અડધો અડધ ખેતરો હજુ વાવેતર વિહોણા - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • અડધો અડધ ખેતરો હજુ વાવેતર વિહોણા

અડધો અડધ ખેતરો હજુ વાવેતર વિહોણા

 | 2:00 am IST

કચ્છમાં ચાલુ વર્ષે નહીંવત વરસાદ તેમજ પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નહીં હોવાની ફરિયાદો સાથે ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.જેના પરિણામે કચ્છનાં અડધાથી પણ વધુ ખેતરો વાવેતર વિહોણા રહ્યા છે.

કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેતીક્ષેત્રે નોંધપાત્ર ફેરફારો થયા છે, આ ઉપરાંત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને સબસિડી આપવામાં આવતી હોવાથી ખેડૂતો ખેતી પ્રત્યે પ્રોત્સાહિત થાય છે, પરંતુ બીજી તરફ ખેતી માટે બે મુખ્ય જવાબદાર સ્ત્રોત વરસાદ અને વીજળી અનિયમિત હોવાના કારણે ખેડૂતો ખેતીથી વિમુખ થઇ રહ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખેતીવાડી અધિકારી કચેરીમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે વર્ષ ૨૦૧૫માં ૬,૦૩,૬૫૨ હેક્ટર, વર્ષ ૨૦૧૬માં ૫,૭૧,૦૮૫ હેક્ટર, વર્ષ ૨૦૧૭માં ૬,૦૧,૬૨૯ હેક્ટર જ્યારે વર્ષ ૨૦૧૮માં એટલે કે ચાલુ વર્ષે ૨,૭૬,૮૪૬ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે, ચાલુ વર્ષે વરસાદના અભાવે ખૂબ જ ઓછું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૩,૩૩,૭૮૩ હેક્ટર વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે.

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વાવેતર વિસ્તાર ઘટવા પાછળના કારણોમાં માત્ર વરસાદ જ નહીં, પરંતુ અનિયમિત વીજળી પણ તેટલી જ જવાબદાર છે. સરકાર દ્વારા અગાઉ ૮ કલાક વીજળી આપવાનું કહેવાયું હતું, પરંતુ ૮ કલાક પૂરા ક્યારેય વીજળી આપવામાં આવી નથી. તેથી આ બાબતે પણ સરકાર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન