એશિયન ગેમ્સ 2026માં ભારતીય ક્રિકેટ ટીમની ક્વાર્ટર ફાઈનલની ટક્કર નક્કી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા હવે 28 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. નેપાળ અને જાપાન વચ્ચેની ગ્રુપ Aની મેચ વરસાદના કારણે રદ થતાં આ સ્થિતિ બની છે. ભારતને ટૂર્નામેન્ટમાં સીધો ક્વાર્ટર ફાઈનલ પ્રવેશ મળ્યો હતો અને હવે નોકઆઉટમાં તેની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમાશે. વરસાદે બદલ્યું આખું ગણિત શનિવારે નેપાળે પ્રથમ બેટિંગ કરતાં 15 ઓવરમાં 149 રન બનાવ્યા હતા. નેપાળ તરફથી સંદીપ જોરીએ 32 બોલમાં અણનમ 57 રન બનાવ્યા, જ્યારે લોકેશ બમે માત્ર 22 બોલમાં અણનમ 52 રન ફટકાર્યા હતા. બંનેએ અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવીને ટીમનો સ્કોર 149 સુધી પહોંચાડ્યો હતો. જાપાનને 150 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ વરસાદ સતત પડતો રહ્યો અને જાપાનની ઈનિંગ્સ શરૂ જ થઈ શકી નહીં. અંતે મેચ રદ જાહેર કરવામાં આવી. આ પરિણામથી નેપાળ ગ્રુપ Aમાં પ્રથમ અને અફઘાનિસ્તાન બીજા સ્થાને રહ્યું. અફઘાનિસ્તાન કેવી રીતે બીજા ક્રમે આવ્યું અફઘાનિસ્તાને પોતાની પ્રથમ મેચમાં જાપાનને 48 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ નેપાળ સામે તેને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ નેપાળે અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ જાપાન સામેની મેચ રદ થતાં ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું. ગ્રુપ Aમાંથી ટોચની બે ટીમોને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મળવાનું હતું. તેથી નેપાળ અને અફઘાનિસ્તાન બંને નોકઆઉટમાં પહોંચી ગયા, જ્યારે જાપાનની સફર અહીં જ પૂરી થઈ. 28 સપ્ટેમ્બરે ભારત-અફઘાનિસ્તાન ટક્કર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ 28 સપ્ટેમ્બરે જાપાનના નિશિન શહેરના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાશે. ભારતને સીડિંગના કારણે સીધો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મળ્યો હતો. ભારતીય ટીમની આગેવાની શ્રેયસ ઐયર કરી રહ્યો છે. ટીમમાં અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓ સામેલ છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત એશિયન ગેમ્સમાં પુરુષોની ક્રિકેટ સ્પર્ધાનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે પૂરી થઈ શકી નહોતી અને ભારતને તેની ઊંચી સીડિંગના આધારે ગોલ્ડ મળ્યો હતો. આ વખતે બંને ટીમો ફરી એક વખત એશિયન ગેમ્સમાં આમને-સામને આવી રહી છે. ભારત માટે હવે સીધી નોકઆઉટ મેચ હોવાથી એક હાર સાથે મેડલની રેસમાંથી બહાર થવાની સ્થિતિ રહેશે. ક્વાર્ટર ફાઈનલ બાદ શું થશે પુરુષોની ક્રિકેટ સ્પર્ધા ટી20 ફોર્મેટમાં રમાઈ રહી છે. ભારત-અફઘાનિસ્તાન મેચના વિજેતા માટે સેમિફાઈનલનો રસ્તો ખુલશે. સેમિફાઈનલ 1 ઓક્ટોબરે રમાવાની છે, જ્યારે બ્રોન્ઝ મેડલ અને ગોલ્ડ મેડલની મેચ 3 ઓક્ટોબરે યોજાશે. આ પણ વાંચો: Nitish Kumar Reddy પર બોલિંગ કોચે મૂક્યો ભરોસો, ભારતના વનડે ઓલરાઉન્ડર માટે મોટો સંકેત