Gujarat in Surat Police Caught Brother And Sister Over Panam Case
  • Home
  • Featured
  • ભાઈ-બહેનના અનૈતિક સંબંધોની હકીકત રૂંવાટા ઉભા કરશે, ઠંડીમાં ધાબા પર બાળકીનો જન્મ, યુવતીએ જાતે નાળ તોડી

ભાઈ-બહેનના અનૈતિક સંબંધોની હકીકત રૂંવાટા ઉભા કરશે, ઠંડીમાં ધાબા પર બાળકીનો જન્મ, યુવતીએ જાતે નાળ તોડી

 | 8:23 pm IST

પનાસ ગામે કચરામાંથી નવજાત બાળકી મળી આવવાની ઘટનામાં લોહીના સંબંધો સામે સવાલ ઊભા થાય તેવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સગા ભાઈ થકી ગર્ભવતી બન્યા બાદ પનાસ ગામની યુવતીએ શુક્રવારે મળસકે બાળકીને જન્મ આપ્યા બાદ તેને કચરામાં ફેંકી દીધી હતી. મળસકે સાડા ત્રણેક વાગે પ્રસૂતિની પીડા ઉપડતા કોઈને પણ જાણ કર્યા વગર કડકડતી ઠંડીમાં ટેરેસ પર જઈ તેણીએ કોઈની મદદ વગર બાળકીને જન્મ આપ્યો હતો અને તરત જ તેને ફેંકી આવી હતી.

પ્રસૂતિ સમયે 18 વર્ષની વયે પહોંચેલી યુવતીની ફરિયાદ બાદ ઉમરા પોલીસે સગી બહેન સાથે દુષ્કર્મ કરનારા સગીર એવા સગા ભાઈ વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. તેણીએ બાળકી ત્યજી દેવાના ઘટનાક્રમ બાબતે કરેલી કબૂલાત બાદ પોલીસ પણ દિગ્મૂઢ થઈ ગઈ હતી. સામાન્ય સંજોગોમાં પુખ્ત વયની મહિલા પણ પ્રસૂતિ બાદ અસહ્ય પીડા અનુભવતી હોય છે, ત્યારે આ યુવતીએ પ્રસૂતિ બાદ બાળકીને કચરામાં ફેંકી આવી અને ત્યારબાદની હકીકત ખૂબ જ રૂવાંટાં ઊભી કરી દેનારી છે.

શુક્રવારે મળસકે તેણીને પ્રસૂતિની પીડા ઉપડતા ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર ટેરેસ પર જતી રહી હતી. ત્યારબાદ ચાર દીવાલો વચ્ચે પણ માણસને ઠુંઠવાઈ નાંખે તેવી ઠંડીમાં તેણીએ ટેરેસ પર કોઈની પણ મદદ વગર જાતે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને તેણીથી અલગ કરવા માટે ગર્ભનાળ કાપવાને બદલે તોડી નાંખી હતી. રડતી બાળકીનો અવાજ કોઈને સંભળાય નહીં તે માટે હાથથી મોઢું દબાવી ચૂપ કરાવી હતી, અને કચરાપેટીમાં ફેંકી આવ્યા બાદ પ્રસૂતિ સમયે પડેલી મેલી એક કાપડમાં લપેટી હતી. આ ઉપરાંત ટેરેસ પર અને બિલ્ડિંગના દાદર પર પડેલું લોહી કપડાથી સાફ કરી ગંદા કપડા પણ કચરાપેટીમાં ફેંકી આવી હતી. બાદમાં ઘરે આવી નાહીને જાણે કાંઈ થયું જ નહીં હોય એમ પથારીમાં સૂઇ ગઈ હતી.

કોઈએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો, અને પોલીસને સફળતા મળી
શહેરમાં નવજાત બાળકીઓને ત્યજી દેવાના વધેલા કિસ્સા વચ્ચે પનાસ ગામની કચરાપેટીમાંથી મળેલી માસૂમની માતાને શોધી કાઢવાની ચેલેન્જ ઉમરા પોલીસે ઉપાડી લીધી હતી. ત્રણ પીએસઆઈની અલગ અલગ ટીમ બનાવી પનાસ ગામ ખાતેની આંગણવાડીમાં તપાસ માટે આવનારી 55 જેટલી સગર્ભાઓની તપાસ કરાઈ હતી. પરંતુ પોલીસને સફળતા નહીં મળતાં પનાસ ગામ સ્થિત એસએમસી આવાસામાં એક-એક ઘરનું સ્ક્રેનિંગ કરાયું હતું.

દરમિયાન સાંજના સમયે કોઈએ પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરી પોલીસ ખોટી દિશામાં તપાસ કરી રહી હોવાનું કહી બાળકીને ત્યજી જનારા માતાનું સરનામું ઘર નંબર સાથે આપ્યું હતું. જેને પગલે પોલીસે ભાઈએ કરેલા દુષ્કર્મને પગલે કુંવારી માતા બનેલી યુવતીને શોધી કાઢી હતી. શરૃમાં તેણીએ અજાણ્યા વ્યક્તિએ તેણીની સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું કહી ગોળગોળ ફેરવી હતી, બાદમાં સગીર ભાઈના હિચકારા કૃત્ય અંગે કબૂલાત કરી લીધી હતી. આ કેસમાં પોલીસે ડીએનએ સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

નવજાત મળી ત્યારે શરીરનું ટેમ્પરેચર ફક્ત 15 ડિગ્રી હતું
કુંવારી માતા બન્યા બાદ પાપ છુપાવવા યુવતીએ બાળકીને કચરામાં ફેંકી ત્યાં પાણીના ખાબોચિયા ભરાયેલા હતા. જેને પગલે બાળકી કચરાની સાથે પાણીમાં પડી રહી હતી. હાડથીજાવતી ઠંડીમાં ઘણો સમય પડી રહ્યા બાદ માસૂમના શરીરનું ટેમ્પરેચર ફક્ત 15 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેથી 108ના સ્ટાફે ત્વરિત હેલોઝોનથી શરીર હૂંફાળું કરી માસૂમનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. માસૂમને હૃદયની પણ તકલીફ હોય વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન