Gujarati Film Baloooon Will Release On 14th December
  • Home
  • Entertainment
  • ‘હવામાં’ ઉડતા છોકરાનો ફૂગ્ગો ફોડશે છોકરી, ગુજરાતી ફિલ્મ ‘બલૂન’ વિશે જાણો આ ખાસ વાતો

‘હવામાં’ ઉડતા છોકરાનો ફૂગ્ગો ફોડશે છોકરી, ગુજરાતી ફિલ્મ ‘બલૂન’ વિશે જાણો આ ખાસ વાતો

 | 6:56 pm IST

14 ડીસેમ્બરથી સિનેમાઘરોમાં રીલીઝ થઈ રહેલી ફિલ્મ ‘બલૂન’ની સ્ટારકાસ્ટે સંદેશ ન્યૂઝની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફિલ્મની સ્ટારકાસ્ટે ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાતો કરી હતી. ફિલ્મનાં મુખ્ય અભિનેતા નવજોત સિંહ ચૌહાણ અને અભિનેત્રી આરતી રાજપુતે ફિલ્મ વિશે અને ફિલ્મ કરવાના અનુભવ વિશે વાત કરી હતી. આ ફિલ્મ રૉમેન્ટિક, ડ્રામા અને ફેમિલી કૉમેડી છે. ફિલ્મમાં પ્રશાંત બારોટ, ભાવિની જાની, સ્વાતિ દવે જેવા કલાકારો પણ છે.

ફિલ્મ એક લર્નર સિંગર પર આધારિત 

ફિલ્મ વિશે વાત કરતા અભિનેતા નવજોત સિંહ ચૌહાણે જણાવ્યું કે, “આ ફિલ્મ મલ્હાર નામના છોકરા પર છે, જેનુ પાત્ર હું ભજવી રહ્યો છું. મલ્હાર સાફ દિલનો છોકરો છે, પરંતુ તે અદ્ભુત સિંગર હોય તેવુ પોતે માનતો હોય છે. તેની ગાયકી આગળ બીજુ કોઇ જ નહીં તેમ માનીને તે હવામાં રહેતો હોય છે. જો કે વાસ્તવિકતામાં તેની ગાયકી એટલી ખાસ નથી.” ફિલ્મનાં રાઇટર, ડિરેક્ટર અને એડિટર રશેશ દેસાઈએ કહ્યું કે, “ફિલ્મ એક લર્નર સિંગર પર આધારિત છે. ફિલ્મમાં મલ્હારની અંદર ભરાયેલી ખોટી હવાને શિક્ષિકાનું પાત્ર ભજવી રહેલી આરતી રાજપુત પોતાની ફિલોસોફીથી નીકાળી દે છે. આ ફિલ્મ દર્શકોને ઘણી જ પસંદ આવશે. હું જ્યારે પ્રતિભાવાન લોકોને કૉન્ફિડન્સનાં અભાવે અસફળ થતા જોવું છું ત્યારે દુ:ખ થાય છે. આ ફિલ્મ પણ એક ખાસ મેસેજ આપે છે. ફિલ્મમાં ફિલ્મનાં અભિનેતાની અંદર ખોટી હવા ભરાયેલી હોવાના કારણે ફિલ્મનું નામ બલૂન રાખવામાં આવ્યું છે.”

ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ થયું છે અમદાવાદમાં

ફિલ્મનું શૂટિંગ અમદાવાદ, અમીયાપુરા, ભુજ અને ધોરડો જેવા સ્થળોએ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં શિક્ષિકા પ્રજ્ઞાનું પાત્ર ભજવી રહેલી આરતી રાજપુત આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે. આરતી રાજપુતે આ પહેલા ઘણી એડ ફિલ્મ્સ અને શૉર્ટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તો નવજોત સિંહ ચૌહાણ આ પહેલા ‘હાર્દિક અભિનંદન’ ફિલ્મમાં જોવા મળી ચુક્યા છે. આ ઉપરાંત તેમણે ‘વીરા’ અને ‘તુજસે નારાઝ નહીં જિંદગી…’ જેવી સીરીયલ્સમાં પણ કામ કર્યું છે.

ફિલ્મનાં ટ્રેલરને દર્શકોએ કર્યું છે પસંદ

ટ્રેલર પરથી આ ફિલ્મનું મ્યૂઝિક ઘણું જ સારું લાગી રહ્યું છે. તો ફિલ્મનાં ગીતો પણ દર્શકોને ગમે તેવા છે. ફિલ્મનાં પ્રોડ્યુસર રેહાન ચૌધરીનાં કહ્યા પ્રમાણે, “આ ફિલ્મ દર્શકોને પસંદ પડશે. ફિલ્મ ફેમિલી સાથે બેસીને જોઈ શકાય તેવી છે અને એક સુંદર મેસેજ આપે છે. ફિલ્મમાં બાપ-દીકરાનાં સંબંધને પણ વણી લેવામાં આવ્યો છે.”