Gujarat High Court Order On Sabarmati River Pollution
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સાબરમતીના પ્રદૂષણને લઈને હાઈકોર્ટનું કડક વલણ- ‘નદીને પ્રદૂષિત કરનારના નામ જાહેર કરો’

સાબરમતીના પ્રદૂષણને લઈને હાઈકોર્ટનું કડક વલણ- ‘નદીને પ્રદૂષિત કરનારના નામ જાહેર કરો’

 | 6:24 pm IST
  • Share

અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે સુઓમોટો અરજીમાં આજે હાથ ધરાયેલી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ને ખાસ નિર્દેશ આપ્યા છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે સુનાવણીના સમયથી, એટલે કે 12.17 કલાકેથી જ ટ્રેડ એફલ્યુઅન્ટને સુએજમાં છોડવા માટે ઓથોરિટીઓ તરફથી અપાયેલી તમામ પરવાનગીને રદ કરવાની જાહેરાત કરી છે.

આ સાથે કોર્ટે ટકોર કરી કે, 1948માં સાબરમતીમાંથી એક ગ્લાસ પાણી સીધુ લઈને પી શકાય તેવું હતું, પરંતુ શું આજે 2021માં એ સ્થિતિ છે? સાબરમતી નદીનું પાણી 3 જેટલા ગામોમાં સિંચાઈ માટે પણ જતું હોવાથી હાઇકોર્ટે મિરોલી પિયત સહકારી મંડળીને સાબરમતી નદીનું પ્રદુષિત પાણી ખેતી કે સિંચાઈ માટે ન વાપરવા માટે સૂચના આપી છે. સરકારી વકીલે આ પાણી સિંચાઈ માટે વપરાતું હોવાની વાત કહી, ત્યારે કોર્ટે નારાજગી સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

આ બાબતે ગુજરાત હાઈકોર્ટે અગાઉ સાબરમતી નદીનાં પ્રદૂષણને મામલે એક કમિટી બનાવી હતી. જે કમિટીના સભ્ય સાબરમતી નદીના પ્રદૂષણ અંગે અને હકીકતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. વાસણાથી લઈને ખંભાતના દરિયા કિનારા સુધીનો હિસ્સો મોટા પ્રમાણમાં પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કર્યો.

આટલું નહીં પરંતુ હવે રિવરફ્રન્ટ તરફનો હિસ્સો પણ પ્રદૂષિત થઈ રહ્યો હોવાની વાત કોર્ટ સમક્ષ કરી છે. આ સિવાય આગામી દિવસોમાં સાબરમતી નદીને પ્રદુષિત કરતા એકમો સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? તે અંગે લેખિતમાં કોર્ટને સૂચનો પણ આપશે.

આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશન અને GPCBને હાઇકોર્ટે સુએઝમાં ટ્રેડ એફલૂએન્ટ ઠાલવતી ઇડ્સટ્રીઝનો ડેટા તાત્કાલિક ભેગો કરી કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. માત્ર એટલું જ નહીં, પરંતુ આવા એકમો અને કર્તાહર્તાઓ અને તેમના પરિવારજનોના નામ પ્રજાજોગ જાહેર કરવાનું પણ કોર્ટે કહ્યું છે. જેથી લોકો ખબર પડે કે, તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોણ છે? ગુજરાત હાઇકોર્ટે પોતાનો વિસ્તૃત હુકમ આગામી દિવસોમાં જાહેર કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો