will give hot summer heat, coolness and freshness Gulkand
  • Home
  • Featured
  • કાળઝાળ ગરમીથી બચાવનાર, ઠંડક તથા તાજગી આપશે ગુલકંદ

કાળઝાળ ગરમીથી બચાવનાર, ઠંડક તથા તાજગી આપશે ગુલકંદ

 | 10:50 am IST

આયુર્વેદમાં ગ્રીષ્મ ઋતુની કાળઝાળ ગરમીથી બચાવનારા અને શરીરને ઠંડક તથા તાજગી પહોંચાડતા અનેક ઉપયોગી ષધોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ષધોમાંથી એક ખૂબ જ પ્રસિદ્ધ અને પ્રચલિત ઔષધનું નામ છે ‘ગુલકંદ.’ ગુલાબનાં તાજાં ફૂલોમાંથી આ ગુલકંદ તૈયાર કરવામાં આવે છે. આ વખતે તેના વિશે થોડું જાણીએ.

ગુણધર્મ

આયુર્વેદ પ્રમાણે ગુલકંદ સ્વાદમાં મધુર, કડવો અને તૂરો, શીતળ, પચવામાં હળવો, રુચિકર્તા, રક્તશુદ્ધિકર, હૃદય માટે હિતકારી અને પિત્તનાશક છે. ગુલકંદ દાહ-બળતરા, પિત્તના રોગો, મુખપાક, રક્તવિકાર, ત્વચાના રોગો, તાવ, સોજા, કબજિયાત, માસિકની અધિકતા વગેરેને મટાડનાર છે.

ગુલકંદ બજારમાં તૈયાર મળી રહે છે, પરંતુ ઘરે બનાવેલો ઉત્તમ ગણાય છે. ગુલકંદ ઘરે બનાવવા માટે સાકર અને ગુલાબની તાજી પાંદડીઓ સરખા વજને લાવી, એક કાચની બરણીમાં એ સાકર અને પાંદડીઓના થર ઉપર થર કરી દેવા. આ બરણીને રોજ થોડો સમય તડકામાં મૂકવી. પંદર દિવસે એક વખત મિશ્રણને બરાબર હલાવી લેવું. આ રીતે એક મહિને ઉત્તમ ગુલકંદ તૈયાર થશે.

ઉપયોગ

  • ગરમીને કારણ આંખ લાલ થઈ જવી, આંખોમાં બળતરા થવી, મૂત્રનું પ્રમાણ ખૂબ જ ઘટી જવું, મૂત્ર ત્યાગ વખતે બળતરા થવી, અધિક પરસેવો થવો, ત્વચામાં ખંજવાળ કે બળતરા થવી વગેરે વિકારોમાં ગુલકંદ ઉત્તમ પરિણામ આપે છે. ગરમીની આ તકલીફોમાં સવાર-સાંજ એક કપ દૂધમાં એક ચમચી ગુલકંદ મેળવીને ધીમે ધીમે ચાવીને તેનું સેવન કરવાથી ઘણો લાભ થાય છે.
  • ગુલકંદનું સેવન કરવાથી આંતરિક ગરમી પણ દૂર થાય છે. જે સ્ત્રીઓને માસિક અધિક આવતું હોય અથવા દાહ-બળતરા સાથે આવતું હોય તેમણે ઉપર જણાવ્યું તેમ દૂધ સાથે ગુલકંદનું સેવન કરવું. માસિકની આ તકલીફો દૂર થઈ જશે. ગર્ભવતી સ્ત્રીઓ પણ આ ગુલકંદનું સેવન કરી શકે છે.
  • રોજ સવારે એક ચમચી ગુલકંદનું એક ગ્લાસ પાણી અથવા દૂધમાં શરબત બનાવીને પીવાથી કબજિયાત, અમ્લપિત્ત (એસિડિટી), પિત્તપ્રકોપ, તરસ, સર્વાંગ દાહ વગેરે દૂર થાય છે. આ ઉપચારથી ઉદર, ગર્ભાશય, મૂત્રાશય, મૂળાશય અને શુક્રાશયની વધેલી ગરમીનો પણ નાશ થાય છે.
  • ઓળખીએ ઔષધ ।
  • વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન