Gujarat Police ASI and Constable Death Case, FSL Report
  • Home
  • Featured
  • રાજકોટ ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસમાં સનસનાટીપૂર્ણ ખુલાસો, પોલીસ પણ આશ્ચર્યચકિત

રાજકોટ ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસમાં સનસનાટીપૂર્ણ ખુલાસો, પોલીસ પણ આશ્ચર્યચકિત

 | 9:17 pm IST

રાજ્યમાં બહુચર્ચિત પોલીસ કોન્સ્ટેબલ અને ASI આપઘાત કેસમાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. આ ચકચારી કેસમાં સામે આવેલા ફોરેન્સીક રિપોર્ટમાં એક નવો જ ખુલાસો થયો છે. જેણે પોલીસ બેડા અને રાજ્યભરમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.  

ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા અને ત્યાર બાદ આપઘાતનો ખુલાસો થયો છે. એફએસએલના રિપોર્ટ પ્રમાણે સૌપ્રથમ ASI ખુશ્બુ કાનાબારે જ કોન્સ્ટેબલ રવિરાજસિંહની હત્યા કરી હતી. ખુશ્બુએ પહેલા કોન્સ્ટેબલ રવિરાજ પર ગોળી ચલાવી હતી અને ત્યારબાદ પોતે આપઘાત કર્યો હતો. આ અંગે રાજકોટનાં ઝોન-2ના DCP મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, ASI ખુશ્બુ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ જાડેજા વચ્ચે ગત 9 માસથી પ્રેમ પાંગર્યો હતો. અને રવિરાજ સિંહ જાડેજા પરિણીત હોવા છતા દરરોજ ખુશ્બુને મળવો જતો હતો. જોકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન DCP મનોહરસિંહ જાડેજાએ એવો પણ ખુલાસો કર્યો હતો કે, ખુશ્બુ અને રવિરાજ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતાં. 

ઉલ્લેખનીય છે કે, 11 જુલાઇએ રાજકોટના સરકારી આવાસમાંથી એક મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ મૃત હાલતમાં મળી આવ્યા હતાં. બંને પોલીસકર્મીઓ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં. બંને વચ્ચે પ્રેમપ્રકણ હોવાનું કહેવાય છે.

આ મામલે ઘટના બાદ પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું કે, રવિરાજે ખુશ્બુની સરકારી પિસ્તોલમાંથી ખુશ્બુની હત્યા કરી હશે અને ત્યાર બાદ પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો હશે. જોકે આ હત્યાકેસ ઉકેલવા પોલીસે એક્સપર્ટની મદદ લીધી હતી.

ફોરેન્સીક ટીએમ ઘટનાસ્થળેથી નમૂના મેળવ્યા બાદ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એફએસએલના રિપોર્ટ પ્રમાણે, રવિરાજ જે હાથે પિસ્ટલ ચલાવી શકે તેમ હતો તેની વિરુદ્ધ દિશામાં તેને ગોળી વાગી હતી, જ્યારે રવિરાજના શરીરમાંથી મળેલી ગોળી પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગ ન હતું. ફોરેન્સીક એક્સપર્ટનું માનવું છે કે આ બાબત દર્શાવે છે કે, રવિરાજના શરીરમાં થયેલી ઇજા અને ગોળીની ઝડપ 4થી 5 ફૂટના અંતરથી ફાયરિંગ થયું હોઇ શકે છે. આ વાતથી સ્પષ્ટ થાય છે કે રવિરાજે આપઘાત નથી કર્યો પરંતુ તેને કોઈએ ગોળી મારી હતી.

ફોરેન્સીક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ખુશ્બુ કાનાબારના હાથ કે કપડાંમાંથી ગન પાવડર મળી આવ્યો હતો, જ્યારે રવિરાજના હાથ કે કપડાંમાંથી ગન પાવડર મળી આવ્યો નથી. પોલીસનું માનવું છે કે, હત્યા બાદ ખુશ્બુએ તેના ખોળામાં રવિરાજનું માથું રાખ્યું. બાદમાં પોતે પોઇન્ટ બ્લેન્કથી ફાયરિંગ કરી આપઘાત કર્યો. જ્યારે ઘટના બાદ પોલીસ મૃતદેહ પાસે પહોંચી હતી ત્યારે રવિરાજનું માથું ખુશ્બુના ખોળામાં હતું.

અહેવાલ પ્રમાણે ખુશ્બૂના શરીરમાંથી મળેલ ગોળી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી મારવામાં આવી હતી. જ્યારે રવિરાજસિંહ જાડેજાને 4 થી 5 ફૂટ દૂરથી ગોળી મારવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન