હવે ગૌહત્યા કરવા પર થશે આજીવન કારાવાસની સજા, પાસ થશે નવુ સુધારા વિધેયક - Sandesh
  • Home
  • Gandhinagar
  • હવે ગૌહત્યા કરવા પર થશે આજીવન કારાવાસની સજા, પાસ થશે નવુ સુધારા વિધેયક

હવે ગૌહત્યા કરવા પર થશે આજીવન કારાવાસની સજા, પાસ થશે નવુ સુધારા વિધેયક

 | 5:50 pm IST

ગૌહત્યા રોકવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે. જેથી રાજ્ય સરકાર દ્વારા ગૌહત્યા રોકવા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌહત્યા અટકે તે માટે રાજ્યની રૂપાણી સરકાર આ બજેટ સત્રમાં પશુ સંરક્ષક સુધારા વિધેયકને રજૂ કરવા જઈ રહી છે. આ વિધેયક મુજબ ગૌહત્યા કરનાર, તેની હેરફેર કરનાર કે વેચતો ઝડપનાર શખ્સને 7થી 10 વર્ષ સુધીની કેદ થઈ શકશે. તેમજ તેમાં એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે. ત્યારે સત્રના છેલ્લા દિવસોમાં ગૃહમાં ગૌ હત્યા સુધાર વિધેયકને રજૂ કરવામાં આવશે. રાજ્યમાં ગૌહત્યા પર પહેલેથી જ પ્રતિબંધ છે. તેમ છતાં ગૌ હત્યા થાય છે અને ખુલ્લેઆમ માંસની હેરાફેરી પણ થાય છે. તેથી ગૌહત્યા રોકવા કટિબદ્ધ બનેલી રાજ્ય સરકાર હવે પશુ સંરક્ષણ અધિનિયમમાં સુધારો કરવા જઈ રહી છે. પશુઓની ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે સરકાર આ સુધારો લાવશે. જેમાં પશુઓના ગેરકાયદે કતલ, હેરફેર સામે કડક શિક્ષાની જોગવાઈ કરવામા આવી છે. કાયદાકીય જોગવાઈઓને વધુ કડક બનાવવામાં આવી છે. આ સત્રના છેલ્લા ત્રણ દિવસોમાં આ વિધાયક ગૃહમાં રજૂ કરવામાં આવશે.

શું નવા સુધારા આવશે
– ગૌ હત્યા કરનાર કે, માંસની હેરાફેરી કરતા ઝડપાનાર શખ્સને 7 થી 10 વર્ષ સુધીની કેદની જોગવાઈ
– ઓછામાં ઓછા રૂપિયા એક લાખના દંડની જોગવાઈ
– ગેરકાયદે હેરફેર કરતા વાહનો રાજ્ય સાત કરાશે
– આવુ કરનાર શખ્સ સામે બિનજામીન પાત્ર ગુનો નોંધાશે

આ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ વિધાયકમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જે લોકો ગૌહત્યા કરતા કે, માંસ લઈ જતા પકડાશે તેમને આજીવન કારાવાસની સજા થશે. માંસની હેરફેર કરનારાઓના વાહનો પણ જપ્ત થશે.

જુનાગઢ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વિધાયકનો ઉલ્લેખ કર્યો હતો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જુનાગઢ જિલ્લાના વંથલીમાં સ્વામી નારાયણ ગુરૂકુળમાં દેવપ્રસાદ સ્વામી સ્કુલ-કોલેજનું ધૂળેટીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં સુખ, શાંતિ અને અહિંસા પરમો ધર્મ સ્થાપિત થાય તે દિશામાં રોજે રોજ વર્તમાન સરકાર નિર્ણયો લઇ રહી છે. આગામી અઠવાડીયામાં ગૌ વંશ-ગૌ હત્યાનો કાયદો રજૂ કરાશે. રાજયમાં આ ગુનાઓમાં કડક સજા થાય તે માટે બીલ રજૂ થશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

2011માં બદલાવ કર્યો હતો
ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954ની કલમમાં ગાય, ગાયનાં વાછરડાં, ધણખૂંટ અને બળદનો વધ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ પશુઓના વધના હેતુ માટે તેમની હેરફેર અટકાવવા અધિનિયમમાં કોઈ જોગવાઈ ન હતી. તેથી 2011ના વર્ષમાં ગુજરાત સરકારે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ સુધારા વિધેયક સર્વસંમતિથી પસાર કર્યું હતું. જેમાં ગૌહત્યાના ગુના માટે એક વર્ષની સજા અને રૂ.દસ હજારના દંડની જોગવાઈ હતી, જેને બદલીને સાત વર્ષ સુધીની જેલની સજા અને રૂ.50,000નો દંડ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો