ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ, બાવળીયા બાદ વધુ દિગ્ગજ નારાજ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ, બાવળીયા બાદ વધુ દિગ્ગજ નારાજ

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ, બાવળીયા બાદ વધુ દિગ્ગજ નારાજ

 | 2:57 pm IST

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત કોંગ્રેસના સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા કુંબરજી બાવળીયા ભાજપમાં શામેલ થયાને હજી એક અઠવાડિયું પણ નથી થયું ત્યાં પાર્ટીના વધુ એક સિનિયર નેતાની નારાજગી સામે આવી છે.

કુંવરજી બાવળીયા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જામ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ પાર્ટીથી નારાજ હોવાનું જણાય આવે છે. આ બાબતેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. જેમાં વિક્રમ માડમ કોંગ્રેસ છોડવાની વાત કરતા હોવાનું સ્પષ્ટ જણાય છે.

2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતમાં ‘સ્પેશિયલ 26’ મિશન પાર પાડવા માટે ભાજપ મેદાને પડ્યું છે. તે કોંગ્રેસના એક પછી એક મોટી વિકેટ ખેરવવાના પ્લાન પર કામ કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ નેતૃત્વએ યુવાન નેતાઓને પ્રાધાન્ય આપતા સિનિયર નેતાઓ હાંસિયામાં ધકેલાયા છે.

કોંગ્રેસમાં તેના પ્રદેશ પ્રમુખ, વિપક્ષી નેતાની સામે આગ વધુ ભડકી ઉઠી છે. કોંગ્રેસના યુવાન નેતાઓ સિનિયર નેતાઓની ઉપેક્ષા કરતા હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે. સિનિયર નેતાઓને એકબાજુએ મુકી નવોદિતોને શિરપાવ કરવામાં આવી રહ્યાં છે.

જેના કારણે કોંગ્રેસના એક પછી એક દિગ્ગજ નેતાઓએ પાર્ટી તરફથી મોં ફેરવીને ભાજપ તરફ મીટ માંડી છે. એક પછી એક નારાજ ધારાસભ્યો હવે ભાજપ તરફ વળી રહ્યાં છે. વર્ષો સુધી પાર્ટી માટે મહેનત કરનારા સિનિયર નેતાઓની નારાજગી હવે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રભારીને ભારે પડી શકે છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પર લટકતી તલવાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. રાજીવ સાતવને અશોક ગેહલોતના સ્થાને નિમવામાં આવ્યાં છે. પરંતુ હવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે, કોગ્રેસને અનુભવી અશોક ગેહલોતની ખોટ પડી રહી હોવાનું વર્તાય છે.

હજી થોડા દિવસ પહેલા જ કુંબરજી બાવળીયા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં શામેલ થયાં હતાં. ભાજપમાં શામેલ થતાની સાથે જ 4 જ કલાકમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ કોંગ્રેસમાં પક્ષાંતરનો સળવળાટ શરૂ થયો હતો. હવે જામ ખંભાળિયાના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ પણ પાર્ટીથી ભારોભાર નારાજ છે. માડમની નારાજગીની એક ઓડિયો ક્લિપ દ્વારા કહી શકાય એમ છે.

વાયરલ થયેલ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ કહેવાય છે કે, કેટલીક વાતોને લઇને નારાજગી છે. કોગ્રેસ પાર્ટી સારી છે અને કાર્યકરો સારા છે પરંતુ નેતાગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જોકે આ ઓડિયો ક્લિપમાં એવું પણ કહેવાય છે કે તેઓ કોંગ્રેસ છોડશે પરંતુ ભાજપમાં તો નહીં જ જોડાય. જો તેઓ પાર્ટી છોડે તો પક્ષને મોટો ફટકો પડી શકે એમ હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

વિક્રમ માડમની નારાજગી સામે આવતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શું ખરેખર તેઓ નારાજ છે? શું તેઓ પાર્ટી છોડશે ? આ સવાલો ચર્ચાસ્પદ બન્યા છે. બીજી બાજુ આયાતી નેતાઓને પાર્ટીમાં શામેલ કરવા અને મંત્રી બનાવી દેવાને લઈને ભાજપમાં પણ ભારોભાર અસંતોષ વ્યાપી રહ્યો છે.