ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ - Sandesh

ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ

 | 1:34 am IST

મુહૂર્તશાસ્ત્રમાં તથા કાર્યસિદ્ધિ માટે ઉપયોગી ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ બાબતે પંચાંગના શાસ્ત્રાર્થ વિભાગમાં તેમજ દૈનિક પત્રોમાં અવારનવાર ઉલ્લેખ આવે છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં આ યોગનું વિશેષ મહત્ત્વ છે. અત્રે આપણે ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ અંગે વિગતવાર જાણકારી સરળ ભાષામાં મેળવીએ.

 

આકાશમાં રાશિચક્રની મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન એમ બારેય રાશિઓમાં ચંદ્ર એક ભ્રમણ આશરે ૨૮ (અઠ્ઠાવીસ) દિવસમાં કરે છે. રાશિચક્ર ૩૬૦ અંશનું છે. આ રાશિચક્રમાં ૧૨ રાશિઓ હોવાથી દરેક રાશિ ૩૦ (ત્રીસ) અંશની બને છે. આ રાશિચક્રના કાલ્પનિક રીતે ૨૭ (સત્યાવીસ) સરખા ભાગ પણ કરવામાં આવ્યા છે. આ પ્રત્યેક ભાગ નક્ષત્ર તરીકે ઓળખાય છે. આમ દરેક નક્ષત્ર ૧૩ અંશ અને ૨૦ કળાનું બને છે. એક રાશિમાં સવા બે નક્ષત્ર સમાય છે. ચંદ્ર એક રાશિમાં આશરે સવા બે દિવસ રહે છે. તે હિસાબે ચંદ્ર એક નક્ષત્રમાં આશરે ચોવીસ કલાક રહે છે. પંચાંગની પરિભાષામાં આને ચંદ્ર નક્ષત્ર કે દૈનિક નક્ષત્ર કહે છે. ૨૭ નક્ષત્રનાં નામ :

(૧) અશ્વિની (૨) ભરણી (૩) કૃત્તિકા (૪) રોહિણી (૫) મૃગશીર્ષ (૬) આર્દ્રા (૭) પુનર્વસુ (૮) પુષ્ય (૯) આશ્લેષા (૧૦) મઘા (૧૧) પૂર્વા ફલ્ગુની (૧૨) ઉત્તરા ફલ્ગુની (૧૩) હસ્ત (૧૪) ચિત્રા (૧૫) સ્વાતિ (૧૬) વિશાખા (૧૭) અનુરાધા (૧૮) જ્યેષ્ઠા (૧૯) મૂળ (૨૦) પૂર્વાષાઢા (૨૧) ઉત્તરાષાઢા (૨૨) શ્રવણ (૨૩) ધનિષ્ઠા (૨૪) શતતારા (૨૫) પૂર્વા ભાદ્રપદ (૨૬) ઉત્તરા ભાદ્રપદ (૨૭) રેવતી. ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર હોય તો ગુરુપુષ્યામૃત નામનો ઉત્તમ અમૃતસિદ્ધિ યોગ બને છે. સાદી ભાષામાં કહેવું હોય તો ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ એટલે ગુરુવારે ચંદ્રનું પુષ્ય નક્ષત્રમાં ભ્રમણ હોય તે ચોક્કસ સમયગાળો. પુષ્ય નક્ષત્રનો સમાવેશ કર્ક રાશિમાં થાય છે. આ કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. આમ પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર સ્વગૃહી થતો હોવાથી આપોઆપ શુભત્વ ધારણ કરે છે.

આ દિવસે અગત્યના દસ્તાવેજી કાર્ય, પ્રવાસ, યાત્રા, મોટી નાણાકીય લેવડ-દેવડ, સ્થાવર- જંગમ મિલકત ખરીદી, ઔષધ-ચિકિત્સા કર્મ વગેરે કાર્યો કરવાથી સફ્ળતાના સંજોગો વધુ ઉજળા બને છે. અવરોધ હળવા બને છે. સોનુ-ચાંદી- રત્ન- ઝવેરાતની ખરીદી તથા મંત્રસિદ્ધિ માટે આ યોગનો વિશેષ લાભ મેળવી શકાય. જ્ઞાાનવિજ્ઞાાનના સાધનોની ખરીદી માટે તથા વિદ્યા ઉપાસના માટે ઉત્તમ ગણાય છે.

નાના બાળકોને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર હોય તે દિવસે સુવર્ણપ્રાશન કરાવવામાં આવે છે. ચંદ્ર દર ૨૭ દિવસે પુષ્ય નક્ષત્રમાં આવે છે. પરંતુ સુવર્ણપ્રાશન વિધિની શરૂઆત માટે ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ ખાસ પસંદ કરવામાં આવે છે. અગાઉના વર્ષોમાં જૂના અને હઠીલા દર્દોના ઉપચાર માટે વૈદ્યાચાર્યો અને હકીમો પુષ્ય નક્ષત્રના દિવસને ખાસ પસંદ કરતા હતા. અપવાદ રૂપે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર હોય ત્યારે લગ્ન-વિવાહ (હસ્તમેળાપ)ના મુહૂર્ત માટે નિષેધ (મનાઇ) છે. આમ ચંદ્રનક્ષત્ર પુષ્ય દરમિયાન વિવાહનું મુહૂર્ત આપવામાં આવતું નથી.

ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ ક્યારે આવે છે?

(૧) તા. ૦૯ ઓગસ્ટ ૨૦૧૮ અષાઢ વદ ૧૩, ગુરુવારે મોડી રાત્રે ક. ૨૯-૪૪ ( પરોઢિયે ક. ૦૫-૪૪) થી શુક્રવારના સૂર્યોદય સુધી.

(૨) તા. ૦૬ સપ્ટેમ્બર ૨૦૧૮ શ્રાવણ વદ ૧૧, ગુરુવારે દિવસે ક. ૧૫-૧૪ થી શુક્રવારના સૂર્યોદય સુધી.

(૩) તા. ૦૪ ઓક્ટોબર ૨૦૧૮ ભાદરવા વદ ૧૦, ગુરુવારે સૂર્યોદયથી ક. ૨૦-૪૯ સુધી

બારેય રાશિવાળાએ શું કરવું જોઇએ?

(૧) મેષ રાશિવાળાને ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ ગોચરમાં ચોથા સુખ સ્થાને થતો હોવાથી સુખ સમૃદ્ધિ માટે મહાલક્ષ્મીજીની સ્તુતિ તથા મંગળના મંત્ર કરવા જોઇએ.

(૨) વૃષભ રાશિવાળાને આ યોગ ગોચરમાં ત્રીજા પરાક્રમ સ્થાને થતો હોવાથી કાર્ય સિદ્ધિ માટે કુળદેવી માતાજીની ભક્તિ તથા શુક્રના મંત્ર કરવા જોઇએ.

(૩) મિથુન રાશિવાળાને આ યોગ ગોચરમાં બીજા ધન સ્થાને થતો હોવાથી આર્થિક લાભ માટે મહાલક્ષ્મીજીની સ્તુતિ તથા બુધના મંત્ર કરવા જોઇએ.

(૪) કર્ક રાશિવાળાને આ યોગ પોતાની રાશિમાં જ (પ્રથમ સ્થાને) થતો હોવાથી આરોગ્યવૃદ્ધિ માટે સૂર્યનારાયણની સ્તુતિ તથા ચંદ્રના મંત્ર કરવા જોઇએ.

(૫) સિંહ રાશિવાળાને આ યોગ ગોચરમાં બારમા વ્યય સ્થાને થતો હોવાથી ખર્ચમાં રાહત માટે કુળદેવી માતાજીની ભક્તિ તથા સૂર્યના મંત્ર કરવા જોઇએ.

(૬) કન્યા રાશિવાળાને આ યોગ ગોચરમાં અગિયારમે (લાભ) સ્થાને થતો હોવાથી આર્થિક લાભ માટે મહાલક્ષ્મીજીની સ્તુતિ તથા બુધના મંત્ર કરવા જોઇએ.

(૭) તુલા રાશિવાળાને આ યોગ ગોચરમાં દસમે (કર્મ) સ્થાને થતો હોવાથી સફ્ળતા માટે ઔઇષ્ટદેવની સ્તુતિ તથા શુક્રના મંત્ર કરવા જોઇએ.

(૮) વૃશ્ચિક રાશિવાળાને આ યોગ ગોચરમાં નવમે (ભાગ્ય) સ્થાને થતો હોવાથી ભાગ્યોદય તથા કાર્ય સિદ્ધિ માટે ગણપતિની ભક્તિ તથા મંગળના મંત્ર કરવા જોઇએ.

(૯) ધનુ રાશિવાળાને આ યોગ ગોચરમાં આઠમા સ્થાને થતો હોવાથી આરોગ્ય વૃદ્ધિ માટે સૂર્યનારાયણની સ્તુતિ તથા ગુરુના મંત્ર કરવા જોઇએ.

(૧૦) મકર રાશિવાળાને આ યોગ ગોચરમાં સાતમા સ્થાને થતો હોવાથી જીવનસાથીની પ્રગતિ તથા રોજિંદી આવકમાં વૃદ્ધિ માટે લક્ષ્મીનારાયણની સ્તુતિ તથા શનિના મંત્ર કરવા જોઇએ.

(૧૧) કુંભ રાશિવાળાને આ યોગ ગોચરમાં છઠ્ઠા સ્થાને થતો હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફ્ળતા તથા જ્ઞાાન વૃદ્ધિ માટે સૂર્યનારાયણની ભક્તિ, હનુમાનજીની ભક્તિ તથા શનિના મંત્ર કરવા જોઇએ.

(૧૨) મીન રાશિવાળાને આ યોગ ગોચરમાં પાંચમા સ્થાને થતો હોવાથી વિદ્યાભ્યાસ તથા સંતાન અંગેના પ્રશ્નમાં સફ્ળતા માટે સરસ્વતિની પ્રાર્થના, ગાયત્રી મંત્રનું સ્મરણ તથા ગુરુના મંત્ર કરવા જોઇએ

ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ વધુ

બળવાન ક્યારે બને?

(૧) ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ જો શુક્લ પક્ષમાં કે પૂનમના દિવસે થતો હોય તો તેનું બળ વધી જાય છે.

(૨) સુદ આઠમથી વદ પાંચમ તિથિ દરમિયાન પણ આ યોગ વધુ સમર્થ બને છે.

(૩) સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન આ યોગ બનતો હોય તો પણ વધુ બળવાન ગણાય છે.

નવગ્રહ મંત્ર

સૂર્યનો મંત્ર :

જપાકુસુમસંકાશં કાશ્યપેયં મહા વિહાદ્યુતિમ્ ।

તમોડરિં સર્વ પાપધ્ન પ્રણતો…સ્મિ દિવાકરમ્ ।।

ચંદ્રનો મંત્ર :

દદ્યિશંખતુષારાભં ક્ષીરોદાર્ણવ સંભવમ્ ।

નમામિ શશિનં સોમં શંભોર્મુકટ ભૂષણમ્ ।।

મંગળનો મંત્ર :

ધરણીગર્ભસંભૂતં વિદ્યુત્કાન્તિસમપ્રભમ્ ।

કુમારં શક્તિ હસ્તં તં મંગલં પ્રણામામ્યહમ્ ।।

બુધનો મંત્ર :

પ્રિયંગુકલિકાશ્યામં રૂપેણા પ્રતિમં બુધમ્ ।

સૌમ્ય સૌમ્યગુણોપેતં તં બુધં પ્રણમામ્યેહમ્ ।।

ગુરુનો મંત્ર :

દેવાનાં ચ ઋષિણાં ચ ગુરું કાંચનસન્નિભમ્ ।

બુદ્ધિભૂતં ત્રિલોકેશં તં નમામિ બૃહસ્પતિમ્ ।।

શુક્રનો મંત્ર :

હિમ કુન્દમૃણાલામં દૈત્યાનાં પરમં ગુરૂમ્ ।

સર્વશાસ્ત્રપ્રવક્તારં ભાર્ગવ પ્રણામામ્યહમ્ ।।

શનિનો મંત્ર :

નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ્ ।

છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનિશ્વરમ્ ।।

રાહુનો મંત્ર :

અર્ધ્કાયં મહાવીર્ય ચંદ્રાદિત્યવિમર્દનમ્ ।

સિંહિકાગર્ભસંભૂતં તં રાહું પ્રણમામ્યહમ્ ।।

– ભૂપેન્દ્ર ધોળકિયા

[email protected]