Gujarat In Ram Navami saved, the only positive in 1 hours
  • Home
  • Ahmedabad
  • રામે નવમી’તો સાચવી પરંતુ ગુજરાતમાં 11 દેશોમાંથી કોરોના આવ્યો, રાજ્યમાં દર ત્રણ દર્દીએ એક દુબઇનો

રામે નવમી’તો સાચવી પરંતુ ગુજરાતમાં 11 દેશોમાંથી કોરોના આવ્યો, રાજ્યમાં દર ત્રણ દર્દીએ એક દુબઇનો

 | 7:40 am IST

ભારતભરમાં ગુરૂવારે કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા હતા ત્યારે ગુજરાતને રામનવમી ફ્ળી હોય એમ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માત્ર એક જ પોઝિટિવ રિર્પોટ પ્રાપ્ત થયો હતો. આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ ગુરૂવારે સાંજે મેડિકલ બુલેટીન પ્રેસ બ્રિફીંગ વેળાએ રાજ્યમા સર્વપ્રથમ રાજકોટના ૩૨ ર્વિષય પોઝિટિવ યુવક અને સુરતના બે પુરુષો સમેત ત્રણ દર્દીઓમા વાઇરલ લોડ ઘટીને નેગેટિવ તરફ ઢળતા તેઓ હોસ્પિટલમાંથી સાજા થઇને ઘરે જતા રહ્યાંની જાહેરાત કરી હતી.

જો કે, સવારે વડોદરાના સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ૫૨ વર્ષના વૃધ્ધનું કોરોનાના કારણે મૃત્યુ થતા ગુજરાતમાં કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને ૭ થઇ છે.

દિલ્હીના નિઝામુદ્દીન એરિયાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ભાવનગરના કોરોના પોઝિટિવના મૃત્યુની ઘટના બાદ તેમના સંપર્કમાં આવેલા ચેપગ્રસ્ત દર્દીઓનુ ક્લસ્ટર વધી રહ્યુ છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ ૮૭ પૈકી ભાવનગરમાં કોરોના પોઝિટિવના ૬ કેસ હતા. ગુરૂવારે મૃતકના સંપર્કમાં આવેલો ૨૮ ર્વિષય યુવકનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા ભાવનગરમાં કોવિડ-૧૯ના ૭ કેસ નોંધાયા છે.

આ એક પોઝિટિવ કેસ સિવાય ગુરૂવારે ગુજરાતમાં થયેલા ૧૩૩ ટેસ્ટમાંથી બીજો કોઇ રિપોર્ટ પોઝિટિવ મળ્યો નહોતો. આરોગ્ય અગ્રસચિવે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના ૮૮ કેસ પૈકી ૭ના મૃત્યુ થયા છે. ગુરૂવારે વધુ ત્રણ દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં હોસ્પિટલમાંથી ૧૦ નાગરિકોને રજા અપાઇ છે. જ્યારે સારવાર હેઠળ રહેલા ૭૧માંથી ત્રણ દર્દીઓ વેન્ટીલેટર ઉપર અને ૬૮ સ્ટેબલ છે.

WHO અને ભારત સરકારની ગાઇડલાઇન અને પ્રોટોકોલ મુજબ ગુજરાતમાં શંકાસ્પદ નાગરિકોના સેમ્પલ ટેસ્ટની સંખ્યા દૈનિક ૧૩-૧૪ વધીને ૧૦૦-૧૩૦એ પહોંચી છે. અત્યાર સુધીમા ૧૮૨૮માંથી ૧૭૧૪ના ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ મળ્યા છે જ્યારે ૨૪ના રિપોર્ટ ટેસ્ટિંગ હેઠળ છે.

ગુજરાતમાં ૧૧ દેશોમાંથી કોરોના આવ્યો, રાજ્યમાં દર ત્રણ દર્દીએ એક દુબઇનો

ગુજરાતમાં અત્યાર સુધી નોંધાયેલા ૮૮ પૈકી ૩૩ દર્દીઓ વિદેશની હિસ્ટ્રી ધરાવે છે. આ ૧૧ દેશો માંથી આવેલા ૩૩ પ્રવાસી દર્દીઓ પૈકી ૧૧ એટલે કે ત્રીજા ભાગના દુબઇથી આવ્યા છે. ગુરૂવારે ગુજરાતના સર્વ પ્રથમ કોરોના પોઝિટિવ રાજકોટના જે દર્દીને રજા આપવામાં આવી તે પણ દુબઇથી જ આવ્યા હતા. આરોગ્ય અગ્રસચિવ ડો. જંયતિ રવિએ એક પ્રશ્નના ઉત્તરમા કહ્યુ હતુ કે, ૨૨મી માર્ચથી ભારતમા ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરી દેવાઇ છે. દુબઇએ ઇન્ટરનેશનલ એર સર્વિસ માટે મોટુ ટ્રાન્ઝીસ્ટર પોઇન્ટ છે. એટલે ત્યાના એરપોર્ટ ઉપર વોશરૂમ કે અન્ય જગ્યાએ અડધાથી પણ કોરોનાનો ચેપ લાગ્યો હોય એવુ બની શકે છે.

ભારતમાં MPમાંથી ચાર ચેપ લઈ ગુજરાત આવ્યા

૮૮ પૈકી સૌથી વધુ ૪૭ ચેપગ્રસ્તો એવા છે કે જેઓ ગુજરાત બહાર ગયા જ નથી છતાંય વિદેશથી કે પછી ભારતના અન્ય રાજ્યોમાંથી આવેલા પોતાના સગા સંબંધી કે મિત્રોમાંથીચેપ લાગ્યા છે. ગુજરાતમાં ભારતના રાજ્યોમાંથી આવેલા ૮ દર્દીઓ મળ્યા છે. જેમાં એકલા મધ્ય પ્રદેશના જ ૪ ચેપગ્રસ્ત છે. જ્યારે દિલ્હીના બે અને મુંબઈ જયપુરના એક-એક છે.

ભાવનગરમાં લોકલ ટ્રાન્સમિશનથી ૨૮ વર્ષના યુવકને પોઝિટિવ રિપોર્ટ

ભાવનગર શહેરમાં કોરોના પોઝિટીવ કેસમાં વધુ એક ઉમેરો થયો છે, શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં જોગીવાડની ટાંકી પાસે રહેતા અને તા. ૨૬ માર્ચે મૃત્યુ પામેલા કોરોના પોઝિટીવ વૃધ્ધના સંપર્કમાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. લોકલ ટ્રાન્સમીટનના લીધે કોરોના પોઝિટીવ કેસ આવ્યો હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. ભાવનગર શહેરમાં કોરોના પોઝિટીવના પાંચ કેસ હતા, જેમાં એક વૃધ્ધનું મૃત્યુ થયું છે, એક કેસમાં વધારો થતા કુલ છ કેસ પોઝિટીવ થયા છે, આજે સર ટી. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમા સારવારમાં ખસેડાયેલા ૨૭ વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.શહેરના સાંઢીયાવાડ, જોગીવાડની ટાંકી પાસે રહેતા આ યુવકને થોડા દિવસ પૂર્વે સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરોન્ટાઈન કરાયા હતા,

વડોદરામાં કોરોનાના લીધે પ્રથમ મોત

કોરોના પોઝિટિવથી પીડાતા શહેરના નિઝામપુરાના પર વર્ષીય બિલ્ડરનું આજે સવારે મોત નિપજયું હતુ. શ્રીલંકાના પ્રવાસેથી આવ્યા બાદ બિલ્ડર પરિવારના પાંચેય સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું તબકકાવાર નિદાન થયુ હતુ. આ બિલ્ડરના પરિવારના ચારેય સભ્યો હજી સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે.  નિઝામપુરાની ભવાનીપુરા સોસાયટીમાં રહેતા શૈલેન્દ્ર હસમુખભાઇ દેસાઇ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ મિત્રો સાથે શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. જયાંથી તેઓ ૧૪માર્ચ ના રોજ પરત આવ્યા હતા. ત્યારબાદ તેઓ ખાનગી તબીબની સારવાર લીધી હતી. ત્યારબાદ તા.૧૯મીના રોજ તેઓ સયાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જયાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની પુત્રી સારંગી શૈલેન્દ્રભાઇ (ઉ.વ.૨૭) અને પુત્રવધુ ભુમિકા સમીપ દેસાઇ (ઉ.વ.૨૯)ને તા.૨૧મીના રોજ સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જિલ્લો           કુલ     વિદેશ  આંતર  લોકલ  મૃત્યુ  

                                કેસ     પ્રવાસ  રાજ્ય   ચેપ

અમદાવાદ     ૩૧     ૧૫     ૦૬     ૧૦     ૦૩

સુરત              ૧૨     ૦૫     ૦૧     ૦૬     ૦૧

રાજકોટ         ૧૦     ૦૩     ૦૦     ૦૭     ૦૦

વડોદરા        ૦૯     ૦૬     ૦૦     ૦૩     ૦૧

ગાંધીનગર     ૧૧     ૦૨     ૦૦     ૦૯     ૦૦

ભાવનગર      ૦૭     ૦૦     ૦૧     ૦૬     ૦૨

કચ્છ               ૦૧     ૦૧     ૦૦     ૦૦     ૦૦

મહેસાણા        ૦૧     ૦૦     ૦૦     ૦૧     ૦૦

ગીર સોમનાથ  ૦૨     ૦૧     ૦૦     ૦૧     ૦૦

પોરબંદર       ૦૩     ૦૦     ૦૦     ૦૩     ૦૦

પંચમહાલ      ૦૧     ૦૦     ૦૦     ૦૧     ૦૦

કુલ દર્દીઓ     ૮૮     ૩૩     ૦૮     ૪૭     ૦૭  

આ દેશોમાંથી ગુજરાતમાં ચેપ આવ્યો

દેશ                 દર્દી

દુબઇ             ૧૧

UK                ૫

ફ્રાન્સ             ૧

સાઉદી          ૬

શ્રીલંકા           ૩

USA               ૨

સ્પેન              ૧

પાકિસ્તાન      ૧

ફ્નિલેન્ડ          ૧

UAE               ૧

અબુધાબી       ૧

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન