Gujarat: Rupani Government Decides to Implement 10 per cent Reservation From today
  • Home
  • Ahmedabad
  • આજથી ગુજરાત ગરીબ સવર્ણોને આપશે 10% અનામતનો લાભ, કયા ક્ષેત્રમાં મળશે ફાયદો, જાણો વિગતે

આજથી ગુજરાત ગરીબ સવર્ણોને આપશે 10% અનામતનો લાભ, કયા ક્ષેત્રમાં મળશે ફાયદો, જાણો વિગતે

 | 8:53 am IST

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ ૧૪મી જાન્યુઆરીથી ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિનઅનામત રીતે આર્થિક નબળા વર્ગોને 10 ટકા અનામતનાં લાભ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સવર્ણોને 10 ટકા અનામતના બિલ પર રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં જ વિજય રૂપાણીની સરકારે અમલની તુરત જ જાહેરાત કરી છે. આ સાથે જ ગુજરાત આ નિર્ણયનો અમલ કરનારું પહેલું રાજ્ય બનશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે,14મી જાન્યુઆરી 2019ના મકરસંક્રાંતિથી રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં બિનઅનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા અનામતનો લાભ મળતો થશે. આ હેતુથી 14મી જાન્યુઆરી પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઈ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઈ હોય તેને આ લાભ મળવાપાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ 10 ટકા અનામતનો લાભ અપાશે.

રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બિનઅનામતને 10 ટકા અનામતના ઐતિહાસિક નિર્ણયને સૌપ્રથમ પ્રતિસાદ આપતાં સામાજિક સમરસતાને પુષ્ટિરૂપ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, દેશના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના આર્ટિકલ 15 અને આર્ટિકલ 16માં સુધારો કરીને એસસી-એસટી-એસઈબીસી જાતિઓની સાથે આર્થિક રીતે નબળા વર્ગોમાં આવતી બિનઅનામત જાતિઓનો ઉમેરો કરીને તેમને પણ અનામતનો કેન્દ્ર સરકારે બંધારણીય અધિકાર આપ્યો છે, બંધારણમાં મૂળભૂત અધિકારોમાં કરાયેલા આ સુધારાને લીધે કેન્દ્રીય સ્તરે 10 ટકા સુધી અનામત દાખલ કરવાની ભારત સરકારને અને રાજ્ય સ્તરે પણ 10 ટકા સુધી અનામત દાખલ કરવાની સત્તા રાજ્ય સરકારને મળે છે. આમ આ બંધારણીય સુધારાથી ગુજરાત સરકારને મળેલી સત્તાને આધારે શિક્ષણ અને નોકરીમાં બિનઅનામત આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામત આપવાનો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ નિર્ણયની સત્તાવાર જાહેરાત થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના આ નિર્ણયની જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પણ આપી હતી.

કોને મળશે આ અનામતના લાભ
1. જે અત્યાર સુધી કોઈ પ્રકારની અનામતના લાભ મેળવી શક્યાં નથી.
2. જેમની વાર્ષિક આવક રૂપિયા આઠ લાખથી ઓછી હોય.
3. જેમની પાસે રૂપિયા પાંચ લાખથી ઓછાં મૂલ્યની ખેતીની જમીન હોય.
4. જેમની પાસે 1,000 ચોરસફૂટથી નાનું માલિકીનું આવાસ હોય.
5. જેમની પાસે નિગમની 109 ગજથી ઓછી સંપાદિત જમીન હોય.
6. જેમની પાસે 209 ગજથી ઓછી નિગમની બિનસંપાદિત જમીન હોય.

કયા ક્ષેત્રમાં મળશે
– સરકારી નોકરીમાં ભરતી અને ઉચ્ચ શિક્ષણ પ્રવેશ માટે સવર્ણોને આ અનામત મળશે.
– નોકરીની ભરતી પ્રક્રિયાનો તબક્કો શરૂ નહીં થયો હોય ત્યાં યુવાનો આ લાભને પાત્ર હશે.
– 14 જાન્યુઆરી પહેલા શરૂ થઈ ગયેલી ભરતી પ્રક્રિયામાં લેખિત, મૌખિક પરીક્ષા અથવા કમ્પ્યૂટર સ્કીલ પરીક્ષાઓ થઈ ગઈ હશે તો આ અનામતનો લાભ નહીં મળી શકે.
– કોઈપણ ભરતી પ્રક્રિયાના સંબંધમાં માત્ર જાહેરાત થઈ હોય અથવા જાહેરાતની તારીખ અપાઈ હોય તો તે પ્રક્રિયામાં હવે નવી જાહેરાત કરવી પડશે.

અમલ તો ખરો પણ ઘણા સવાલોના જવાબ બાકી!
રાજ્ય સરકારે આર્થિક ધોરણે સવર્ણોને 10 ટકા અનામતના કેન્દ્ર સરકારના નિર્ણયનો અમલ કરવાની જાહેરાત તો કરી દીધી પરંતુ આ આખા ય મામલે ઘણા મહત્ત્વના અને ગંભીર સવાલો એવા છે જેના જવાબો હજુ ઊભા ને ઊભા જ છે.

1. રાષ્ટ્રપતિએ બહાલી તો આપી પણ અનામતની વિવિધ જોગવાઈઓને કેન્દ્ર સરકારે હજુ નોટિફાય કરી નથી. કાયદામંત્રાલયે કહ્યું જ છે કે, ક્યારથી અમલ તેની હવે જાહેરાત કરીશું, તો ગુજરાત સરકારને અમલમાં ઉતાવળ કેમ?
2. સુપ્રીમ કોર્ટની 9 જજની બંધારણીય બેન્ચે અનામતની મર્યાદા 50 ટકા નિશ્ચિત કરી છે તો આ વધારાના 10 ટકાની જોગવાઈને સુપ્રીમ બહાલ રાખે કે નહીં તેની અનિશ્ચિતતા છે, તેવામાં આ જાહેરાત કેટલી વાજબી?
3. ગુજરાતમાં જો અમલ કરવો હોય તો સરકારે નવો વટહુકમ પ્રસિદ્ધ કરવો પડે, જે હજુ કર્યો નથી, તો 14મીથી અમલ શેના આધારે કરશે?
4. ભૂતકાળમાં પણ રાજ્ય સરકારે પોતે આર્થિક ધોરણે 10 ટકા અનામત જાહેર કરેલી, તેને હાઇકોર્ટે ફગાવી દીધી અને તે હાલ સુપ્રીમમાં પડતર છે, તો કેન્દ્ર સરકારની જોગવાઈના અમલથી નવી કાનૂની ગૂંચવણો સર્જાશે તેનું શું?

ગુજરાત સરકારે વર્ષ 2016માં આવી અનામત આપી હતી
ગુજરાતમાં આનંદીબહેન પટેલની સરકાર વખતે 10 ટકા આર્થિક રીતે અનામતની જાહેરાત કરાઈ હતી. સવર્ણો માટે ૧૦ ટકા અનામત માટે વટહુકમ બહાર પડાયો હતો. જોકે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે હાઈકોર્ટે 10 ટકા અનામતના વટહુકમને ગેરબંધારણીય ઠેરવ્યો હતો. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે.

કઈ ભરતી સ્થગિત, કઈ નવેસરથી લેવાશે
રાજ્ય સરકાર દ્વારા કહેવાયું છે કે, 14મી જાન્યુઆરી 2019 પહેલાં જે જે ભરતી પ્રક્રિયામાં લેખિત, મૌખિક પરીક્ષા તેમજ કમ્પ્યૂટર પ્રોફિસિઅન્સી ટેસ્ટ, પ્રિલિમિનરી પરીક્ષા થઈ ગઈ છે તેને આ અનામતનો લાભ લાગુ થઈ શકશે નહીં. ભરતી માટે કોઈ પ્રક્રિયા શરૂ થઈ નથી અને માત્ર જાહેરાત જ અપાઈ હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ 10 ટકા અનામત એસસી, એસટી અને એસઈબીસીને મળવાપાત્ર 49 ટકા ઉપરાંતની રહેશે.

ગરીબ સવર્ણ અનામત ખરડાની તવારીખ

7 જાન્યુઆરી 2019 – કેબિનેટની મંજૂરી

8 જાન્યુઆરી 2019 – લોકસભાની મંજૂરી

9 જાન્યુઆરી 2019 – રાજ્યસભાની મંજૂરી

12 જાન્યુઆરી 2019 – રાષ્ટ્રપતિની મંજૂરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન