Gujarat Motor Vehicle Bill To Implemented in Gujarat
 • Home
 • Ahmedabad
 • રૂપાણી સરકારે નવા ટ્રાફિક નિયમો તો જાહેર કર્યા, હવે ક્લિક કરીને જાણી લો કયા 18 ગુનામાં મળશે રાહત

રૂપાણી સરકારે નવા ટ્રાફિક નિયમો તો જાહેર કર્યા, હવે ક્લિક કરીને જાણી લો કયા 18 ગુનામાં મળશે રાહત

 | 10:43 am IST

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ ૨૦૧૯માં ૨૧૫ જેટલા સુધારા કરી તે ૧૬મી સપ્ટેમ્બરથી રાજ્યભરમાં અમલી કરવાની જાહેરાત કરી છે. એમણે ભારપૂર્વક દોહરાવ્યું છે કે, નવો સુધારાયેલો કાયદો લોકોને હેરાન કરવા માટે નહીં પણ લોકોની સલામતી માટે છે, લોકોના ભલા માટે છે. એમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, લોકો પાસેથી દંડ વસૂલીને સરકારી તિજોરીની આવક વધારવામાં સરકારને રસ નથી, પરંતુ લોકો પોતાના હિતમાં કાયદો પાળતા થાય અને એ દ્વારા માર્ગ અકસ્માતો ઓછા થાય, લોકોની જિંદગી બચે એ મુખ્ય હેતુ છે.

મોબાઈલથી દંડ થશે, હેન્ડ્સ્ફ્રીમાં કંઈ નહીં !
ચાલુવાહને મોબાઈલથી વાતચીત કરવાના કિસ્સામાં પહેલી વખત રૂ.૫૦૦, બીજી વખત રૂ.૧૦૦૦નો દંડ થશે. પરંતુ, કાનમાં હેન્ડ્સ્ફ્રી કે ઈયરફોનથી ગીતો સાંભળવાના અને વાતચીત કરવાના સંદર્ભે નવા નિયમોમાં કોઈ સ્પષ્ટતા નથી ! આ જટિલતા તંત્રને પણ નડી રહ્યાનું સ્વિકારતા CM રૂપાણીએ કહ્યુ કે, ”નિયમો તૈયાર કરતી વેળા આ મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ છે. હેન્ડસ્પ્રીથી વાત હોવાનું સાબિત કરવુ અઘરૂ થઈ પડે છે. વાહન ચાલાવતા ડ્રાયવરનું ધ્યાન ડ્રાયવિંગમાં હોય તે જ શ્રેષ્ઠ છે. ભવિષ્યમાં આ વિષયમાં ટેકનોલોજીના ઉપયોગથી નિયમનનું વિચારીશું” અર્થાત હેન્ડસ્ફ્રી કે ઈયરફોનને કારણે દંડ થશે નહી !

એક વ્યક્તિના બીજી વખતના દંડમાં ડખો
૧૮માંથી ૮ પ્રકારના ગુનાઓમાં બીજી વખત નિયમ ભંગના કિસ્સામાં પહેલા ગુન્હાથી વધુ દંડ વસૂલાત કરવાનું સરકારે જાહેર કર્યું છે. સ્થળ ઉપર જ દંડ વસૂલાત હોવાથી કોઈ બીજી વખત ગુન્હો કર્યાનું પુરવાર કેવી રીતે થઈ શકશે ? જવાબમાં રૂપાણીએ કહ્યુ કે, ”હાલમાં ઈ- મેમો અને CCTV નેટવર્કથી એ સ્પષ્ટ થાય છે. જ્યાં ફિઝિકલી મેમો અપાય ત્યાં બીજી વખતના ગુન્હાની ઓળખ અત્યારે શક્ય નથી. તેના માટે RTO અને પોલીસના ડેટાનું એકત્રિકરણ કરી, એ ડેટાને સોફ્ટવેરમાં ફિડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. થોડોક સમય જશે પણ બીજી વખતનો ગુન્હો નિશ્ચિત થઈ શકશે”

ભયજનક ડ્રાઇવિંગનું નક્કી કેવી રીતે થશે ?
ભયજનક રીતે વાહન ચલાવવાનો ગુન્હો સાબિત કેવી રીતે થશે ? તેના જવાબમાં CM રૂપાણીએ ટેકનોલોજીની મદદથી તેના પેરામિટર્સ નક્કી થશે એમ કહ્યુ હતુ. હાલમાં આ પ્રકારના કિસ્સામાં પોલીસ અને RTOના સત્તાધિકારીઓ નજરે જોયાના અહેવાલથી દંડ વસૂલાતની પ્રેક્ટિસ છે. ઘણી વખત તપાસ દરમિયાન વાહન ચાલક લાયસન્સથી લઈને તમામ પ્રકારના પુરાવા આપવામાં સફળ રહે ત્યારે સત્તાધિકારી તરફથી છેવટે ‘ભયજનક રીતે વાહન ચલાવ્યા’નું કારણ મુકીને રૂ.૧૦૦૦નો દંડ ફટકારવામાં આવે છે. CM રૂપાણીએ ભવિષ્યમાં CCTV નેટવર્કમાં જ સત્તાધિકારી કાર્યવાહી કરે તે દિશામાં પણ સરકાર વિચારી રહી હોવાનું ઉમેર્યું હતું.

VIPને દંડ તથા ખરાબ રસ્તા અંગેના સૂચનો ફગાવાયા
પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જાહેર સેવકો તથા વીઆઇપી- વીવીઆઇપીઓ પાસેથી કાયદાના ભંગ બદલ વધુ દંડ વસૂલી સમાજમાં દાખલો બેસાડવા અંગે પત્રકાર પરિષદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આવી નેગેટિવિટી ના ચાલે, કાયદાના ભંગમાં નાના- મોટા સૌ સરખા ગણાય. ખાડા-ટેકરાવાળા રસ્તા હોય અને સરકાર સારા રસ્તા ના આપી શકતી હોય તો મોટો દંડ પ્રજા પાસેથી વસૂલવો વાજબી ગણાય કે કેમ તેવા અન્ય એક પ્રશ્નના જવાબમાં પણ મુખ્યમંત્રીએ એમ જણાવ્યું હતું કે, આવી માનસિક્તા યોગ્ય નથી.

નિયમ ભંગના દંડમાં ‘માંડવાળ’ એટલે શું ?
ભારત સરકારે નોટિફિકેશનથી વધુમાં વધુ દંડની મર્યાદા અર્થાત સિલિંગ કેપ બાંધી છે. નિયમ ભંગના કિસ્સામાં સ્થળ પર હેડ કોન્સ્ટેબલ કે આસિસ્ટન્ટ RTO ઈસ્પેક્ટર વાહન ચાલકને દંડ ફટકારતો મેમો આપે ત્યારે તત્કાળ જે રકમ વસૂલાય તેને ‘માંડવાળ ફી’ કહેવાય છે. જો વાહન ચાલક ગુનો કબૂલવાનો ઈન્કાર કરી મેમો અર્થાત ચાલનને એપેક્ષ ઓથોરિટી સમક્ષ પડકારે અને અપિલની પ્રક્રિયામાં ગુનો સાબિત થાય તો કેન્દ્રના નોટિફિકેશન મુજબ વધુમાં વધુ દંડ થઈ શકે છે.

લાઇસન્સ હોય તો ઘરેથી લાવીને છુટકારો મળશે
વાહન ચાલકને કોન્સ્ટેબલ કે હોમગાર્ડ અટકાવી શકે છે પણ દંડની સત્તા હેડ કોન્સ્ટેબલ અને તેથી ઉપર છે. CM રૂપાણીએ સ્પષ્ટ કર્યુ કે, રસ્તા ઉપર તપાસ દરમિયાન કોઈની પાસે ખિસ્સામાં લાયન્સ નથી, મોબાઈલમાં Digilocker નથી. લાયસન્સ ઘરે પડયુ છે. તો આવા વાહન ચાલક પોતાનું વાહન પોલીસને સોંપીને ઘરેથી લાયસન્સ કે અન્ય માંગ્યા મુજબના દસ્તાવેજ લાવી- દર્શાવીને દંડમાંથી છુટકારો મેળવી શકશે. આ રીતે જપ્ત થયેલા વાહનની જવાબદારી સંપુર્ણતઃ પોલીસની રહેશે.

ડિજિટલ કોપી દેખાડવા Digilocker ફરજિયાત
લાયસન્સ, વાહન- વીમા સહિતના દસ્તાવેજા કાગળ સ્વરૂપે પોતાની પાસે ન હોય તેવી સ્થિતિમાં નિયમ ભંગનો ગુન્હો ટાળવા સરકારે વાહન ચાલકને પોલીસ કે RTO માંગે તે દસ્તાવેજની ડિજિટલ કોપી ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં રજૂ કરવાની છુટ આપી છે. જો કે, આવા દસ્તાવેજોનો ફોટો કે સ્ક્રિનિંગ કોપી ભારત સરકારની Digilocker મોબાઈલ એપ્લિકેશનમાં હોય તો જ માન્ય ગણાશે. તે સિવાય વોટ્સેપ કે મોબાઈલમાં પડેલી ફોટો કોપી સ્વિકારવામાં આવશે નહી. Digilocker જેમના નામના દસ્તાવેજો હોય તે જ વ્યક્તિના મોબાઈલ નંબર અને આધારકાર્ડ સાથે જોડાયેલી અપ્લિકેશન છે. આથી, બીજાના મોબાઈલ રહેલી એપ્લિકેશન આધારકાર્ડથી જોડાયેલા નંબર વગર ઓપન થઈ શકશે નહી. નિયમ ભંગના કિસ્સામાં પોતાના જ Digilockerથી દસ્તાવેજો દેખાડવાના રહેશે.

 • નવા સુધારાયેલા કાયદામાં પ્રજાને સ્પર્શતા મુખ્ય ગુનાઓની જોગવાઇઓ આ પ્રમાણે છે
 • હેલ્મેટ વગર ડ્રાઇવિંગમાં રૂ. ૫૦૦નો દંડ
 • ટૂ વ્હીલર પાછળ બેસનારને હમણાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ, બાદમાં એમણેય પહેરવી પડશે.
 • લાઇસન્સ, વીમો, પીયુસી, આરસી બુક વગેરે દસ્તાવેજો ઓરિજિનલ સાથે રાખવા પડશે, અથવા સ્માર્ટ
 • મોબાઇલમાં ડિજિટલ એકાઉન્ટ ખોલાવી તે દસ્તાવેજો જ્યારે જરૂર પડે ત્યારે બતાવવાના રહેશે. ઝેરોક્સ કોપી
 • નહીં ચાલે. આ દસ્તાવેજો સાથે નહીં હોય તો પ્રથમ વખત રૂ.૫૦૦ અને બીજી વખત રૂ. ૧૦૦૦ દંડ થશે.
 • ચાલુ વાહને મોબાઇલના ઉપયોગ બદલ પહેલીવાર રૂ. ૫૦૦ અને બાદમાં રૂ. ૧૦૦૦ દંડ થશે.
 • કારમાં ડ્રાઇવરે સીટ બેલ્ટ બાંધેલો નહીં હોય તો રૂ. ૫૦૦નો દંડ
 • કાર ઉપર ડાર્ક ફિલ્મ માટે પહેલીવાર રૂ.૫૦૦ અને બાદમાં રૂ. ૧,૦૦૦ દંડ થશે.
 • અડચણરૂપ પાર્કિંગ બદલ પહેલીવાર રૂ.૫૦૦ અને બાદમાં રૂ. ૧,૦૦૦ દંડ થશે.
 • ટૂ વ્હીલર ઉપર ટ્રીપલ સવારીમાં હાલનો રૂ. ૧૦૦નો દંડ યથાવત્.
 • ભયજનક રીતે રોંગસાઇડ ડ્રાઇવિંગ માટે પ્રથમ વખત થ્રી વ્હીલરમાં રૂ.૧,૫૦૦, મોટરકારમાં રૂ. ૩,૦૦૦ અને મોટા
 • વાહનોમાં રૂ. ૫,૦૦૦ અને બીજી વાર પણ કાયદાના ભંગ બદલ આ જ ચાર્જ ચૂકવવો પડશે.
 • ઓવર સ્પીડિંગ માટે પ્રથમ વખત ટૂ અને થ્રી વ્હીલરમાં રૂ.૧,૫૦૦, ટ્રેક્ટરમાં રૂ. ૧,૫૦૦, મોટરકારમાં રૂ. ૨,૦૦૦
 • અને મોટા વાહનોમાં રૂ. ૪,૦૦૦ તેમજ બીજી વખતના ગુનામાં ટૂ-થ્રી વ્હીલરમાં રૂ. ૨,૦૦૦, ટ્રેક્ટરમાં રૂ. ૨,૦૦૦,
 • મોટરકારમાં રૂ. ૩૦૦૦ અને મોટા વાહનોમાં છ માસ માટે લાઇસન્સ સસ્પેન્ડ.
 • ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ માટે ટૂ-વ્હીલરમાં રૂ. ૨,૦૦૦, થ્રી વ્હીલર તથા અન્ય મોટા વાહનોમાં રૂ. ૩,૦૦૦ દંડ થશે.
 • વાયુ પ્રદૂષણયુક્ત તથા અવાજનું પ્રદૂષણ કરી ડ્રાઇવિંગ માટે રૂ. ૧,૦૦૦થી રૂ. ૩,૦૦૦નો દંડ થશે.
 • જાહેર રસ્તા ઉપર રેસ કરવા બદલ પ્રથમવાર રૂ. ૫,૦૦૦ અને બાદમાં રૂ. ૧૦,૦૦૦ દંડ થશે.
 • એમ્બ્યુલન્સ, ફાયર કે અન્ય કોઇ ઇમરજન્સી વાહનને સાઇડ ના આપવા બદલ રૂ. ૧,૦૦૦નો દંડ થશે.
 • થર્ડ પાર્ટી વીમા વગર ડ્રાઇવિંગ બદલ પ્રથમ વખત રૂ. ૨,૦૦૦ અને બાદમાં રૂ.૪,૦૦૦ દંડ વસૂલાશે.

આ પણ જુઓ વીડિયો: અમદાવાદના નવરંગપુરામાં જૈન દેરાસરમાં મારામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન