વિકલાંગ ફૈઝલે ઝડપી સ્કુબા ડાઈવિંગનો વર્લ્ડ રેકોર્ડ તોડયો - Sandesh
  • Home
  • Kids Corner
  • વિકલાંગ ફૈઝલે ઝડપી સ્કુબા ડાઈવિંગનો વર્લ્ડ રેકોર્ડ તોડયો

વિકલાંગ ફૈઝલે ઝડપી સ્કુબા ડાઈવિંગનો વર્લ્ડ રેકોર્ડ તોડયો

 | 12:02 am IST

ગિનેસ રેકોર્ડ : દિશા ઉમરેઠવાલા

ફૈઝલ અલ મોસાવી એક વિકલાંગ મરજીવો અને એથ્લેટ છે, જેણે સાબિત કર્યું છે કે શારીરિક મર્યાદાઓ છતાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શકાય છે. તેંત્રીસ વર્ષના ફૈઝલે ૨૨ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ કુવૈતના હુરઘડા શહેરમાં પાંચ કલાક અને દસ મિનિટમાં સૌથી ઝડપી સ્કુબા ડાઇવિંગ કરીને દસ કિલોમીટરનું અંતર કાપીને ગિનેસ બુકમાં રેકોર્ડ સેટ કર્યો છે. પબ્લિક ઓથોરિટી ઓફ ધ ડિસેબલ્ડ (પીએડી) સંસ્થાના જનરલ ડિરેક્ટર અને અન્ય જાણીતી હસ્તીઓની હાજરીમાં કુવૈતના ૩૬૦ મોલ ખાતે પીએડી સંસ્થા દ્વારા એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફૈઝલને આ સિદ્ધિ માટે સન્માનિત કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ ફૈજલ તેની કસાયેલી બોડી બદલ માન-સન્માન-ખિતાબ મેળવી ચૂક્યો છે. અને તે માટે તેને અથાગ પ્રયત્નો પણ કર્યા હતા. તેની સફળતાની વાત કરતાં ફૈઝલ જણાવે છે કે, મેં કુવૈતના સાયન્ટિફિક ક્લબના પુલમાં ત્રણ મહિના તાલીમ લીધી હતી અને ખુલ્લા દરિયામાં એક મહિનો સ્કુબા ડાઇવિંગની પ્રેક્ટિસ કરી હતી. ફૈઝલ આગળ જણાવે છે કે, મે મારી રેકોર્ડ બ્રેકિંગ સ્કુબા ડાઈવિંગ દરમિયાન છવ્વીસ એર સિલિન્ડરનો ઉપયોગ કર્યો હતો. એક કાર અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવ્યા બાદ છેલ્લાં તેર વર્ષ સુધી ગિનેસ બુકમાં સ્થાન મેળવવાનું તેનું સપનું હતું, જે સાકાર થયું છે. તેણે દસ કિલોેમીટર અંતર સુધી પાંચ કલાક અને દસ મિનિટમાં સ્કુબા ડાઈવિંગ કરીને પોતાનું સપનું સાકાર કર્યું છે. ફૈઝલ વિકલાંગ હોવા છતાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. ફૈઝલનું માનવું છે કે, વિકલાંગ લોકો સ્વસ્થ માણસને પણ પડકાર આપી શકે છે અને સફળતા મેળવી શકે છે. ફૈઝલની આ સિદ્ધિની ચકાસણી ગિનેસ વર્લ્ડ રેકોર્ડના સત્તાવાર ન્યાયાધીશ અહમદ ગેબરે કરી હતી. તેમનું કહેવું છે કે, હું ગૌરવ અનુભવું છું કે અગાઉ સૌથી ઝડપી સ્કુબા ડાઈવિંગ કરનાર વ્યક્તિ શારીરિક રીતે અપંગ નહોતી, જ્યારે ફૈઝલ વિકલાંગ હોવા છતાં એણે અગાઉનો રેકોર્ડ કરતાં એક કલાક ઓછો સમય લઈને દસ કિલોમીટરનું અંતર કાપ્યું. માટે હું તેને સુપર હ્યુમન માનું છું. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિ મેળવવી આસાન નથી.

[email protected]