Gujarat received 40 to 85 inches of rain in 23 talukas with heavy rainfall of 64.44 percent
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતમાં ભારે વરસાદે ચિંતા વધારી: 64.44 ટકા સાથે 23 તાલુકામાં 40થી 85 ઈંચ વરસાદ, યલો અને રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં ભારે વરસાદે ચિંતા વધારી: 64.44 ટકા સાથે 23 તાલુકામાં 40થી 85 ઈંચ વરસાદ, યલો અને રેડ એલર્ટ જાહેર

 | 8:18 am IST
  • Share

ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં ચોમાસાના વરસાદે સતત હાથતાળી આપતાં ખેડૂતો અને નાગરીકો ચિંતામાં આવી ગયા હતા, પરંતુ સપ્ટેમ્બરના પ્રારંભે જ રાજ્યમાં સતત વરસાદી સિસ્ટમ સર્જાતાં ઘટ પુરી દે તેવો ધોધમાર વરસાદ વરસવા લાગ્યો છે. ૩૧ ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં સરેરાશ ૧૪.૪૯ ઈંચ એટલે કે, ૪૩.૧૪ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.

૧૩ સપ્ટેમ્બર સવારના ૬ વાગ્યાની સ્થિતિએ સરેરાશ ૨૧.૬૫ ઈંચ એટલે કે, ૬૪.૪૪ ટકા વરસાદ પડી ગયો છે અને દિવસ દરમિયાન પણ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. આમ સપ્ટેમ્બરના માત્ર ૧૩ દિવસમાં જ ૮ ઈંચ જેટલો એટલે કે, ૨૧.૩૦ ટકા જેટલો ધોધમાર વરસાદ પડી ગયો છે.

રાજ્યના કુલ ૨૫૧ તાલુકાઓ પૈકી ગોંડલ, લોધિકા, કાલાવડ, ઉમરગામ અને માંગરોળ તાલુકામાં ૧૦૦ ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે. આ ઉપરાંત ૧૪ તાલુકા એવા છે કે જ્યાં ૯૦થી ૯૯ ટકા જેટલો વરસાદ પડયો છે. રાજ્યના કુલ ૨૩ તાલુકાઓમા ૪૦થી ૮૫ ઈંચ જેટલો વરસાદ પડયો છે. વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધુ ૮૫ ઈંચ અને કચ્છના લખપત તાલુકામાં સૌથો ઓછો ૬ ઈંચ જેટલો પણ વરસાદ વરસ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૬ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પડતા  વરસાદની સરેરાશ ૪.૫ ઈંચ જેટલી જ છે. ગત વર્ષે પણ ૪.૯૩ ઈંચ જ  વરસાદ પડયો હતો. પરંતુ તેના આગળના વર્ષે ૨૦૧૯માં સપ્ટેમ્બર  માસમાં ૧૩.૫૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી આ વર્ષે વરસાદની  ઘટ તો જ પુરી થશે જો સપ્ટેમ્બર માસમાં ૨૦૧૯ની જેમ ધોધમાર  વરસાદ વરસશે. જોકે આવુ જ કંઈક આ વર્ષે સપ્ટેમ્બર માસમાં થઈ રહ્યુ છે.

છેલ્લા ૧૩ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી ચાર-પાંચ દિવસ સુધી પણ રાજ્યમાં હળવાથી ભારે અને અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં તો હવામાન વિભાગ તરફથી યલો અને રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન