Gujarat Government earns 100 Crore Rs by Gov Job Forms
  • Home
  • Ahmedabad
  • ગુજરાતનાં બેરોજગારોએ સરકારની તિજોરી છલકાવી, ફોર્મ ભરીને કરાવી 100 કરોડ રૂપિયાની કમાણી

ગુજરાતનાં બેરોજગારોએ સરકારની તિજોરી છલકાવી, ફોર્મ ભરીને કરાવી 100 કરોડ રૂપિયાની કમાણી

 | 7:51 pm IST

ગુજરાતમાં હાલ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સરકારી નોકરીઓ પર બ્રેક લાગી ગઈ છે. અને હવે ફરીથી ક્યારે સરકારી નોકરીઓ માટે સરકાર લીલીઝંડી આપશે તેની સૌ કોઈ રાહ જોઈને બેઠાં છે. સોશિયલ મીડિયામાં પણ યુવાનોએ આંદોલન ચલાવ્યું હતું. તેવામાં હવે સરકારી નોકરીઓને લઈ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગુજરાતનાં બેરોજગારો કે જે સરકારી નોકરીઓ માટે વિવિધ ફોર્મ્સ ભરે છે તેની ફી થકી રાજ્ય સરકારને અધધ 100 કરોડ રૂપિયાની આવક થઈ છે. એટલે કે, સરકાર ભલે સરકારી નોકરીઓ આપવામાં સફળ રહી નથી, પણ સરકારી નોકરીઓની જાહેરાત અને તેના ફોર્મથી તિજોરી છલોછલ ભરાઈ ગઈ છે.

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારની સરકારી જગ્યાઓ ભરવા માટેની જાહેરાતો કરવામાં આવી છે. જો કે યુવાનોને સરકારી નોકરી નહીંવત પ્રમાણમાં મળી છે. પણ હા આ ભરતી પ્રક્રિયાથી સરકારને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. સરકારને કઈ ભરતીની જાહેરાતથી કેટલા નાણાં મળ્યા તેના પર કરીએ એક નજર તો…

-તલાટીની 1800 જગ્યાની જાહેરાતથી રૂ. 2576 લાખ
-બિન સચિવાલય કારકુનની 3738 જગ્યાની જાહેરાતથી રૂ. 1170.40 લાખ
-કોન્સ્ટેબલની 9713 જગ્યાની જાહેરાતથી રૂ. 981.12 લાખ
-વનરક્ષકની 334 જગ્યાની જાહેરાતથી રૂ. 700 લાખ
-મુખ્ય સેવિકાની 275 જગ્યાની જાહેરાતથી રૂ. 224 લાખ
-DYSOની 260 જગ્યાની જાહેરાતથી રૂ. 476 લાખ
-ડે. ચીટનીશની 77 જગ્યાની જાહેરાતથી રૂ. 336 લાખ
-GPSC CLASS 1/2ની 250 જગ્યાની જાહેરાતથી રૂ. 448 લાખ
-જમાદાર વર્ગ 3ની 220 જગ્યાની જાહેરાતથી રૂ. 364 લાખ
-ફાર્મસીસ્ટની 112 જગ્યાની ભરતીની જાહેરાતથી રૂ. 84 લાખ
-સ્ટાફ નર્સની 995 જગ્યાની જાહેરાતથી રૂ. 112 લાખ
-મોટર વ્હિકલ ઈસ્પેક્ટરની 50 જગ્યાની જાહેરાતથી રૂ. 84 લાખ
-પટ્ટાવાળા વર્ગ 4ની 230 જગ્યાની જાહેરાતથી રૂ. 1.12 કરોડ
-વિસ્તરણ અધિકારીની 25 જગ્યાની જાહેરાતથી રૂ. 28 લાખ
-TET- 1ની ભરતીની જાહેરાતથી રૂ. 367.50 લાખ
-TET- 2ની ભરતીની જાહેરાતથી રૂ. 450 લાખ
-CTO CLASS- 2ની 432 જગ્યાની જાહેરાતથી રૂ. 224 લાખ

શિક્ષિત બેરોજગાર નોકરી મેળવવા માટે સરકારી ભરતીમાં યોગ્ય હોય એટલે ફોર્મ ભરે છે. ફોર્મની કિંમત સરેરાશ રૂ. 112 હોય છે. એક બેરોજગાર અનેક ભરતી માટે ફોર્મ ભરે છે. પરિણામે સરકારની તિજોરી કરોડો રૂપિયાથી છલકાતી રહે છે. પરંતુ સરકાર નોકરી આપી શકતી નથી. આવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન