શરીરમાં ઠેકઠેકાણે 135 ફ્રેકચર્સ છતાં ગુજરાતીઓનું નામ ગુંજતું કરે છે આ 14 વર્ષનો બાળક - Sandesh
  • Home
  • Gujarat
  • શરીરમાં ઠેકઠેકાણે 135 ફ્રેકચર્સ છતાં ગુજરાતીઓનું નામ ગુંજતું કરે છે આ 14 વર્ષનો બાળક

શરીરમાં ઠેકઠેકાણે 135 ફ્રેકચર્સ છતાં ગુજરાતીઓનું નામ ગુંજતું કરે છે આ 14 વર્ષનો બાળક

 | 9:29 am IST

જાણીતા સંવાદ ‘ખુદ હી કો બુલંદ કર ઇતના.. કી, ખુદા ખુદ બંદે સે પૂછે- બોલ તેરી રઝા કયા હૈ…’ને અમેરિકામાં ૩૫ ફ્રેકચર્સ સાથે જન્મેલા ગુજરાતી મૂળના નાનકડા બાળકે સાર્થક કરી બતાવી છે. સંગીતને જીવન બનાવનારો આ બાળક સિંગર, સોંગ રાઇટર અને મોટિવેશનલ સ્પીકર બની આજે દુનિયાભરમાં છવાઇ ગયો છે. જે યુ.એન. ગુગલ સહિતની જાણીતી અનેક સંસ્થાઓમાં ગેસ્ટ બની ચૂકયો છે. મૂળ સુરતના અને અભ્યાસ બાદ અમેરિકા જઇ સ્થાયી થયેલા હિરેન પ્રફૂલ્લચંદ્ર શાહનો 14 વર્ષનો પુત્ર સ્પર્શ શાહ આજે દુનિયામાં જિનિયસ કિડ તરીકેની ખ્યાતિ ધરાવે છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા સુરત આવેલા આ બાળકે ‘સંદેશ’ સાથેની ખાસ મુલાકાતમાં તેના વિચારો રજૂ કર્યા હતા.

તેણે જણાવ્યું હતું કે, દુનિયામાં કશું જ અશક્ય નથી. કોઇપણ વસ્તુ માટે અન્યને દોષ દેવાના સ્થાને જાતે જ બદલાવું જોઇએ અને તે માટે પ્રયત્ન કરવા જોઇએ. તેણે જણાવ્યું હતું કે, આજે દુનિયામાં તમામને એક સમાનતા મળવી જરૃરી છે. અમીર- ગરીબ અને પદનો ભેદ દૂર કરી સમાનને એકનજરે જોવાની જરૃર છે. સંગીતમાં અનોખી શક્તિ છે. સંગીત માત્ર સાંભળી અને બોલી શકાતું નથી પરંતુ, તે અનુભવી શકાય છે અને તમામ પ્રકારની શક્તિ પૂરી પાડનારું છે. વધુમાં જણાવ્યું હતું કે, ૫થી ૭ એપ્રિલ દરમિયાન ગોવા ખાતે યોજાઇ રહેલા ગોવા ફેસ્ટ ઇવેન્ટમાં તેને ગેસ્ટ અને કિનોટ સ્પીકર તરીકે ઇન્વાઇટ કરાયો હોય, તેઓ ભારત આવ્યા છે. આ ઇવેન્ટમાં સાનિયા મિર્ઝા, જોન્ટી રોહડ્સ, બાબા રામદેવ, નવાઝુદ્દીન સિદ્દીકી, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતનાઓ સાથે તે પણ એક કી-નોટ સ્પીકર તરીકે જોડાશે. જેમાં ‘સમાજ ઉપયોગી સંદેશા ફેલાવી હકારાત્મક છાપ ઊભી કરવા અને સમાજમાં બદલાવ લાવવામાં જાહેરાતની ભૂમિકા’ વિષય પર વકતવ્ય આપશે.

ભારતની ટ્રેનમાં મુસાફરી એ એક દુઃસ્વપ્ન
અગાઉ ભારતની મુલાકાત દરમિયાન કરેલી ટ્રેન મુસાફરી એક દુઃસ્વપ્ન સમાન બની રહી હોવાનું સ્પર્શ શાહે જણાવ્યું હતું. અગાઉથી જ બુકિંગ કરાવ્યું હોવા છતાં એક દિવ્યાંગ વ્યક્તિ માટે ટ્રેનમાં ચઢી સ્થાન મેળવવું તથા લગેજ ચઢાવવો અતિમુશ્કેલ કાર્ય છે. આ અનુભવ બાદ દિવ્યાંગો માટે દેશભરમાં ખાસ સુવિધા ઊભી થાય તે માટે ખાસ અભિયાનમાં જોડાયો છે.

વડાપ્રધાન મોદીને સ્પર્શ શાહનો પત્ર – તમામ સ્થળોને દિવ્યાંગો માટે ઉપયોગી બનાવો
સ્પર્શે જણાવ્યું હતું કે, ભારત એક મહાન દેશ છે. તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખૂબ પ્રભાવિત છે. અભ્યાસ દરમિયાન રોલ મોડલને લખવાના થતા પત્રમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં વિશ્વના અન્ય દેશોની માફક ભારતમાં પણ દિવ્યાંગો માટે તમામ સ્થળે જવું શકય બને તથા તે સ્થળનો ઉપયોગ કરવો શકય બને તે મુજબની સુવિધા વિકસાવવા અપીલ કરી છે. ઉપરાંત એક અભિયાનમાં જોડાયા બાદ તમામ દિવ્યાંગો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ બને તે માટે વિશ્વમાં આ પ્રકારની સુવિધા નહિ હોય તેવા સ્થળોના ફોટા સાઇટ પર અપલોડ કરવાની ઝુંબેશ શરૃ કરી છે.

સામાન્ય જર્ક લાગે તો પણ સ્પર્શના શરીરમાં ફ્રેકચર થઇ જાય છે
સ્પર્શના પિતા હિરેન શાહે જણાવ્યું હતું કે, સ્પર્શના જન્મ સમયે જ તેને શરીરમાં ૩૫ ફ્રેકચર હોવાનું જણાવ્યું હતું, જેને છ મહિના કાચની પેટીમાં રાખવો પડયો હતો. તબીબોએ સ્પર્શનું જીવન બે દિવસ હોવાનું જણાવી દીધું હતું. જો કે, ડોકટરોનું તારણ ખોટું પડયું છે. સ્પર્શને ઓસ્ટિયો જીનેસીસ એવી બ્રિટલ બોન્સ નામની બીમારી છે, જેને કારણે તેના હાડકા ખૂબ જ નાજુક છે. સામાન્ય જર્ક કે ઝાટકો લાગે તો પણ તેને શરીરમાં ફ્રેકચર થઇ જાય છે. અત્યાર સુધીમાં તેને ૧૩૫થી વધુ ફ્રેકચર્સ થઇ ચૂકયા છે. તેના પર છ જટિલ સર્જરી કરવામાં આવી છે. વિવિધ સર્જરી દરમિયાન તેના શરીરમાં કુલ ૨૨ સ્ક્રૂ અને આઠ રોડ ( સળિયા) ફીટ કરાયા છે.

કઇ કઇ સિદ્ધિઓ

  •  ૧૪ વર્ષની ઉંમરમાં આઠ વર્ષના ક્લસિકલ સંગીતના અભ્યાસ બાદ ગાયક, ગીતકાર, રેપર (ઝડપી ગીત ગાયક), મોટીવેશનલ સ્પીકર તરીકેની ખ્યાતિ.
  •  ૨૭ ગીત તૈયાર કયા, દુનિયાભરમાં ૧૦૦થી વધુ લાઇવ પર્ફોમન્સ શો
  • ગુગલ – યુ.એન.માં પ્રવચન, ટેડ ટોક શો,વોઇસ ઓફ ન્યૂયોર્ક સહિતના સંખ્યાબંધ એવોર્ડ મેળવ્યા
  •  યુ ટયૂબ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં લાખો ફોલોઅર્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન