Gujarat Minister In Bhupendra Patel Cabinet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જાણો ભુપેન્દ્ર પટેલની સરકારમાં ક્યા મંત્રીઓ કેટલું ભણ્યાં છે

જાણો ભુપેન્દ્ર પટેલની સરકારમાં ક્યા મંત્રીઓ કેટલું ભણ્યાં છે

 | 2:07 pm IST
  • Share

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાની સમગ્ર સરકારમાં પરિવર્તન કરી દીધુ છે. સૌથી પહેલા વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા. જે બાદ હવે મંત્રી મંડળમાં તમામ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળમાં સામેલ થનારા ધારાસભ્યોએ શપથ લઈ લીધા છે, ત્યારે આ મંત્રી મંડળમાં સામેલ ક્યા મંત્રીઓ કેટલું ભણેલા છે? તેના પર એક નજર નાંખીએ…

રાજેન્દ્ર ત્રિવેદી
રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી, 144-રાવપુરા મત વિભાગ (વડોદરા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 19 જૂન, 1954ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેમણે બી.એસસી.(ઓનર્સ), એલએલ.બી. સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ ખેતી તથા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17માં ધારાસભ્ય તરીકે ચૂટાઇ આવ્યા બાદ તા.7મી ઑગસ્ટ 2016થી 25મી ડિસેમ્બર 2017 સુધી રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), યાત્રાધામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી તરીકે પદભાર સંભાળ્યો હતો.

14મી ગુજરાત વિધાનસભા 2017-22માં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા બાદ તા. 19 ફેબ્રુઆરી, 2018થી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળેલ છે. તેઓ વાંચન, સામાજિક પ્રવૃત્તિ, સાહિત્યિક પ્રવૃત્તિ અને કવિતા લેખનનો શોખ ધરાવે છે.

જીતુ વાઘાણી
જીતુ વાઘાણી, 105 ભાવનગર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 28 જુલાઇ, 1970ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ 13મી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત અને પ્રવાસનો શોખ ધરાવે છે.

ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલ, 22 વિસનગર મત વિભાગ (મહેસાણા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 30 ઓક્ટોબર-1961ના રોજ ખેરાલુના સુંઢિયા ગામે થયો છે. તેઓએ ડિપ્લોમાં ઈન સિવિલ એન્‍જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ 12-13મીં ગુજરાત વિધાનસભાના પણ સભ્ય હતા. તેઓ વિસનગર પંચશીલ એજયુકેશન ટ્રસ્‍ટના પ્રમુખ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન છે. તેમજ વિસનગર ખેત-ઉત્પન્ન બજાર સમિતિમાં પણ વર્ષ ૨૦૧૬થી કાર્યરત છે. તેઓને વાંચન, રમતગમત, પ્રવાસ અને સંગીતનો શોખ છે.

પૂર્ણેશ મોદી
પૂર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી, 167-સુરત(પશ્ચિમ) મતવિભાગ (સુરત શહેર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 22મી ઓકટોબર 1965ના રોજ સુરત ખાતે થયો છે. તેમણે બી.કોમ અને એલએલ.બીનો અભ્યાસ કરેલો છે. તેઓ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2013 થી 2017 13મી ગુજરાત વિધાનસભા દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંસદીય સચિવ તરીકે સેવાઓ આપી છે. તેઓ ઇતિહાસ વિષય સંબંધી વાંચન પ્રવૃત્તિ અને જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળવાનો શોખ ધરાવે છે.

રાઘવજી પટેલ
રાઘવજી હંસરાજભાઈ પટેલ, 77-જામનગર (ગ્રામ્ય) મત વિભાગ (જામનગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 1લી જૂન, 1958ના રોજ મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર ખાતે થયો હતો. તેમણે બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ (1) આઠમી ગુજરાત વિધાનસભા, 1990-95-, (2) નવમી ગુજરાત વિધાનસભા, 1995-97, (૩) દશમી ગુજરાત વિધાનસભા, 1098-2002 (પેટા ચૂંટણી), (4) બારમી ગુજરાત વિધાનસભા, 2007-12, (5) તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, ગુજરાત સરકાર, 1995-96 તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ રમત-ગમત, વાંચન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સમાજસેવાનો શોખ ધરાવે છે.

કનુ દેસાઇ
કનુભાઇ મોહનલાલ દેસાઇ, 180-પારડી (વલસાડ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 3 ફેબ્રુઆરી, 1951ના રોજ ઉમરસાડી ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી. (સ્પેશિયલ) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17, કોષાધ્યક્ષ, (1) નોટિફાઈડ એરિયા જી. આઈ. ડી. સી., વાપી, ભારતીય જનતા પક્ષ, 2006-09, (2) વલસાડ જિલ્લા ભા.જ.પ. 2009-12. મહામંત્રી, વલસાડ જિલ્લા ભા.જ.પ., 2011-12. પ્રમુખ, વલસાડ જિલ્લા ભા.જ.પ., 2012થી. સભ્ય અને ટ્રસ્ટી, રોટરી ક્લબ, વાપી. ટ્રસ્ટી, (૧) જ્ઞાનધામ ચેરિટેબલ ટ્રસ્ટ, વાપી, (૨) જ્ઞાનધામ ચેરિટેબલ ટ્રસ્ટ, આહવા, (૩) સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ફોર નર્સિંગ. ડાયરેક્ટર, વાપી ગ્રીન લિ., જી. આઈ. ડી. સી., વાપી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે.

કિરીટસિંહ રાણા
કિરીટસિંહ જીતુભા રાણા, 61-લીંબડી મત વિભાગ (સુરેન્દ્રનગર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તા. 7 જુલાઇ 1964ના રોજ જન્મ થયો હતો. તેઓએ મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. આ બેઠક પર કિરીટસિંહ રાણા ત્રીજી વખત પેટા-ચૂંટણી જીત્યા છે. આ પહેલા તેમણે 1995 અને 2013માં પેટા ચૂંટણી જીતી હતી.
કિરીટસિંહ રાણા નરેન્દ્ર મોદી સરકારમાં પશુપાલન મંત્રી રહી ચૂક્યા છે. તેમણે 1995માં પેટા ચૂંટણીમાં જીતથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેઓએ 5 વખત ચૂંટણી જીતી છે. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાન છે.

નરેશ પટેલ
નરેશ મગનભાઇ પટેલ, 176-ગણદેવી (નવસારી) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી, 1969ના રોજ મોગરાવાડી, નવસારી ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે બારમી ગુજરાત વિધાનસભા, 2007-12 અધ્યક્ષ, નવસારી જિલ્લા ભા.જ.પ., છેલ્લી બે સમયાવધિથી; મંત્રી, રાષ્ટ્રીય આદિજાતિ મોરચો, ભા.જ.પ.; ઉપપ્રમુખ, જાગૃતિ વિદ્યાલય, રૂમલા, વર્ષ 1996થી આજપર્યંત; ચેરમેન, મોગરાવાડી દૂધ સેવા સહકારી મંડળી, 1990-92; ચેરમેન, રૂમલા વિભાગ ખરીદ-વેચાણ સેવા સહકારી મંડળી, 1993-95; ટ્રસ્ટી, ઉનાઈ માતાજી મંદિર; પૂર્વ ઉપપ્રમુખ, ચિખલી તાલુકા પંચાયત જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ વાંચન, લેખન, સંગીત અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

પ્રદિપભાઇ પરમાર
પ્રદિપ ખાનાભાઇ પરમાર, 56-અસારવા મતવિભાગ (અમદાવાદ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.19 જૂન 1964ના રોજ અમદાવાદ ખાતે થયેલો છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બાંધકામ, પેટ્રોલપંપ અને વોટર સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ નાટક જોવાનો અને પુસ્તક-વાંચનનો શોખ ધરાવે છે.

અર્જુનસિંહ ચૌહાણ
અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ, 117-મહેમદાવાદ મતવિભાગ (ખેડા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.22 જૂન 1976ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે થયો છે. તેમણે બી.કોમ., ડી.સી.એમ.નો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને લેખન, વાંચન, પ્રવાસ, સંગીત અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો શોખ છે.

► રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી
હર્ષ રમેશકુમાર સંઘવી, 165-મજૂરા મત વિભાગ (સુરત શહેર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 8 જાન્યુઆરી-1985ના રોજ સુરત ખાતે થયો છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ, જ્વેલરી મેન્યુફેક્ચરિંગનો છે. તેઓ રાહત દરે સ્ટુડન્ટ બૂક બેન્ક, રાહતદરે સાહિત્ય વેચાણ કેન્દ્ર, રોજગાર મેળા, વનવાસી વિસ્તારમાં કેમ્પ, સાત્વિક આહાર વિતરણ, રોજગાર તાલીમ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.

ભા.જ.પ. રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવારત સંઘવી 13મી વિધાનસભાના પણ સભ્ય હતા. તેમને રમતગમત, સાહસિક પ્રવૃત્તિ, ભ્રમણ, જન-સંપર્કનો શોખ છે.

જગદીશભાઇ પંચાલ
જગદીશ ઇશ્વરભાઇ પંચાલ, 46-નિકોલ મતવિભાગ(અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 13 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદ ખાતે થયો છે. તેમણે એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે.

બ્રિજેશ મેરજા
બ્રિજેશકુમાર અમરશીભાઈ મેરજા, 65 મોરબી મતવિભાગ (મોરબી) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 1 માર્ચ, 1958ના રોજ ચમનપર ખાતે થયો હતો. તેમણે બી.કૉમ., ડિપ્લોમા ઇન બેન્કિંગ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, એડવર્ટાઈઝ એન્ડ પબ્લિક રિલેશન, ગવર્નમેન્ટ ડિપ્લોમા ઈન કો-ઓપરેશન એન્ડ એકાઉન્ટન્સી, એલએલ.બી. (પ્રથમ વર્ષ) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ કન્સલટન્સી અને સમાજસેવા જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે સભ્ય, શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ, ગાંધીનગર. પ્રમુખ, સિટી લાયન્સ ક્લબ, મોરબી, સેક્રેટરી, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન, પૂર્વપ્રમુખની જવાબદારી નિભાવી છે. જ્યેષ્ઠ પુત્ર ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં સમયાંતરે ગરીબ દર્દીઓ માટે મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, મહાનુભાવોનાં પ્રેરક પ્રવચનો દ્વારા સત્કાર્યોના પ્રચાર-પ્રસારનું કાર્ય, ખેલકૂદ અને શૈક્ષણિક ક્ષેત્રમાં ડૉ. પ્રશાંત એવોર્ડ થકી યુવાનોને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિઓમાં સક્રિય. ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ જેવી કુદરતી આફતોમાં અને તાજેતરની અતિવૃષ્ટિમાં માળિયા (મિ.) તાલુકા-શહેરના લોકોની ખડે પગે મદદ કરી છે. તેઓ મિત્રો સાથે પ્રાકૃતિક સ્થળોનો પ્રવાસ, જૂની ફિલ્મોનાં ગીતો જોવાં, સાંભળવાં. જનસંપર્ક. જુદા જુદા વિષયોનું વાંચન, મનન, ચિંતન, પ્રવચનો આપવાં, સાંભળવાં જેવી વિવિધ પ્રવૃત્તિઓનો શોખ ધરાવે છે.

જીતુભાઇ ચૌધરી
જીતુભાઇ હરજીભાઇ ચૌધરી 181 કપરાડા મત વિભાગ (વલસાડ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 1 જૂન, 1964ના રોજ કાકડકોપર, તા. કપરાડા, જી. વલસાડ ખાતે થયો હતો. તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે સભ્‍ય, (1) અગિયારમી ગુજરાત વિધાનસભા, 2002-07, (ર) બારમી ગુજરાત વિધાનસભા, 2007-12, (૩) તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17. સભ્‍ય તરીકે સેવાઓ આપી છે.

તેઓ વાંચન, રમતગમત, ધાર્મિક સ્‍થળોનો પ્રવાસ, સામાજિક પ્રવૃત્તિ, ભજન-સત્સંગ, કથા-શ્રવણ, લોક-ડાયરો, નવી પધ્ધતિથી ખેતી, ટેક્નોલોજી વગેરે શોખ ધરાવે છે.

મનિષાબેન વકીલ
મનિષા વકીલ, 141 વડોદરા શહેર મત વિભાગ (વડોદરા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 15 માર્ચ-1975ના રોજ વડોદરા ખાતે તેમણે એમ.એ. અને બી.એડ. (અંગ્રેજી સાહિત્ય) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બ્રાઇટ ડે સ્કૂલના સુપરવાઈઝર તરીકે તથા સોલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાના પણ સભ્ય હતા. તેઓ વાંચનનો શોખ ધરાવે છે.

► રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ
મુકેશ પટેલ
મુકેશ ઝીણાભાઇ પટેલ, 155-ઓલપાડ મત વિભાગ (સુરત) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 21 માર્ચ, 1970ના રોજ સુરત ખાતે થયો હતો. તેમણે એચ.એસ.સી., ડ્રાફ્ટ્સમેન સિવિલ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ પેટ્રોલપંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે સભ્ય, તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17, પ્રમુખ, ઓલપાડ તાલુકા ભારતીય જનતા પક્ષ. ડિરેક્ટર, ઓલપાડ વિભાગ કાંઠા સુગર ફેક્ટરી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ ધાર્મિક પુસ્તકોનું વાંચન, ક્રિકેટ અને પ્રવાસનો શોખ ધરાવે છે.

નિમિષાબેન સુથાર
નિમિષાબેન મનહરસિંહ સુથાર, 125-મોરવાહડફ મતવિભાગ (પંચમહાલ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચુંટાયેલા છે. તેમનો જન્મ વર્ષ 1982માં થયો છે. મોરવાહડફની વિધાનસભાની બેઠક ઉપરથી વર્ષ 2021માં પેટાચૂંટણીમાં વિજેતા થયા છે. અગાઉ તેઓ વર્ષ 2013-17 દરમિયાન ગુજરાત વિધાનસભામાં મોરવાહડફથી પ્રતિનિધિત્વ કરેલું છે. તેઓએ ડિપ્લોમાં ઈન ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્પ્યુટર કમ પ્રોગ્રામિંગ સુધી અભ્યાસ કરેલો છે.

અરવિંદ રૈયાણી
અરવિંદ ગોરધનભાઈ રૈયાણી, 68 રાજકોટ(પૂર્વ) રાજકોટ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 4 જાન્યુઆરી, 1977ના રોજ રાજકોટ ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી.સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

કુબેરભાઇ ડીંડોર
કુબેરભાઇ મનસુખભાઇ ડીંડોર 123-સંતરામપુર (મહીસાગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેઓનો જન્મ તા. 1 જૂન 1970ના રોજ મહિસાગર જિલ્લાના, સંતરામપુર તાલુકાના ભંડારા ખાતે થયો છે. તેમણે એમ.એ., પીએચ.ડી.નો અભ્યાસ કરેલો છે. તેઓ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લેખન, વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

કીર્તિસિંહ વાઘેલા
કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા, 15-કાંકરેજ મત વિભાગ (બનાસકાંઠા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 1 જૂન, 1969ના રોજ ચાણસ્માના આકબા ગામે થયો હતો. તેમણે અન્ડર ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે.
પ્રદેશ ઉપાધ્યક્ષ, કિસાન મોરચો, ભારતીય જનતા પક્ષ; પ્રદેશ મંત્રી, કિસાન મોરચો, ભા.જ.પ.; જિલ્લા મહામંત્રી, કિસાન મોરચો, ભા.જ.પ. બનાસકાંઠા; મહામંત્રી, ભા.જ.પ. કાંકરેજ તાલુકા; પ્રમુખ, યુવા મોરચો ભા.જ.પ. કાંકરેજ તાલુકા; બુથ પ્રમુખ, ખારિયા ગામ, તા. કાકરેજ, ભા.જ.પ. ભા.જ.પ.ના પાયાના કાર્યકર્તા તરીકે વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ લેખન, વાંચન, સાહિત્ય, સંગીત અને પ્રવાસનો શોખ ધરાવે છે.

ગજેન્દ્રસિંહ પરમાર
ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર, 33 પ્રાંતિજ મત વિભાગ (સાબરકાંઠા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 24 જાન્યુઆરી, 1978ના રોજ થયો હતો. તેમણે ટી.વાય.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

રાઘવભાઇ સી. મકવાણા
રાઘવભાઇ સી. મકવાણા, 99-મહુવા મતવિભાગ (ભાવનગર) મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. 8 ઓક્ટોબર 1970ના રોજ મહુવા તાલુકાના પઢિયારકા ખાતે થયો છે. તેમણે ડિપ્લોમા એન્જિનિયરીંગનો પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ટ્રાન્સપોર્ટ, વેપાર અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લોકસાહિત્ય અંગેનું વાંચન અને રમત-ગમતનો શોખ ધરાવે છે.

વિનોદભાઇ મોરડીયા
વિનોદભાઇ અમરશીભાઇ મોરડીયા, 166-કતારગામ મત વિભાગ (સુરત) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 10 જુલાઇ, 1967ના રોજ સરવઇ ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને સમાજ સેવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે નગરસેવક, સુરત મહાનગરપાલિકા, 2005-10, 2010-15, અને સન 2015 થી કાર્યરત. ચેરમેન, ટાઉન પ્લાનિંગ સમિતિ, સુરત મહાનગરપાલિકા. સભ્ય, અખંડ આનંદ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ સમાજસેવા અને ઘોડેસવારી જેવા શોખ ધરાવે છે.

દેવાભાઇ પૂંજાભાઇ માલમ
દેવાભાઇ પુંજાભાઇ માલમ, 88-કેશોદ મત વિભાગ (જૂનાગઢ) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.12 જાન્યુઆરી 1959ના રોજ માંગરોળ તાલુકાના થલી ખાતે થયો છે. તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીના પ્રમુખ પદે સેવાઓ આપી રહ્યા છે. તેઓ પ્રવાસ અને સમાજસેવાનો શોખ ધરાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો