હબાય હત્યાકેસ માત્ર 'હું' પણાનું પરિણામ - Sandesh
  • Home
  • Bhuj
  • હબાય હત્યાકેસ માત્ર ‘હું’ પણાનું પરિણામ

હબાય હત્યાકેસ માત્ર ‘હું’ પણાનું પરિણામ

 | 2:00 am IST

માન, મોભો અને પ્રતિષ્ઠા મેળવવાની ઈચ્છા જ્યારે જિજીવિષા બની જાય ત્યારે હંમેશાં પરિણામ અકલ્પનીય આવતું હોય છે પછી તે જ્ઞાાતિમાં હોય, સમાજમાં હોય કે રાજકારણમાં. તેમાંય પરિજનો વચ્ચે પ્રતિષ્ઠા મેળવવાની પ્રતિસ્પર્ધા ચાલુ થાય ત્યારે તે તમામ ક્ષેત્રે વિસ્તરે છે. કયારેક લોહિયાળ પણ બને છે જે વાત ઉજાગર કરતો કિસ્સો ગતરોજ માધાપર ગામે બન્યો હતો, જેમાં હબાયનાં એક યુવકને જિંદગીથી હાથ ધોઈ નાખવા પડયા હતા. આ મામલે સામસામે બે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં એક હત્યાની ફરિયાદ છે તો બીજી રાયોટિંગની ફરિયાદ છે. અહીં નવાઈ એ છે કે, બંને પ્રતિપક્ષો સાવ નજીકના કુટુંબીજનો છે.

માધાપર ગામે ગતરોજ સવારે ૧૦ઃ૩૦ વાગ્યે પરિજનો વચ્ચે ચાલતો ડખો હત્યામાં પરિણમ્યો હતો. તેના કારણો પર દૃષ્ટિપાત કરીએ તો સમાજ માટે લાલબત્તી સમાન છે. સમાજમાં માન, મોભો અને પ્રતિષ્ઠા મેળવવાની ઈચ્છા જ્યારે અહંકારમાં પરિવર્તિત થાય છે ત્યારે સામે કોણ છે તે તમામ પ્રકારના સંબંધો ભૂલી જવામાં આવે છે. અહીં અહમની લડાઈ કુટુંબથી લઈને સમાજ, ધંધા, રોજગાર અને રાજકારણમાં વર્ચસ્વ સુધી પહોંચી હતી, જેનું આ પરિણામ હોવાનું ગ્રામજનો જ જણાવી રહ્યા છે. સંબંધે સાઢુભાઈ થતા બંને જૂથના અગ્રણીઓનો અહમ છેવટે લોહિયાળ બન્યો. આ મામલે થયેલી સામસામી ફરિયાદમાં કુલ ૧૪ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ બાબતે બી ડિવિઝનના પીઆઈ વી.કે.ખાંટને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, એક પક્ષે ચાર લોકો સામે હત્યાની ફરિયાદ દાખલ કરી છે, તો બીજા પક્ષે ૧૦ લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરાવ્યો છે.

બંને પક્ષે રેતીચોરી તથા ગ્રામપંચાયતની ચૂંટણીમાં સર્જાયેલો ડખો કારણભૂત હોવાનું જણાવ્યું છે. ફરિયાદ થતાં આરોપીઓ નાસી ગયા છે તથા હત્યાના ગુનાના આરોપી જેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. પોલીસ ટૂંક સમયમાં અથડામણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેશે.