Hair color made with natural materials will not cause any harm
  • Home
  • Fashion & Beauty
  • કુદરતી પદાર્થોની મદદથી બનતો હેર કલર, નહીં થાય કોઇપણ નુકસાન

કુદરતી પદાર્થોની મદદથી બનતો હેર કલર, નહીં થાય કોઇપણ નુકસાન

 | 8:30 am IST

હેર ટિપ્સ :- હેતા પટેલ.

બજારમાં મળતા હેર કલર ન વાપરવા હોય તો તમે જડીબુુટ્ટીઓ અને ફુલોની મદદથી ઘરે કલર બનાવી શકો છો. આ હેર કલર્સ પ્રાકૃતિક હોવાથી વાળને નુકસાન નથી પહોંચાડતા અને વાળ રંગીન ઉપરાંત ચમકદાર બને છે.

વાળને કલર કરાવતી વખતે મનમાં સતત એક જ વિચાર આવે છે કે ક્યાંક વાળ બરછટ અને નિસ્તેજ ન થઈ જાય. જો તમે વાળ અને પૈસા બંનેને બચાવવા માંગતા હોવ તો ઘરે જ ઘરેલુ હેર કલર તૈયાર કરો. જે સંપૂર્ણપણે કુદરતી હોવાની સાથે સસ્તો, ટકાઉ અને કેમિકલ વગરનો હોય છે. ઘરે બનાવેલા હેર કલરની ખાસિયત એ છે કે તે ફ્ળ-ફૂલ અને શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. જે વાળને કુદરતી રંગ આપે છે અને વાળની ચમક વધારે છે.

ગુણકારી કુદરતી હેર કલર

કુદરતી હેર કલર વાળને સફેદ થતાં અટકાવે છે, સાથે વાળની ચમક પણ વધારે છે. આનાથી બરછટ અને દ્વિમુખી વાળની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે. આમાં બીજા કલરની જેમ મેટેલિક સોલ્ટ નથી હોતું. કુદરતી હેર કલરમાં રહેલું પ્રોટીન વાળને સૂર્યનાં તેજ કિરણો અને પ્રદૂષણથી બચાવે છે. તે વાળને રંગવાની સાથે વાળનાં મૂળ પણ મજબૂત કરે છે.

મનગમતા રંગ

વાળને રંગવા માટે અનેક પ્રકારના ઘરેલુ હર્બ્સનો ઉપયોગ કરી શકાય છે. જે વાળને પીળો, ડાર્ક ભૂરો, ડાર્ક રેડ, બરગંડી વગેરે રંગ અર્પે છે.

અખરોટ

અખરોટની છાલને પાણીમાં ઉકાળવાથી એ ડાર્ક ભૂરો રંગ આપે છે.

ગલગોટો

ગલગોટાનાં ફૂલને મસળીને પાણીમાં ઉકાળો. એ વાળને હળવો લાલ રંગ આપશે.

કૈમોમાઈલ

કૈમોમાઈલ એક પ્રકારનું ફૂલ છે. આ ફૂલ મેળવી શકો તો તેને સૂકવીને પાણીમાં ઉકાળવાથી વાળને પીળો રંગ મળે છે.

બીટ

બીટ શાક અને ફ્ળ બંનેમાં ગણવામાં અવે છે. એને કાપીને પાણીમાં ઉકાળવાથી વાળ બરગંડી રંગના થાય છે.

કેસર

કેસર ચહેરા ઉપરાંત વાળ માટે પણ ઉપયોગી છે. એનાથી વાળને સોનેરી રંગ મળે છે.

લીલી ચા

લીલી ચાને ઉકાળવાથી એ ભૂરો રંગ આપે છે.

કરમદાં

કરમદાંને મસળીને પાણીમાં ઉકાળવાથી વાળમાં ડાર્ક લાલ રંગ આવે છે.

કોફી

કોફીથી વાળને બ્લેકિશ બ્રાઉન રંગ પ્રાપ્ત થાય છે.

ઘરે કલર તૈયાર કરવા માટેની રીત

એક વાસણમાં બે કપ ચોખ્ખું પાણી ઉકાળવા મૂકો. એમાં વાળને જે રંગ આપવો હોય તે પદાર્થ નાંખી ઉકાળો. જ્યારે પાણી રંગીન થાય ત્યારે ગેસ બંધ કરી દો. પાણી ઠંડું થઈ જાય ત્યારે બ્રશની મદદથી એને વાળમાં લગાવો. વાળમાં લગાવતી વખતે એકની ઉપર એક વાળને લપેટતા જાઓ. પછી વાળને ફેઈલ પેપરથી ઢાંકી દો. ઓછામાં ઓછી ૩૦ મિનિટ રહેવા દો. પછી વાળને ઠંડા પાણીથી ધોઈ લો. બજારમાં મળતા હેર કલર સૂર્યનાં કિરણોને લીધે દિવસે દિવસે ફ્ક્કિા પડતા જાય છે અને એનાથી વાળ રૂક્ષ થઈ જાય છે. જ્યારે ઘરેલુ હેર કલરનો રંગ ચઢે તો ધીરે ધીરે છે, પરંતુ એનો નિયમિત ઉપયોગ કરવાથી ૫-૬ મહિના સુધી વાળનો રંગ ઊતરતો નથી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન