ગુજરાતના 'સરદાર' કોણ ? - Sandesh
  • Home
  • Columnist
  • ગુજરાતના ‘સરદાર’ કોણ ?

ગુજરાતના ‘સરદાર’ કોણ ?

 | 2:50 am IST

રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ વખતે સમસ્ત દેશની નજર ગુજરાતની ચૂંટણી પર છે. રાષ્ટ્રીય મીડિયા પણ ગુજરાતની નાનામાં નાની ઘટનાને કવરેજ આપે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લ્ભભાઈ પટેલના નામ પર બધા જ પક્ષો રાજનીતિ કરી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે ૨૦૧૭ની આ ચૂંટણીમાં ગુજરાતની પ્રજા તેમના ‘સરદાર’ તરીકે કોને પસંદ કરે છે તે પર સૌની નજર છે.

ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીનું મહત્ત્વ એટલા માટે છે કે, ગુજરાત તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતના છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે દેશની સત્તાની મુખ્ય કમાન બે ગુજરાતીઓ પાસે છે. આ બંને શક્તિશાળી વ્યક્તિઓ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી જરૂરી છે. આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લાં સાડા ત્રણ વર્ષના શાસનની અને અમિત શાહની રાજનૈતિક વ્યૂહરચનાની કસોટી છે. કોંગ્રેસ તો અહીં છેલ્લા ૨૨ વર્ષથી સત્તા પર નથી. આમ છતાં ગુજરાતની આ ચૂંટણી જીતવી તે ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.

છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીથી માંડીને જીએસટી જેવાં મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવ્યા છે. સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કર્યું છે. ચોટીલા પાસે આંતરરાષ્ટ્રીય વિમાની મથકનું ખાતમુહૂર્ત કર્યું છે. ઘોઘા-દહેજ ફેરી ર્સિવસનો આરંભ કર્યો છે. આ સિવાય પણ બુલેટ ટ્રેનથી માંડીને બીજી અનેક યોજનાઓના ખાતમુહૂર્ત કર્યા છે. તેથી આ ચૂંટણી પરિણામો એ વાતની મૂલવણી કરશે કે વિકાસની આ યોજનાઓનો મતદારો પર કેટલો પ્રભાવ પડયો છે.

આ ચૂંટણીનું મહત્ત્વ એટલાં માટે પણ છે કે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવે છે. તે પૂર્વે ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી ભાજપા અને એનડીએ માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે. ભાજપા ગુજરાતની આ ચૂંટણી પ્રચંડ બહુમતિ સાથે જીતી જાય તો દેશમાં ભાજપા માટે એક પોઝિટિવ સંદેશ જશે એથી ઊલટું ગુજરાતમાં ભાજપાની સીટો ઘટે અથવા પરિણામો વિપરીત આવે તો દેશમાં ભાજપા માટે એક નેગેટિવ મેસેજ જઈ શકે છે. તેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સીધી અસર ૨૦૧૯ની લોકસભાની ચૂટણીનાં પરિણામો પર પડી શકે છે.

આ ચૂંટણી માત્ર વડાપ્રધાન માટે કે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે જ મહત્ત્વપૂર્ણ છે તેવું નથી. દેશમાંથી કોંગ્રેસ સમેટાઈ રહી છે અને કોંગ્રેસ તેના અસ્તિત્વની લડાઈ લડી રહી છે ત્યારે આ ચૂંટણી કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે પણ મહત્ત્વની છે. હવે થોડાક સમયમાં જ સંભવતઃ રાહુલ ગાંધીની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તાજપોશી થાય તેમ લાગે છે. તેથી તેઓ કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકવા સમર્થ છે કે કેમ તે બાબતની પણ કસોટી થશે. રાજ્યસભામાં અહમદ પટેલની જીત બાદ કોંગ્રેસમાં નવો આત્મવિશ્વાસ જન્મ્યો છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ નવા જ ઉત્સાહ – ફોર્મમાં જણાય છે તેમનાં પ્રવચનો ટૂંકા, મુદસર અને પંચ ધરાવતાં જણાય છે. ગુજરાતમાં કોંગ્રેસ માટે સારાં પરિણામો આવે તો રાષ્ટ્રીય કક્ષાએ પણ કાંેગ્રેસ અને રાહુલ ગાંધી માટે નવી આશાઓ ઉભરી શકે છે. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં લોકો પણ સ્વયંભૂ રીતે તેમની મિટિંગોમાં આવતાં જણાય છે. આમ છતાં ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર હારી જાય તો કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ભાવિ માટે પણ પ્રશ્નચિન્હ લાગી શકે છે.

અત્રે એ નોંધવું જરૂરી છે કે, આ વખતની ગુજરાતની ચૂંટણીના રણનીતિકાર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે. ગુજરાતની ચૂંટણીના કેટલાક સમય અગાઉ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરાવ્યું છે. ૭૫ વર્ષની વયના મુદને લઈને આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું છે. તે પછી ગુજરાતની ચૂંટણીના વ્યૂહની કમાન અમિત શાહના હાથમાં છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે, કેટલાંક સમય પહેલાં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપાને પ્રચંડ બહુમતી અપાવીને પક્ષનાં પ્રમુખ અમિત શાહે પોતાની રાજકીય કુનેહ અને માઈક્રોપ્લાનિંગના કૌશલ્યની સાબિતી આપી દીધી છે. ભાજપના ગુજરાતની આ ચૂંટણીના પરિણામો અમિત શાહના ભાવિ પર પણ દૂરોગામી અસરો પાડી શકે છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપા વિજયી બને તો અમિત શાહનું કદ વધશે. ગુજરાતમાં ભાજપ માટે પરિણામો નબળાં આવે તો પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની વ્યૂહરચના પર પ્રશ્નો ઊભા થશે.

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થયું ત્યારે શરૂઆતમાં તો બધું બરાબર હતું, પરંતુ તે પછીની ઘટનાઓ ગુજરાત ભાજપા માટે ચિંતા વધારનારી છે. ગુજરાતની રાજનીતિમાં ત્રણ યુવાનોનો ઉદય ભાજપા માટે પડકાર રૂપ સાબિત થઈ શકે છે. શરૂઆતમાં ભાજપાએ જેમને હળવાશથી લીધા હતા તેવા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી આ ચૂંટણીમાં ગેમ ચેઈન્જર અથવા ગેમ સ્પોઈલર બની શકે છે. પાટીદારોમાં ભાગલા પડાવવાનો વ્યૂહ ભાજપા માટે ઊંધો પડયો છે. પાટીદાર આગેવાન નરેન્દ્ર પટેલે રૃા.૧૦ લાખની ચલણી નોટો દર્શાવીને ભાજપાને બેકફૂટ પર લાવી દીધું છે. એજ રીતે પાટીદાર નેતા નરેન્દ્ર પટેલની પણ એક કહેવાતી ઓડિયો ટેપ ચર્ચામાં છે. વરૂણ પટેલ અને રેશમા પટેલના ભાજપામાં પ્રવેશથી પક્ષને કેટલો ફાયદો કે કેટલું નુકસાન છે તે પરિણામો બતાવશે. એ જ રીતે તાજ હોટલમાં હાર્દિક પટેલની રાહુલ ગાંધી અથવા અશોક ગેહલોત સાથેની કહેવાતી મુલાકાત હાર્દિક પટેલ માટે પણ વિવાદનો મુદે બન્યો છે.

 

હાર્દિક પટેલ પાટીદાર સમાજના યુવાન નેતા છે. અલ્પેશ ઠાકોર, ઠાકોર સમાજના યુવા નેતા છે. અલ્પેશ ઠાકોર હવે ખુલ્લી રીતે કોંગ્રેસમાં પ્રવેશી ચૂક્યા છે. અલબત્ત, અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં પ્રવેશ અંગે પણ કેટલાકે પ્રશ્નો ઉઠાવ્યા છે. ગુજરાતમાં ઠાકોર સમાજનો મોટો વર્ગ છે. એવી જ રીતે જીગ્નેશ મેવાણી દલિતોના યુવા નેતા છે. ઠાકોર સમાજ, દલિત સમાજ અને પાટીદારોનું વલણ આ ચૂંટણીમાં નિર્ણાયક પરિબળ હશે. વર્ષો સુધી પાટીદારો ભાજપની વોટ બેન્ક રહ્યા છે. તે વોટ બેન્ક ટકાવી રાખવામાં ભાજપ સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું.

કેટલાંક નવોદિત યુવા નેતાઓને મનાવવાના કોંગ્રેસના પ્રયાસોને ભાજપાના નેતાઓ ‘ખામ’ થિયરી સાથે જોડી રહ્યા છે. ભૂતકાળમાં માધવસિંહ સોલંકી જયારે ગુજરાતના કોંગ્રેસના નેતા હતા ત્યારે તેમણે કોંગ્રેસને સત્તા પર લાવવા ‘ખામ’ થિયરીનો સફળ ઉપયોગ કર્યો હતો. હવે કોંગ્રેસ ફરી ‘ખામ’ થિયરીનો આશ્રય લઈ રહી છે. તેવો આક્ષેપ ભાજપાના નેતાઓ કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી એ ચૂંટણી છે. વર્ષોથી દેશમાં ચૂંટણીઓ જ્ઞાાતિવાદ અને જાતિવાદના ધોરણે લડાતી આવી છે. અલબત્ત, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના આગમન બાદ તેઓ જ્ઞાાતિવાદના બદલે સમગ્ર હિન્દુઓના હૃદય સમ્રાટ તરીકે ઉભર્યા, પરંતુ ફરી એકવાર ગુજરાતમાં જ્ઞાાતિના સમીકરણો આ ચૂંટણીમાં હાર-જીતનું નિમિત્ત બનશે એ નિશ્ચિત છે. રાહુલ ગાંધી પણ અલ્પેશ ઠાકોરના સંમેલનમાં ‘જય માતાજી, જય સરદાર અને જય ભીમ’ બોલ્યા. રાહુલ ગાંધીએ હિન્દુ મંદિરોની પણ મુલાકાત લેવા માંડી તો કોંગ્રેસની પરંપરાગત નીતિરીતિમાં આવેલું મૂળભૂત પરિવર્તન દર્શાવે છે. ભાજપા કોંગ્રેસની કહેવાતી ખામ થિયરીનાં આશયને લોકો સમક્ષ રજૂ કરવામાં સફળ થાય તો ફરી એકવાર પાટીદારો ભાજપ તરફ જઈ શકે છે. આમ છતાં પાટીદારોનો એક મોટો વર્ગ ભાજપથી નારાજ છે તે પણ એક હકીકત છે.

આ બધાની સામે ગુજરાત ભાજપાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના સહારે ચૂંટણીની વૈતરણી પાર પાડવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત ઈમેજ અને લોકપ્રિયતા હજુ અકબંધ છે. તેમની પર વ્યક્તિગત રીતે ભ્રષ્ટાચારનો કોઈ જ ડાઘ નથી. તેથી ગુજરાતમાં ભાજપા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ઉધ્ધારક સાબિત થઈ શકે છે, ભાજપા માટે વડાપ્રધાન મોદીનો વિકાસનો એજન્ડા ભાજપાને કામયાબી અપાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ૫૦ જેટલી સભાઓ સંબોધવાનાં છે. તેમનો ઝંઝાવાતી પ્રવાસ ભાજપને ફાયદો કરાવી શકે છે.

આ ચૂંટણીનું નોંધપાત્ર લક્ષણ એ છે કે, પાટીદારો, અન્ય પછાતવર્ગની જ્ઞાાતિઓ તથા દલિતો જે તરફ પોતાનું વજન મૂકશે તે પક્ષ જીતશે. અગાઉ જે સોશિયલ મીડિયા ભાજપાની તરફેણમાં હતો તે જ હવે ભાજપા માટે માથાનો દુઃખાવો બન્યો છે. કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળનો જન વિકલ્પ મોરચો જો જાતિવાદી સમીકરણોના આધારે ઉમેદવારો ઊભા રાખે તો તે કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે.

કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે ચૂંટણીની જ્યારે પણ જાહેરાત થાય છે ત્યારે કોંગ્રેસ જીતેલી હોય છે, પરંતુ ઉમેદવારોની પસંદગી બાદ તે હારી જાય છે. કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી જૂથવાદના ધોરણે થાય તો તે કોંગ્રેસ માટે હાનિકારક હશે. જૂથવાદ કોંગ્રેસનું કેન્સર છે. જૂથવાદને બાજુમાં રાખવામાં આવશે તો તેનો ફાયદો કોંગ્રેસને થશે.

ખેર!

આ વખતની ગુજરાતની ચૂંટણીમાં ભાજપા વિરોધી મત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, જનવિકલ્પ મોરચો અને અપક્ષોમાં વહેંચાઈ જાય તો તેનો સીધો ફાયદો ભાજપાને થઈ શકે છે. એ જે હોય તે, પરંતુ આ ચૂંટણીનાં પરિણામો આૃર્યજનક તો જરૂર હશે.

www.devendrapatel.in