'Gujarat government did not learn lessons from Ahmedabad-Surat, which made the situation worse in Rajkot'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ‘અમદાવાદ-સુરતમાંથી ગુજરાત સરકાર પાઠ ન ભણી, જેના કારણે રાજકોટમાં સ્થિતિ વકરી’

‘અમદાવાદ-સુરતમાંથી ગુજરાત સરકાર પાઠ ન ભણી, જેના કારણે રાજકોટમાં સ્થિતિ વકરી’

 | 7:36 am IST

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણના લીધે સ્થિતિ વકરી રહી છે. આ મુદ્દે, હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર, રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને આદેશ કર્યો છે કે, સ્થિતિ અંકુશ બહાર જાય તે પહેલાં યોગ્ય પગલા લો અને સ્થિતિને સંભાળો.

કોરોના પર અંકુશ મેળવવા માટે અમદાવાદમાં જે મોડેલ અપનાવવામાં આવ્યું હતું, તે જ રીતે રાજ્યના વડોદરા, રાજકોટ સહિત તમામ શહેરોમાં કામ કરો અને આક્રમક પગલાં લો. કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં હાઈએલર્ટ આપો.

કોરોનાના સંક્રમણમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જાણવા અંગે સરકારે ઉચ્ચ અધિકારીઓની કમિટી બનાવેલી છે. હાઈકોર્ટે આ ઉચ્ચ અધિકારીને નિર્દેશ આપ્યો છે કે, રાજકોટની સ્થિતિ અંગે સર્વે કરો અને સ્થિતિ પર અંકુશ મેળવવા માટે સાચી દિશામાં કંઈ રીતે કામ કરવું, તે અંગે સ્થાનિક તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપો.

કોઈપણ શહેરમાં કોરોનાના લીધે સ્થિતિ વણસે પછી, તેને અંકુશમાં લેવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવે છે. આ સ્થિતિના લીધે, સરકાર ઊંઘતી ઝડપાય છે. સરકારે, બેકફૂટ પર રહેવાનુ બંધ કરવું જોઈએ. ભૂતકાળમાં અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારમાં જ્યારે કોરોના વકર્યો હતો, ત્યારે તેને નાથવા માટે કડક પગલા લેવાયા હતા. તેવું જ સુરતમાં સ્થિતિ બગડી ત્યારે કર્યું હતું અને સ્થિતિ અંકુશમાં આવી હતી. સરકારે આ અનુભવના આધારે કોરોનાને નાથવા સમયસર પગલાં લીધા નથી. એટલે સૌરાષ્ટ્રમાં હવે રાજકોટ, જામનગરમાં કોરોના વકર્યો છે.

અમારી હાથ જોડી વિનંતી છે, તમારા હિતમાં સરકારનું માનો’

હાઈકોર્ટે નોંધ્યું છે કે, સરકાર અસરકારક પગલાં ભરે છે, પરંતુ લોકો સહકાર આપતા નથી. જે બાબત ચિંતાજનક છે. હાઈકોર્ટે લોકોને બે હાથ જોડીને વિનંતી કરી છે. કોરોનાને નાથવા માટે સરકારે જે નીતિ-નિયમો ઘડયા છે, તેનુ પાલન કરીને તંત્રને સાથ આપો અને તમારું ધ્યાન રાખો. હાઈકોર્ટે આશા વ્યક્ત કરી છે કે, જો લોકો વ્યક્તિગત રીતે તેમનું ધ્યાન રાખશે અને જવાબદારી તથા સભાનતાભર્યુ વર્તન કરશે તો ટૂંક સમયમાં સ્થિતિ સુધરશે.

ભણેલા જ રસ્તાઓ પર માસ્ક વિના ટોળે વળે છે

સોશિયલ ડિસ્ટન્સિંગના મુદ્દે, હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, અમદાવાદમાં સાંજ પડતા જ યુવાનો, મહિલાઓ, છોકરા અને છોકરીઓ રસ્તા પર નીકળી પડે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરે છે. જો, આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ભવિષ્યમાં હાલત કફોડી બનશે. મોટા ભાગે શિક્ષિત લોકો જ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરે છે. આ જ સ્થિતિ રાજ્યના અન્ય શહેરોમાં પણ છે, જે ચિંતાજનક બાબત છે. હાલ, કોરોનાના લીધે સ્થિતિ વકરી રહી છે, ત્યારે તેમાં સુધારા માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે.

નેતાઓ જ નિયમો પાળતા નથી, લોકો એમનું જોઈને જ શીખે

છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર રેલી-મેળાવડા યોજનારા દરેક રાજકીય નેતાઓને હાઈકોર્ટે ટકોર કરી છે કે, રાજકીય નેતાઓ લોકોના માર્ગદર્શક હોય છે. જો કે, સરકારે ઘડેલા નિયમોનું પાલન રાજકીય નેતાઓ નહીં કરે તો કેવી રીતે ચાલશે ? રાજકીય નેતાઓનુ આ પ્રકારનું વલણ, સામાન્ય જનતામાં ખોટા ઉદાહરણો બેસાડે છે. જો નેતાઓ જ નિયમોનું પાલન નહીં કરે તો સામાન્ય જનતા ક્યાંથી કરશે ?

કોરોનાના સાચા આંકડા જાહેર કરો

કોર્ટે કહ્યું કે, કોરોનાના કેસ, મૃત્યું અંગેના સાચા આંકડા પારદર્શી રીતે જાહેર કરો. જેથી, લોકોને વાસ્તવિકતાની માહિતી મળે અને સ્થિતિની ગંભીરતાને સમજે. જો, લોકોને સાચી માહિતી નહીં મળે તો, તેઓ બેદરકાર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન