સુવિધા જોવા ન મળી અને હોસ્પિટલમાં અનેક રોગના ચેપ બનાય તેવું બિન-આરોગ્યપ્રદ વાતાવરણ પણ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે સીમ્સ (CIMS) હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે આ હોસ્પિટલે તેમની સારવાર યોગ્ય રીતે કરી નથી. સ્ટાફ પણ કોરોના દર્દીઓની સારવાર કરવાના બદલે તેમના પ્રત્યે અસંસ્કારી વર્તન કરે છે. આ દર્દીનો આક્ષેપ છે કે, ૧૦ મેના રોજ તેઓ આ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
ત્યારે એક પણ ડોક્ટર તેમની તપાસ માટે આવ્યા ન હતા. ૧૪ મેના રોજ ડોક્ટરે તેમને પૂછયું કે તમારે રજા જોઈએ છે ? તો દર્દીએ કહ્યું કે, તમે કહો તે પ્રમાણે અને ડોક્ટરે તેમને ડિસ્ચાર્જ કરી દીધા હતા. આ દર્દીના સંબંધી કહે છે કે સિમ્સ હોસ્પિટલે કોરોના પોઝિટવ દર્દીના ૧૪ દિવસના આઈસોલેશન માટે રુ. ૫.૧૦ લાખનુ પેકેજ આપ્યું હતુ.
જો કે, તેમને માત્ર પાંચ દિવસમાં જ ડિસ્ચાર્જ કરાયા હતા અને બિલ પેટે રુ. ૨.૦૭ લાખ ચાર્જ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલ અમેરિકામાં રહે છે અને છેલ્લા ૨૮ વર્ષથી દર ડિસેમ્બર માસમાં ડાકોરના પદ યાત્રીઓ માટે મફતમાં મેડિકલ કેમ્પની સુવિધા આપવા તેઓ ભારત આવે છે. આ વર્ષે પણ તેઓ આવ્યા હતા. જો કે, લોકડાઉનના લીધે, તેમને અહીં રહેવું પડયું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન