પિતૃસાધના અને નિવારણ માટે શ્રેષ્ઠ ચૈત્ર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • પિતૃસાધના અને નિવારણ માટે શ્રેષ્ઠ ચૈત્ર

પિતૃસાધના અને નિવારણ માટે શ્રેષ્ઠ ચૈત્ર

 | 4:01 am IST

આપણી ભારતીય સંસ્કૃતિમાં પિતૃના નામથી કોઈ અજાણ નથી. પૂર્વજ, વિતર, સૂરધન, સતીમાના વિવિધ નામોથી આપણે ઓળખીએ છીએ, આપણા સમાજમાં અત્યંત શ્રદ્ધા અને વિશ્વાસથી આપણા પૂર્વજો અને દિવંગત માતા-પિતાના સ્મરણ કરી શ્રાદ્ધપક્ષમાં તર્પણ, પિંડદાન, યજ્ઞા અને ભોજનનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. વર્ષમાં કારતક, ચૈત્ર અને ભાદરવામાં શ્રાદ્ધ પર્વનું પિતૃપર્વનું ખૂબ મહાત્મય છે.

ચૈત્રના સમયમાં ગયા, ગંગા, યમુના, ક્ષિપ્રા, નર્મદા, પ્રયાસ, કાશી, પુષ્કર, કુરુક્ષેત્ર જઈ અથવા કોઈપણ નદી કિનારે જઈ શ્રાધ્ધ- કર્મ કરવાની પ્રથા છે. જે નથી જઈ શક્તા તેઓ પોતાનાં ઘરમાં વિધિવત્ પૂર્વજોને અર્ધ્ય આપી તર્પણ કરે છે. ભોજન આપે છે, યજ્ઞા કરે છે અને પોતાની ક્ષમતા અનુસાર બ્રાહ્મણ ભોજન કરાવડાવે છે.

શ્રીમદ્ ભાગવત ગીતામાં લખ્યું છે કે- મનુષ્યને પોતાનાં પૂર્વજન્મોની વાતનું સ્મરણ રહે છે. પરકાયા પ્રવેશ પણ આનો સિદ્ધિ સાક્ષાત્કાર છે. ઘરના વડીલો દ્વારા જે સારા કામ કરવામાં  આવે અને જે ખરાબ કામ કરવામાં આવે છે તેનું ફળ તેમના પછી તેમના પરિવારના સભ્યોએ ભોગવવું પડે છે. વિશેષ કરીને સંતાનોએ ભોગવવું પડે છે. આ ફળ સારું પણ હોઈ શકે છે અને ખરાબ પણ. પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ, મતભેદ જોવા મળશે. આનું મૂળ પરિવારના વડીલોએ કરેલાં કર્મો છે.

આ પ્રકારના દુષ્પરિણામોને જયોતિષ શાસ્ત્રોમાં ‘પિતૃદોષ’ના નામે ઓળખવામાં આવે છે. આ પિતૃદોષ કોઈ પૂર્વજ દ્વારા મર્યાદાભંગ કરવાથી થાય છે. આના કારણે જાતકને આર્િથક સંકટ, વિવિધ કામમાં બાધા, લગ્નમાં રુકાવટ, પરિવારમાં ઝઘડા, અપમાન, અપયશ, દોષારોપણ, પરિવારમાં સભ્યોનું વારેવારે બીમાર થવું. આવક ન થવી. વ્યાપાર ધંધામાં નુકસાન થવું, નોકરીમાં મુશ્કેલી વધવી વગેરે દોષો જોવા મળે છે. આ પિતૃદોષના કારણે ઘરનાં સભ્યોને  સ્વપ્નમાં સાપ, નાગ પણ દેખાય છે.

પિતૃદોષોમાં છ રૂપથી ઓળખવામાં આવે છે. (૧) ગોત્રદોષ, (૨) કુલદેવી દોષ (૩) ડાકિની-શાકિની દોષ (૪) પ્રેતદોષ (૫) ક્ષેત્રપાલ દોષ (૬) વૈતાલ દોષ.

હવે આપણે જાણીએ કે, શું બધા લોકો પિતૃદોષથી તકલીફમાં છે કે ખાલી કેટલાક જ લોકો? આ પ્રકારના પ્રશ્નના જવાબમાં જાતકની જન્મકુંડળી જોઈને જવાબ મળી જાય છે. આ ઉપરાંત પ્રશ્નકુંડળી, મૃત્યુકુંડલી તથા પદ્મચક્રનાં માધ્યમથી પણ પિતૃદોષ છે કે નહીં તે જાણી શકાય છે. મુખ્યત્વે  જન્મકુંડળી જોઈને પિતૃદોષનો નિર્ણય કરવામાં આવે છે.

સૂર્ય આત્મા તેમજ પિતાનો ગ્રહ છે. ચંદ્ર મન તથા માતાનો ગ્રહ છે. જ્યારે સૂર્ય-રાહુની સાથે હોય ત્યારે ‘ગ્રહણયોગ’ થાય છે. સૂર્યનું ગ્રહણ એટલે પિતા. આત્માનું ગ્રહણ થયું. આ સૂર્ય+રાહુની યુતિ પિતૃદોષનું નિર્માણ કરે છે. સૂર્ય અને ચંદ્ર અલગ-અલગ તથા રાહુ-કેતુની યુતિમાં હોય તો પિતૃદોષ કહે છે. શનિ સૂર્યપુત્ર છે અને શત્રુ પણ છે. માટે શનિની સૂર્ય ઉપર દૃષ્ટિ ‘પિતૃદોષ ઉત્પન્ન કરે છે. આ પિતૃદોષના કારણે જાતકે આધિ-વ્યાધિ અને ઉપાધિ ત્રણેય પ્રકારની પીડાઓથી કષ્ટ ઉઠાવવું પડે છે. દરેક કામમાં અડચણ આવે છે. કોઈપણ કામ સીધી રીતે પાર નથી પડતું. બીજાની નજરમાં જાતક સુખી હોય છે, પરંતુ આંતરિક રૂપથી દુઃખી થઈ જાય છે. જીવનમાં કષ્ટ ભોગવે છે.

ઉ.દા. સ્વરૂપ નીચેની કુંડલીમાં જાતક ૧૯૭૯માં જન્મયા છે. તે જોઈને વાચકોને સ્પષ્ટ રૂપથી આ ‘પિતૃદોષ’ની સમજ પડશે.

આ કુંડળીમાં સૂર્ય ઉપર શનિની દૃષ્ટિ, ૮માં પિતૃ, પૂર્વજ ભાવથી પરિવાર સ્થાન ઉપર દૃષ્ટિ પરિવારમાં ઝઘડા, દરેક કાર્યમાં તકલીફ, અપમાન, અપયશ અને આર્િથક તકલીફો આવી છે. હાલમાં પણ ચાલુ જ છે. સૂ+કે=ગ્રહણ દોષ, પિતૃદોષને પ્રબળ બનાવે છે. પરિવારથી અલગાવ દર્શાવે છે. શ+રા=શ્રાપિત દોષ ૮માં સ્થાનમાં પિતૃના શ્રાપથી પાંચમી પેઢીના પૂર્વજ દ્વારા કરાયેલું દુષ્કર્મોનું પરિણામ આખો પરિવાર ભોગવી રહ્યો છે. નિષ્ણાતોને આ જોઈ વધારે અધ્યયન કરવા મળશે. કુળદેવીની કૃપાથી આ જાતક થોડોક ટકેલો છે, પરંતુ પિતૃદોષથી ગ્રસિત આ જાતક પાસે પિતૃના મહિનામાં પૂર્વજોનો અભ્યાસ થાય છે. અત્યાર સુધીમાં આ જાતકે પૂર્વજો અને કુળના દોષો દૂર કરવા પ્રયત્ન કર્યા તે સમયે અમુક સમય સુધી પરિવારમાં શાંતિ રહી, પરંતુ આ દોષો જન્મકુંડળીમાં હોવાથી જીવનભર સાથે રહેશે, ઉપાય કરવાથી થોડાક સમયની શાંતિ મળે. તે ન્યાયે આ જાતક દર વર્ષે પિતૃનાં ઉપાયો કરે તો શાંતિ મળશે અને કાર્યમાં વિઘ્ન આવે તો દૂર થશે. અત્યારે ૬ વર્ષમાં આ ઉપાયોથી આ જાતકને રાહત થઈ છે.

પિતૃદોષ નિવારણ માટે *ૐ સર્વપિતૃ મનોકામના સિદ્ધ કુરુ-કુરુ સ્વાહા ૐ ।।* મંત્ર બોલી તાંબાના લોટામાં પીપળાના વૃક્ષને પાણી ચઢાવવું. પ્રદક્ષિણા કરવી. દીવો કરવો, પિતૃૃ-સ્તવન અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો.

આપણા સમાજમાં આપણે જોઈએ છીએ કે, આના લગ્ન નથી થતા? નોકરી નથી મળતી? વગેરે પ્રશ્નો મહત્ત્વના છે. સંતાન સંબંધિત પ્રશ્નો પણ છે. તો તેના વિશે સમજ આપુ તો- કુંડળીના ચતુર્થ, નવમા ભાવ અને દશમા ભાવમાં રાહુ-ગુરુથી બનેલો ચાંડાલદોષ ખૂબ કષ્ટદાયક હોય છે. આઠમા અને ૧૨મા ભાવમાં રહેલો ગુરુ પ્રેતાત્માથી પિતૃદોષ કરે છે. આ ભાવમાં રાહુ અને બુધની યુતિ હોય તો અને ૭, ૮ માં સ્થાનમાં રાહુ+શુક્રની યુતિ હોય તો પણ પૂર્વજોના દોષના લીધે જ પિતૃદોષ થાય છે. જો શુક્ર+રાહુ ૧૨મા ભાવમાં હોય તો પિતૃદોષનું કારણ સ્ત્રી જાતક હોય છે.

જો કુંડળીમાં અષ્ટમેશ રાહુના નક્ષત્રમાં અને રાહુ અષ્ટમેશના નક્ષત્રના સ્થિત હોય તો અને લગ્નેશ નિર્બળ હોય તો જાતક પિતૃદોષ તેમજ ભૂત-પ્રેત વગેરેથી પ્રભાવિત થાય છે, તેની અસર હેઠળ આવે છે.

જો જાતકનો જન્મ સૂર્ય-ચંદ્ર ગ્રહણમાં હોય અને બનનારા ગ્રહણનો સંબંધ જાતકના લગ્ન, ૬,૮ ભાવમાં બને તો આવા જાતકોને પિતૃદોષ, ભૂત-પ્રેત તથા અતૃપ્ત આત્માઓના પ્રભાવથી પીડિત રહે છે. તેમને મીરગી, હિસ્ટીરીયાના દોરા પડે છે. આ વાત ૧૯૨૦ અને શાપિતથી વધારે સમજાઈ શકશે.

જો લગ્નેશ જન્મકુંડળીમાં અથવા નવમાશ કુંડળીમાં પોતાની નીચ રાશિમાં હોય તો અને રાહુ+શનિ+મંગલના પ્રભાવથી મુક્ત હોય તો જાતક પિતૃદોષ તેમજ અતૃપ્ત આત્માઓનો શિકાર થાય છે. ફિલ્મ જાની દુશ્મન, ૧૯૨૦, જોઈ લેવી વધારે સમજાઈ જશે.

જો જન્મકુંડળીમાં અષ્ટમેશ પાંચમાં ભાવમાં અને પંચમેશ અષ્ટભાવમાં સ્થિત હોય તો અને ચતુર્ષેશ છઠ્ઠા ભાવમાં સ્થિત હોય તો અને લગ્ન તથા લગ્નેશ પાપકર્તરિયોગમાં સ્થિત હોય તો જાતક માતૃશાપ તેમજ અતૃપ્ત આત્માઓથી પ્રભાવિત થાય છે.

રાહુ અથવા કેતુ સાતમા સ્થાનમાં હોય તો પિશાચબાધા બને છે.

આ બધા શ્રાપોના નિવારણ માટેના ઉપાયો પણ છે, પરંતુ જે દોષ હોય તેનો ઉપાય તે દવા દ્વારા કે ઉપાય દ્વારા જ કરવો. નહીંતર કરેલું નિવારણ કોઈ જ કામનું નથી. તેવું જ આ દોષોમાં પણ છે. કાલસર્પની વિધિ વિધાન કરાવવાથી પિતૃદોષ દૂર ન થાય કે ગ્રહદોષ દૂર ન થાય તેમ પિતૃશાંતિ કરાવવાથી કુંડળીના સર્વદોષો શમન ન થાય, પરંતુ ૮૦% એ એવી દવા છે જેનાથી રાહત થઈ જાય છે. પિતૃદોષોમાં કયા પ્રકારનો દોષ છે તે જાણ્યા બાદ તેનું નિવારણ અને ઉપાય કરાવવાથી ફાયદો થાય છે.

આ ચૈત્રવદમાં આપ આ ઉપાયો કરી સુખ પામો તેવી આશાએ આ લખવા પ્રેરાઈ છું.

માતૃશાપમાં ૧ લાખ ગાયત્રી મંત્ર જપીને નદીમાં સ્નાન કરવું. ગ્રહોનું દાન કરવું અને ચાંદીના પાત્રમાં દૂધનું દાન કરવું. બ્રાહ્મણોને યથાશક્તિ ભોજન કરાવવું તથા પીપળાના વૃક્ષના ૨૮૦૦૦ પ્રદક્ષિણા કરવી. આવું કરવાથી શ્રાપમાંથી મુક્તિ મળે છે. (નોંધ-જાતે જ કરવું) આ લખવામાં ઘણાં વાચકોએ વિદ્વાનોની વિદ્વતા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો. તેથી જાતકો જે જાતે જ કર્મ કરે તેનાથી તેમનું ફળ તેઓ પ્રાપ્ત કરી શકે. નહિ તો વિદ્વાન બ્રાહ્મણ પાસે વિધાન કરાવવું.

જે ગ્રહથી પ્રેત શ્રાપદોષ બને છે અને કષ્ટ ભોગવવા પડે છે. તેની મુક્તિ માટે ગયામાં શ્રાધ્ધ કરાવવાનું વિધાન છે અથવા રુદ્રાભિષેક કરી બ્રહ્માની ચાંદીની મૂર્તિ દાન આપવી જોઈએ. ગૌદાન, ચાંદીના પાત્રમાં નીલમનું દાન કરવું જોઈએ. આવું કરવાથી પ્રેતશાપમાંથી મુક્તિ મળે છે અને કુળની વૃદ્ધિ થાય છે. (જાતે કરવાનાં ઉપાય)

આનો ઉદાહરણ સહિત ઉત્તર આપું તો, મૃત્યુ પછી આપણો અને મૃતાત્માનો સંબંધ વિચ્છેદ ફક્ત શારીરિક રૂપથી હોય છે. આત્મિક સ્તર ઉપર નહીં. આપણી પાસે સ્થૂળ શરીર છે જેનો ઉપયોગ, આપણા માટે તેમજ આપણા આત્માના કલ્યાણ માટે ઉપયોગ કરીએ છીએ. આપણે મૃતાત્માની શાંતિ માટે વિદ્યાનોએ નિર્ધારિત કરેલાં વિધિ વિધાનોને પૂર્ણ કરી, તર્પણ દાન કરી તેમને નીચલા સ્તરની યોનિમાંથી કાઢીને પિતૃવર્ગમાં લઈ જઈ શકીએ છીએ. જ્યાં તેઓ ઊંચું સ્તર અને શ્રેષ્ઠતા પામે છે. તે પોતે પણ સંતોષ પામે છે તેથી આપણને પણ સહાય કરે છે અને તેમને મળેલી શક્તિઓનો ઉપયોગ તે પિતૃઓ આપણી મનોકામનાઓ પૂર્ણ કરવામાં અને આશીર્વાદ આપવામાં કરે છે જેથી આપણું જીવન સારું

બદલાતા સમયમાં આ સગવડિયા ધર્મના કારણે પરંપરાઓને બદલતાં લગ્નવિચ્છેદ, સંતાનપ્રાપ્તિમાં અવરોધ, કુટુંબમાં વિખવાદ વધતા જઈ રહ્યા છે. જેનું પ્રમાણ કદાચ કહેવાતા શિક્ષિત હોવાને કારણે ઘટવું જોઈએ. આગળ વધો, પરંતુ પોતાના મૂળને મજબૂત કરી આગળ વધશો તો વધુ સારું રહેશે. ગરૂડપુરાણમાં કહ્યું છે કે- શ્રાધ્ધ કર્મમાં સંતુષ્ટ થઈ પિતૃઓ મનુષ્યો માટે આયુ, પુત્રયશ, પ્રસિધ્ધિ, વૈભવ, પશુ, સુખ, ધન તથા ધાન્ય આપે છે.

સર્વ માટે નીચેના મંત્રો જણાવું છું. જેનાથી ચૈત્રમાં વદ પક્ષમાં આ મંત્રોનો જાપ કરી પિતૃને થોડીક શાંતિ આપી શકશો.

મંત્ર- ।। ૐ કીં કલીં એં સર્વપિતૃભ્યો સ્વાત્મય સિધ્ધએ ૐ ફટ ।।

આ મંત્રની શ્રાધ્ધ પક્ષમાં ૨૧ માળા કરવી અથવા ૧ દિવસમાં જ ૨૧ માળા કરવી. ત્યારબાદ શિવમંદિર જઈ ઉચિત દક્ષિણા ફળ, પુષ્પ સાથે યંત્ર, માળા, સર્મિપત કરવી અથવા જળાશયમાં પધરાવવી. માતા-પિતા તેમના સંતાનો માટે જે કરે છે તેનું મૂલ્યાંકન કરવું અસંભવ છે. તેમનો પ્રેમ, સમર્પણ અતુલનીય છે. તેની માનવીય મર્યાદામાં શ્રાધ્ધકર્મં કરવું આવશ્યક છે. પિતૃપક્ષમાં તેમનું સ્મરણ કરી પૂજા અર્ચના કરવી આપણી સાંસ્કૃતિક પરંપરા છે. જેનાથી આપણને સંતોષ થાય છે. માટે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે-

તર્પણન્તુ શુચિઃ દુર્યાત્ પ્રત્યહં સ્નાતકો દ્વિજઃ ।

દેવેભ્યશ્ય ઋષિભ્યશ્ચે પિતૃભ્યશ્ય યથાક્રમમ્ઃ ।।

ખૂબ જ શ્રદ્ધાથી દેવ, ઋષિ તેમજ પિતૃનું તર્પણ કરવું જોઈએ. માતા-પિતા વગેરેનું નામ લઈ અને ગૌત્રનું ઉચ્ચારણ કરી મંત્રો દ્વારા જે અન્ન વગેરે અર્પણ કરવામાં આવે છે, તે તેમને પ્રાપ્ત થઈ જાય છે. જો તેઓ ગાંધર્વલોકમાં હશે તો ભાગ્યરૂપમાં, પશુયોનિમાં ઘાસ સ્વરૂપે, સર્પયોનિમાં વાયુસ્વરૂપે, દાનવયોનિમાં માંસ-મદિરા સ્વરૂપે પ્રાપ્ત થઈ જશે તથા પ્રેતયોનિમાં લોહી સ્વરૂપે અને મનુષ્ય યોનિમાં હશે તો અન્ન વગેરે રૂપમાં મળી જશે.

આપ વાચકો આ ચૈત્ર કૃષ્ણ પક્ષમાં આપના પિતૃઓને શાતા આપો જેથી આપની ઘણી બધી મુશ્કેલીમાં તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી બહાર નીકળી જશો. સર્વપ્રકારે સુખ-શાંતિ પામો તેવી અપેક્ષા સહ વિરમું છું.

‘ૐ પિતૃદેવતાભ્યો નમઃ’

– મૌલી રાવલ