રાજ્યના મહેસૂલ કાયદામાં સુધારો થતા લાખો ખેડૂતોને થશે ફાયદો, હવે નવી શરતની જમીન સીધેસીધી…

રાજ્યભરમાં નવી શરતની જમીનને સીધી બિનખેતીમાં ફેરવી શકાય તે માટે રાજ્યના મહેસૂલ વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે.
નવી શરતની જમીન ઉપર સળંગ ૧૫ વર્ષથી કબજો હોય, વાવેતરની નોંધો મોજૂદ હોય અને કોઇ પણ પ્રકારનો શરતભંગ ના થયો હોય તેવા કિસ્સામાં નવી શરતની જમીન સીધેસીધી બિનખેતીમાં ફેરવાઇ શકશે. નવી શરતની જમીનના ખેડૂત ખાતેદાર જો તેમની જમીન બિનખેતીમાં ફેરવવા માગતા હશે તો આ શક્ય બનશે. આ માટે ખેડૂતે માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
નવી શરતની જમીનને બિનખેતીમાં તબદીલ કરવા માટે જૂની શરતમાં ફેરવવાની તથા બિનખેતી કરાવવાની એમ બંને પ્રકારની અરજી એક સાથે થઇ શકશે. જિલ્લા તંત્ર દ્વારા આવી અરજીઓના આધાર-પુરાવા મેળવી જૂની શરતનું બિનખેતી હેતુને પાત્ર પ્રીમિયમ અને બિનખેતીનો રૃપાંતર કર એક સાથે વસૂલતો હુકમ કરી જમીનને બિનખેતી કરી અપાશે.
આ નવી પદ્ધતિની અમલવારી અંગે રાજ્ય સરકાર આવતી ૨૨મી નવેમ્બરે મહાત્મા મંદિર ખાતે વર્કશોપ યોજી કલેક્ટરોને તાલીમ આપશે. આ વર્કશોપમાં પ્રીમિયમ હેતુફેર, બિનખેતી, બોજા નોંધ, વારસાઇ ઓંનલાઇન, બોજામુક્તિ વગેરે બાબતે કલેક્ટરોને વિસ્તૃત સમજ અપાશે, તેમ પણ જણાવાઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન