લ્યો બોલો ! મોડાસામાં તસ્કરો પોલીસ ચોકીમાંથી પોલીસના કપડાં ઉઠાવી ગયા - Sandesh
  • Home
  • Gujarat
  • લ્યો બોલો ! મોડાસામાં તસ્કરો પોલીસ ચોકીમાંથી પોલીસના કપડાં ઉઠાવી ગયા

લ્યો બોલો ! મોડાસામાં તસ્કરો પોલીસ ચોકીમાંથી પોલીસના કપડાં ઉઠાવી ગયા

 | 10:17 pm IST

પોલીસનું નામ સાંભળીને જ ગુનેગારના પગ થરથરવા માંડે છે. પરંતુ હવે તસ્કરો પોલીસના નાક નીચે ચોરીઓને અંજામ આપી ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. નવાઈ તો ત્યારે ઉઠે જ્યારે પોલીસ ચોકીમાં આવીને તસ્કરો કળા કરી જાય. મોડાસામાં બસ સ્ટેશન નજીક આવેલ લીઓ પોલીસ ચોકીમાં બનેલ ઘટનામાં પોલીસના કપડાં ચોરાવા સાથે પોલીસની આબરૃનું વસ્ત્રાહરણ થયું છે. તસ્કરોએ પોલીસ ચોકીમાં જઈ પોલીસના કપડાં ચોરી લેતાં ખળભળાટ મચી ગયો છે.

gujarat-police

કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેના માથે જવાબદારી છે તે પોલીસ જ હવે સલામત નથી રહી. પોલીસને જોઈ ગુનેગારો રસ્તો બદલી નાખે તેવી ધાક જાણે હવે રહી જ નથી. હવે તો તસ્કરો ચોરી કરવામાં પોલીસને પણ છોડતા નથી. મોડાસામાં બનેલી ચોરીની ઘટનાએ સમગ્ર પોલીસતંત્રને શરમમાં મુકી દીધું છે. ગુરુવારની રાત્રે શહેરના બસ સ્ટેશન નજીક આવેલ લીઓ પોલીસ ચોકીમાં તસ્કરે હાથફેરો કરી લીધો હતો. અને પોલીસના કપડાં ઉઠાવી લીધા હતા. સતત પોલીસની હાજરી રહે છે તેવી જગ્યાએ પણ ચોરીનો બનાવ બનતાં આશ્ચર્ય પેદા થયું છે. સામાન્ય રીતે ગુનેગારો પોલીસચોકી વિસ્તારમાં કોઈ ગુનો કરવાનું પણ ટાળતા હોય છે પરંતુ તસ્કરોએ પોલીસચોકીને જ નિશાન બનાવી પોલીસના કપડા ચોરી લીધા હતા.

gujarat police

રાત્રે ૯ વાગ્યાની આસપાસ બનેલ આ ઘટનાને પગલે પોલીસઆલમમાં ખળભળાટ મચી ગયો છે. કપડાં ચોરાયાની ઘટના પોલીસ માટે ચોરની મા ઘડામાં મોં સંતાડીને રોવે તેવી થઈ છે. કારણ કે પોલીસ ચોકીમાંથી પોલીસના જ કપડાં ચોરાઈ જાય તેવું જાહેર કરવામાં પણ આબરૃના ધજાગરા થઈ જાય. લોકોની રક્ષા કરવાની જવાબદારી જેના માથે છે તે પોલીસ તંત્ર પોતે જ સુરક્ષીત નથી. ત્યારે પ્રજાની સલામતી કેટલી ? પોલીસ ચોકીમાં પોલીસના કપડાં ચોરાયા બાદ પોલીસ સ્ટાફ આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસવા જતાં આ વાત બહાર આવી હતી. જો કે પોલીસના કપડાં ચોરાયાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન