Gujarat SGST Team Held Mitesh Sejpal for bogus billing scam
  • Home
  • Featured
  • કરોડોના બોગસ બિલિંગ કૌભાંડમાં 2 વર્ષથી ફરાર મિતેશ સેજપાલ ઝડપાયો

કરોડોના બોગસ બિલિંગ કૌભાંડમાં 2 વર્ષથી ફરાર મિતેશ સેજપાલ ઝડપાયો

 | 9:11 pm IST
  • Share

  • સ્ટેટ GST વિભાગ દ્વારા કાર્યવાહી
  • પિતા-પુત્રની જોડીએ કરોડોની કરચોરી આચરી
  • પિતાની બે વર્ષ પહેલા જ થઈ ધરપકડ

સ્ટેટ GSTના રાજકોટ વિભાગ-11ની તપાસ ટીમોએ બે વર્ષ પહેલા જૂનાગઢ ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પિતા-પુત્રની જોડીએ 11 બોગસ પેઢીઓના નોંધણી નંબરના ઉપયોગથી મોટા પ્રમાણમાં ઈ-વે બિલ જનરેટ કર્યાં હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહીં, આ જોડીએ આઉટવર્ડ સપ્લાયની વિગતો પત્રકોમાં નહીં દર્શાવીને કરોડો રૂપિયાની કરચોરી કરી હતી. આ મામલે પિતા દિલીપભાઈ સેજપાલની પહેલા જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જ્યારે બે વર્ષથી ફરાર મિતેશ સેજપાલની આજે રાજકોટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દિલીપ સેજપાલ અને તેમના પુત્ર મિતેશ સેજપાલ દ્વારા જૂનાગઢ તથા તેની આસપાસના વિસ્તારોમાંથી જરૂરિયાત મંદ લોકો પાસેથી આધાર કાર્ડ, પાનકાર્ડ અને ફોટોગ્રાફ સહિતના ડેક્યુમેન્ટના આધારે GST નોંધણી નંબર મેળવ્યો હતો. જેનો ઉપયોગ કરીને આ પિતા-પુત્રની જોડીએ જાન્યુઆરી થી માર્ચ 2019ના સમયગાળા દરમિયાન રૂપિયા 235 કરોડથી વધુના વેચાણના વ્યવહારો અંગેના ઈ-વે બિલ જનરેટ કરી રૂપિયા 11.17 કરોડનો વેરો દર્શાવ્યો હતો.

વધુ તપાસમાં સામે આવ્યું કે, પિતા-પુત્રએ કરચોરી કરવાના ઈરાદાથી બોગસ નોંધણી નંબર દર્શાવીને તેના આધારે ઈ-વે બિલ જનરેટ કરીને કરોડોની કરચોરી આચરી છે.

આ મામલે કાર્યવાહી કરીને સ્ટેટ GST વિભાગ દ્વારા દિલીપ સેજપાલની 19 એપ્રિલ, 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેમનો પુત્ર મિતેશ સેજપાલ ફરાર હતો. આરોપીએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન માટે કરેલી અરજી પણ કોર્ટે રદ્દ કરી હતી.

આ દરમિયાન GST વિભાગને બાતમી મળી હતી કે, મિતેશ સેજપાલ રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલા ફ્લેટમાં ભાડેથી રહે છે. જેના આધારે તપાસ કરીને આરોપીની ધરપકડ કરવા સાથે જ તેની પાસેથી લેપટોપ, મોબાઈલ્સ તેમજ જુદી-જુદી પેઢીઓની કોરી ચેકબુક જપ્ત કરવામાં આવી હતી. હાલ આરોપી મિતેશને જૂનાગઢ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા તેને 3 દિવસના કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન મંજૂર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો