Gujarat's reputed voluntary organizations, think of others
  • Home
  • Columnist
  • ગુજરાતની પ્રથિતયશ સ્વૈચ્છિક સંસ્થાઓ, બીજાનો વિચાર કરો

ગુજરાતની પ્રથિતયશ સ્વૈચ્છિક સંસ્થાઓ, બીજાનો વિચાર કરો

 | 7:12 am IST
  • Share

  • સમાજ સેવા: પોતાના જ હિતનો વિચાર તો સહુ કરે. સાચો માનવ એ છે કે જે સામેનાનો વિચાર પણ કરે

  • સામાન્ય રીતે વ્યક્તિ શિક્ષણ, ધન કે પદ પ્રાપ્ત કરે એટલે ગુમાનમાં આવી જાય છે. અન્યનો વિચાર કરવાને બદલે સ્વાર્થી થઈ જાય છે.

એક વાર સ્વાતંત્ર્યના ઉષઃકાળમાં નેહરુને પોતાના કોઈ પગલાં વિષે શંકા પડતા તેમણે ગાંધીજીને પૂછયું, ગાંધીજીએ ઉત્તર આપ્યો, ‘હું તમને એક તાવીજ આપું છું. તમને જ્યારે તમારા કૃત્ય વિષે શંકા પડે અને સ્વાર્થ બહુ વધી જાય ત્યારે આ કસોટી કરજો. તમે જોયેલ સહુથી નબળા અને ગરીબ માણસને યાદ કરજો અને પછી તમારી જાતને પૂછજો કે તમે જે પગલું લેવાના છો તેનાથી પેલાને કોઈ ફાયદો થશે? તેને આનાથી કંઈક મળશે? આ પગલાંથી તેની જિંદગી અને ભાવિ પર તેનું નિયંત્રણ પુનઃસ્થાપિત થશે? બીજા શબ્દોમાં શું કરોડો ભૂખ્યા અને માત્ર લૌકિક કક્ષાએ જીવતા લોકોને સ્વરાજ તરફ લઈ જઈ શકાશે? જો આમ હોય તો તમારી શંકા અને અહં ઓગળી જશે.  

સામાન્ય રીતે વ્યક્તિ શિક્ષણ, ધન કે પદ પ્રાપ્ત કરે એટલે ગુમાનમાં આવી જાય છે. ‘સાલા મેં તો સાહબ બન ગયા’ની ભાવના આવી જાય છે અને અન્યનો વિચાર કરવાને બદલે પોતાના સ્વાર્થનો જ વિચાર કરે છે. તે અન્ય સાથે સ્પર્ધા કરી અન્ય કરતાં આગળ નીકળી જવામાં ગૌરવ અનુભવે છે. અત્યારે આવું બહુ ચાલે છે. જો વર્તમાન પત્ર વાંચો કે ટીવીના સમાચારો જુઓ તો તુમુલ સ્પર્ધા, ધનિક લોકોનું સન્માન, બીજાને પાડી દઈ આગળ આવનારનાં વખાણ, ચોરી, લૂંટ, મારામારી વધુ જોવા મળે છે.

જ્યારે પરસ્પરને મદદ, સહકાર, સામંજસ્ય અનુકંપા વગેરે સમાચારો જોવા મળતા નથી. પરંતુ તે તો આપણી સમાચારોની વ્યાખ્યા જ એવી છે. કૂતરું માણસને કરડે તો તે સમાચાર નથી બનતા, પરંતુ માણસ કૂતરાને કરડે તો તે સમાચાર બને છે, આમ સ્વાભાવિક રીતે જે ચાલે છે તેની નોંધ બહુ લેવાતી નથી, આથી છાપું વાંચવાથી આપણે જગત બગડી ગયું છે તેવું તારણ કાઢીએ છીએ. લ્હાસા કરીને શહેરમાં અને શિક્ષિત લોકોમાં આવી ભાવના વધુ પ્રબળ બનતી જાય છે.  

પરંતુ ગુજરાત તો મહાજન સંસ્કૃતિવાળો પ્રદેશ છે. અહીંના મહાજનો જાણતા હતા કે તેમની સમૃદ્ધિ સામાન્ય લોકો થકી છે, આથી જરૂરતમંદ લોકોને આપવામાં પાછીપાની નહોતા કરતા. ભલે આ વૃત્તિ જીવદયાથી પ્રેરાઈ હોય, પરંતુ સંકટના સમયમાં મદદ કરવી તે ધર્માદો ગણાતો. તમારા પ્રોફેશનની સ્પર્ધામાંથી બહાર નીકળી જોશો તો તમને આવી મદદની પ્રવૃત્તિઓ અનેક દેખાઈ આવશે. આપણો સમાજ આવી પરમાર્થની પ્રવૃત્તિઓથી ભરપૂર છે. હા, તે જોવાની દૃષ્ટિ જોઈએ. અમદાવાદના જાણીતા તબીબ ડો. ભરત ભગતમાં આવી દૃષ્ટિ છે.

તેમણે શોધીને લગભગ 150 વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરીને જરૂરતમંદ લોકોને મદદ કરનાર સંસ્થાઓની મુલાકાત લઈને આવી 150 સંસ્થાઓ વિષે લખી ત્રણ પુસ્તકો પ્રસિદ્ધ કર્યા. આ વાતને તો થોડો સમય વીતી ગયો, પણ તાજેતરમાં ભાવનગરની શિશુવિહાર સંસ્થાએ ગુજરાતભરની આવા કામો કરનાર 75 સંસ્થાઓનું સન્માન કર્યું. જે પુસ્તિકા બહાર પડી તેનું શીર્ષક છે ‘સુરાજ્યની પ્રતીતિ આપતી સન્માનનીય સેવા સંસ્થા પરિચય’. અલબત્ત, અહીં યાદ રાખવું જોઈએ કે ગુજરાતમાં આવી માત્ર 75 સંસ્થાઓ જ નથી. આ તો માત્ર સન્માન માટે પસંદ કરવામાં આવેલી સંસ્થાઓ છે.

તે સિવાય ગુજરાતમાં આવી 15,000 સક્રિય રીતે કામ કરતી સંસ્થાઓ છે. તેમાં ઢોરવાડા ચલાવનાર, રક્તપિત્ત માટે સંસ્થા ચલાવનાર, માનસિક અક્ષમ લોકો માટે સંસ્થા ચલાવનાર, પક્ષીને ચણ નાખનાર, પ્રાણીઓની સારવાર કરનાર, સર્પ-મગર પકડીને બચાવનાર, પર્યાવરણની રક્ષા કરનાર, અનાથાશ્રામ ચલાવનાર, મહિલા ગૃહ ચલાવનાર, વૃદ્ધાશ્રામ ચલાવનાર, શાળા છોડી જનાર બાળકો માટે ખાસ સંસ્થા ચલાવનાર, વનોની રક્ષા કરનાર, વૃક્ષો વાવનાર, ભૂગર્ભ જળ અને જળ વ્યવસ્થાપન કરનાર, શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન આપનાર, દિવ્યાંગો (બહેરા, મૂંગા, અંધ, અપંગ, વગેરે) માટે સંસ્થાઓ ચલાવનાર, મહિલાઓને રક્ષણ આપી સક્ષમ બનાવનાર, કુદરતી ખેતીને પ્રસારિત કરનાર, આદિવાસીઓને સક્ષમ બનાવનાર, દલિતોને સક્ષમ બનાવનાર, વિવિધ તબીબી સેવાઓ (સામાન્ય, નેત્ર, દવા, રક્ત, માનસિક આરોગ્ય, કેન્સર, હૃદય, કુદરતી ઉપચાર વગેરે) મફ્ત શિક્ષણ આપનાર, વગેરે ન ગણી શકાય તેવી અને તેટલી પ્રવૃત્તિઓ કરનાર સંસ્થાઓ ગુજરાતમાં છે. ખાસ વાત એ છે કે આ તમામ પ્રવૃત્તિઓ વ્યવસાયિક રીતે અને નફે રળવાની રીતે થતા આવ્યા છે. પરંતુ આ બધી સંસ્થાઓ ખાસ કરીને ગરીબ લોકો માટે અને પછાત વિસ્તારો માટે મફ્ત સેવા પૂરી પાડે છે. કેટલીક સંસ્થાઓ નજીવી સરકારી મદદ મેળવે છે, પરંતુ મોટાભાગની સંસ્થાઓ ધર્માદાથી ચાલે છે. આપણા સમાજમાં મહાજનો આવી સંસ્થાઓને ટકાવી રાખે છે. આ રીતે જોઈએ તો જે લોકોને આવી સેવાઓ પોસાઈ ન શકે તેવા લોકોને નિઃશુલ્ક રીતે આ સંસ્થાઓ સેવા પૂરી પાડે છે.  

સવાલ એ થાય છે કે આવી સંસ્થાઓ ચલાવનારને કોણે કહ્યું હશે કે નફકારક ધંધા છોડીને આવી સેવા પ્રવૃત્તિઓમાં પડજો? ભાવનગરના શિશુવિહારમાં જેમનું સન્માન થયું તેવી કેટલીક સંસ્થાઓને લોકોએ પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું કે, લોકોનાં દુખો જોઈને તેમનું દિલ ચચરી ઊઠતું હતું માટે તેમણે દિલના સુકૂન માટે આવી પ્રવૃત્તિ શરૂ કરી. આમાંના કેટલાક લોકો તો ખૂબ જ ભણેલા અને ખૂબ કમાણી આપતા વ્યવસાયો છોડીને આવું સાદું જીવન અપનાવવા આવ્યા હતા. પરદેશમાં ભણેલા, મોટી પદવીઓ ધરાવનાર સમૃદ્ધ કુટુંબોના નબીરાઓને જ્યારે ગામડાંની અગવડોમાં જીવતા જોયા ત્યારે તેમને સલામ કરવાનું મન થઈ આવ્યું.  

પોતાની જાત ખપાવીને કામ કરનાર લોકો અને સંસ્થાઓનું સન્માન કરનાર શિશુવિહાર સંસ્થાને અને તેના સંચાલક નાનકભાઈને અભિનંદન. મોરારિબાપુ આવી સંસ્થાઓની મદદે સતત ઊભા રહેતા હોય છે તેના મારી પાસે પુરાવા છે. તો વળી પદ્મશ્રી અને જાણીતા કૃષિ વિજ્ઞાની મુનીભાઈ મેહતા પણ આવી સંસ્થાઓની મદદે આવે છે.

અહીં આ 75 સંસ્થાઓનાં નામો નથી આપવા. જેને આ પ્રવૃત્તિઓમાં રસ હોય તેમને શિશુવિહાર તરફ્થી બહાર પાડવામાં આવેલી પુસ્તિકા જોઈ જવી. સવાલ અહીં પૂરો નથી થતો. આ સંસ્થાઓને અનેક પ્રશ્નો છે અને તેને હાથ પકડનાર(હેન્ડ હોલ્ડર)ની જરૂર છે. આ માટે આ સંસ્થાઓએ એક ફેડરેશન સ્થાપી કોઈ નિષ્ણાતોની મદદ લઇ આ પ્રશ્નો હલ કરી શકે તો આવા સમાજોપયોગી કામો વધુ વ્યવસ્થિત રીતે થઇ શકે.  

પોતાના જ હિતનો વિચાર તો સહુ કરે. સાચો માનવ એ છે કે જે સામેનાનો વિચાર પણ કરે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો