ગુજરાતના ખેડૂતો ખાસ વિચારજો, જો GM કપાસની જેમ બ્રાઝિલની ગાયની આ પ્રજાતિથી થઈ શકશો માલામાલ

। ગાંધીનગર ।
ગીરની ગાય કરતાં વધારે અને ગુણવત્તાસભર દૂધ આપતી બ્રાઝિલની ગીરલેન્ડો ગાયના એમ્બ્રિયો યાને ગર્ભબીજ ગુજરાતમાં લાવીને નવી જાતિ ડેવલપ કરવા સામે ખોટી કાગારોળ મચાવાઇ રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર નવું આઇવીએફ- ઇન વિટ્રો ર્ફિટલાઇઝેશન સેન્ટર રાજ્યને ફાળવવા તૈયાર છે, ત્યારે આ સંદર્ભે પાઇલોટ પ્રોજેક્ટ હાથ ધરવા હવે સહમતી બની રહી છે. પશુપાલકો દ્વારા ડેરીમાં દૂધ ભરાવાના પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આ પ્રયોગ વહેલી તકે હાથ ધરાવો જોઇએ એવો મત વ્યક્ત થઈ રહ્યો છે.
બ્રાઝિલે ગીરના ગાયના ગર્ભબ્રીજ મેક્સિકન ગાયના ગર્ભબીજ સાથે ક્રોસ કરી નવી ગીરલેન્ડો ગાય પેદા કરી છે. આપણી ગીર ગાય વર્ષમાં આશરે ૩૦૫ દિવસ સરેરાશ ૨,૫૦૦થી ૨,૭૦૦ લિટર દૂધ આપે છે, તેના કરતાં ગ્રીનલેન્ડો ગાય લગભગ ડબલ માત્રામાં દૂધ આપે છે.
ભૂતકાળમાં ગીર ગાયના કહેવાતા રક્ષકો દ્વારા ગીરલેન્ડોના ગર્ભબીજ સાથે ગીર ગાયના ગર્ભબીજ ક્રોસ કરવા સામે હોબાળો મચાવાયો હતો અને એને લઇને રાજ્યનું ગૌસેવા આયોગે પણ આમાં સૂર પૂરાવ્યો હતો. પરંતુ નવા પ્રયોગોને અપનાવવા સામે છોછ ના હોવો જોઈએ એવું પ્રોગ્રેસિવ પશુપાલકોનું માનવું છે.
આ સૂત્રો એવી દલીલ આગળ કરી રહ્યા છે કે, ભૂતકાળ જિનેટિકલી મોડિફાઇડ કપાસ સામે ઊહાપોહ સર્જાયો હતો, એ જ કપાસની ખેતી દ્વારા રાજ્યના ખેડૂતો માલામાલ થયા હોઇ ગીરલેન્ડો ગાય અહીં ડેવલપ કરવા સામે વાંધો ના હોવો જોઇએ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેટલ સાયન્ટિસ્ટ કે. એસ. મૂર્તિ આ વિશે જાહેરમાં બોલવાનું ટાળી રહ્યાં છે, પરંતુ તેઓ એટલું તો સ્વીકારે છે કે, પાઇલોટ પ્રોજેક્ટ હાથ ધરાવો જોઇએ, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.
તેઓ એમ પણ કહે છે કે, આપણી ગાયના અને બ્રાઝિલની ગાયના ઉછેરમાં બહુ મોટો ફેર છે, એટલે અહીંની સ્થિતિમાં ગીરલેન્ડો વધુ પ્રમાણમાં દૂધ આપી શકે છે કે કેમ તે પ્રયોગ પછી જ ખબર પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન