Gujarat Many School Not Vacation For Navratri
  • Home
  • Featured
  • શાળાઓએ નવરાત્રિ વેકેશનનો અમલ ન કરી ગુજરાત સરકારના ધજાગરા ઉડાડયા!

શાળાઓએ નવરાત્રિ વેકેશનનો અમલ ન કરી ગુજરાત સરકારના ધજાગરા ઉડાડયા!

 | 9:44 am IST

રાજ્યભરની શાળા અને કોલેજોમાં ચાલુ વર્ષથી નવરાત્રિ વેકેશનની કરાયેલી જાહેરાતનું સુરત જિલ્લામાં સૂરસૂરિયું થઇ ગયું છે. એવામાં હવે સરકાર અને શિક્ષણ તંત્ર માટે ચીઠ્ઠીના ચાકર બનતા જિલ્લા શિક્ષણાધિકારી 423 ખાનગી શાળાઓને નોટિસ ફટકારીને સૂરમા બનવાનો પ્રયાસ કરશે. નવરાત્રિ વેકેશનમાં ચાલુ રહેલી શાળાઓ સામે કાર્યવાહીના નામે નોટિસ સહિતના પગલાં લેવામાં આવશે.

શાળાઓમાં 10થી 18 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રાખવાની જાહેરાત સરકાર, શિક્ષણતંત્ર દ્ધારા કરાઇ હતી. જોકે, સુરતમાં વાલીઓ અને શાળા સંચાલકોમાં પહેલેથી જ વિરોધના દોર વચ્ચે બુધવારે નવરાત્રિ વેકેશનના પ્રથમ દિવસે 400થી વધારે ખાનગી શાળાઓ અને ૨ ગ્રાન્ટેડ શાળાઓમાં રાબેતા મુજબનું શિક્ષણકાર્ય ચાલ્યું હતું. સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઠરાવ અને જીદ સામે પહેલે દિવસે જ સરકારના ધજિયા ઊડી ગયા હતા.

જોકે, હવે શાળા સંચાલકોને મનાવવામાં નિષ્ફળ રહેલા સુરત જિલ્લા શિક્ષણાધિકારી નોટિસનો ખેલ શરૃ કરશે. જેમાં પ્રથમ તબક્કે માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ નિયામકનો નવરાત્રિ વેકેશન આપવાનો આદેશ ન માનવા બદલની નોટિસ શાળાઓને ફટકારવામાં આવશે. તે સાથે જ આદેશનું ઉલ્લંઘન કરવા બાબતનો યોગ્ય ખુલાસો કરવાની સાથે જ કડક પગલાં લેવાની ચીમકી શાળા સંચાલકોને આપવામાં આવશે. બીજીબાજુએ શાળા સંચાલકોએ સમગ્ર પ્રકરણમાં નિર્ધારીત થતી કોઇ પણ સજા કે દંડ સ્વીકારવા કટિબદ્ધ હોવાનો મત આપ્યો છે.

ગુરુવારે પણ ખાનગી શાળાઓમાં રાબેતા મુજબનું શિક્ષણકાર્ય
બુધવારે નવરાત્રિ વેકેશનની શરૃઆત સાથે જ પહેલે દિવસે શિક્ષણ કાર્યને લઇને તરેહતરેહની વાતો ચાલી હતી. તેમજ પ્રથમ દિવસ હોવાને કારણે શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ પણ જોવા મળ્યો હતો, પરંતુ ગુરુવારે બીજા દિવસે કોઇ પ્રકારના વિવાદ કે ચર્ચાઓ વિના ખાનગી શાળાઓમાં રાબેતા મુજબનું શિક્ષણકાર્ય ચાલ્યું હતું. વળી, આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે રાબેતા મુજબ શિક્ષણકાર્ય ચાલશે એવો અભિપ્રાય આપવામાં આવી રહ્યો છે. તે સાથે જ મોટા ભાગની ખાનગી શાળાઓએ 21 દિવસનું દિવાળી વેકેશન આપવાની જાહેરાત પણ કરી દીધી છે.