મતભેદને હેન્ડલ કરવા આસાન છે - Sandesh

મતભેદને હેન્ડલ કરવા આસાન છે

 | 12:11 am IST

ખુલ્લી વાત :- અમિતા મહેતા

ઘરમાં કે ઓફ્સિમાં દરેક વ્યક્તિની વાત સાથે આપણે સંમત થઈએ એ આવશ્યક છે. દરેક વ્યક્તિની અભિવ્યક્તિ એને મળેલું વાતાવરણ- ઉછેર શિક્ષણ અને સ્વભાવ પર આધારિત હોવાની જે અન્ય વ્યક્તિને ગમે કે ન ગમે. એક વ્યક્તિ જે અર્થમાં પોતાની વાત કરે એ અર્થમાં બીજી વ્યક્તિ ન પણ સમજે. એક જ ઘટના-વિચારને બે વ્યક્તિ અલગઅલગ દૃષ્ટિબિંદુથી મૂલવશે અને આવા દૃષ્ટિભેદ કે મતભેદ દરેક સંબંધમાં ડગલેપગલે આવવાના. જ્યારે આ અસહમતી અને ભિન્નતા દલીલ કે અહમ્નું રૂપ ધારણ કરે ત્યારે સંબંધો છિન્નભિન્ન બની શકે. આમ ન બને એ માટે મનને અમુક રીતે કેળવવું પડે જેમ કે,

  • સૌથી પહેલી વાત એ સમજવી જરૂરી છે કે અસહમતીનો અર્થ અનાદર હરગિજ નથી. ધારો કે, મિસ્ટર એને મિસ્ટર બીની વાત પસંદ નથી તો એ પોતાની નાપસંદ જાહેર કરી શકે. પતિને આર્ટ મૂવી ગમે છે પત્નીને રોમેન્ટિક તો કોઈ મૂવી બાબતે બંનેના અભિપ્રાય અલગ રહેવાના. બંને પોતાની પસંદ પ્રમાણેની દલીલ કરશે. અહીં પતિ કે પત્ની એકબીજાની રુચિની મજાક ઉડાવે કે એમની પસંદ ખોટી છે એવો આક્ષેપ કરે તો એ મૂર્ખામી છે. તેઓ એકબીજાને તને કશી સમજણ નથી પડતી એવું નહીં કહી શકે. અહીં પોતાના વિચારોની રજૂઆત સામી વ્યક્તિનું સન્માન જળવાય એ રીતે કરવી જોઈએ.
  • અસ્વીકાર એટલે ખોટું એવો ભ્રમ મનમાંથી કાઢી નાખવો જોઈએ. માનો કે શોપિંગ કે ફ્રવાના ડેસ્ટિનેશન અંગે જીવનસાથીને વાત પસંદ ન આવે તો આપણને એવું લાગે છે કે એ ખોટી છે. આવું બને ત્યારે વિચારો કે બજેટ, સમય અને અગાઉ કરેલાં શોપિંગ કે ફ્રવા ગયેલાં સ્થળની અપેક્ષાએ કોની પસંદગી વધારે અનુકૂળ રહેશે. કોનું કઈ બાબતમાં નોલેજ વધારે છે એ જાણીને સ્વીકારી લો તો પણ સાચાખોટાની લડાઈ ન રહેશે. સાથે એ પણ વિચારવું પડશે કે આપણે આપણી વાતને વધારે મહત્ત્વ તો નથી આપી રહ્યાંને ? ક્યાંય આપણાં વ્યવહારમાં તો સુધારણાની જરૂર નથીને? બીજાની જગ્યાએ ખુદને મૂકીને વિચારો કે ખરેખર બીજી વ્યક્તિ ખોટી છે કે તમારી અંદર જ કશી ગરબડ છે? જવાબ ખુદ મળી જશે.
  • ઘણી વખત ખોટેખોટી વાત વધારવામાં આપણને મજા આવે છે. ખબર હોય કે આ જ રિયાલિટી છે છતાં દલીલ કરીએ. અને કદાચ એ સમયે ચૂપ રહીએ તો અન્ય લાગતાં- વળગતાં લોકો સમક્ષ જઈને ગોસિપ કરીએ. એક્ચ્યૂઅલી કોઈ પણ વ્યક્તિની ન ગમતી બાબત એ વ્યક્તિ સમક્ષ નમ્રતા અને વિવેકથી કહેતાં આવડે તો જે કહેવાનું છે તે કહેવાઈ જાય અને સામી વ્યક્તિને ખરાબ પણ ન લાગે.
  • બીજાની વાતને નકારતાં પહેલાં એ વાતનું મહત્ત્વ કેટલું છે તે જાણવું જરૂરી છે. અગર આર્િથક- સામાજિક કે પારિવારિક નિર્ણય લેવાનો હોય ત્યારે દલીલો વાજબી છે. દલીલો દ્વારા અન્ય સારાનરસા પાસાં જે આપણી જાણબહાર હોય તે બહાર આવે છે. તેથી વધારે સારું પરિણામ આવે, પરંતુ કોઈ થર્ડ વ્યક્તિ અથવા રાજકારણ કે કરન્ટ અફેર્સની ચર્ચામાં પોતાનો કક્કો ખરો કરાવવાથી માત્ર અહમ્ સંતોષાવા સિવાય બીજો કોઈ ફયદો નથી. સામે છેડે સંબંધોમાં મનદુઃખ જન્મે છે. તેથી ચર્ચાના વિષયોમાં વટ વચ્ચે ન લવાય તે બંને માટે હિતાવહ છે.
  • જ્યારે કોઈ વ્યક્તિ અસહમત થાય છે ત્યારે ઘટના કે વાતનો અન્ય દૃષ્ટિકોણ બહાર આવે છે. જે ડિસિઝન લેવામાં સહાયક બની શકે. આપણે આપણા વૈચારિક કૂવામાંથી બહાર આવી અન્યના જ્ઞાનના કે સમજણના દરિયામાં પ્રવેશતાં શીખવું જોઈએ. હું જ સાચો એ ભાવ વ્યક્તિના વિકાસને રૃંધે છે.
  • કેટલીક વખત પરિવારમાં ચર્ચા માત્ર અન્યને સારું લગાડવા માટે થાય છે. નિર્ણય તો અધિકૃત વ્યક્તિએ લઈ લીધો હોય છે ત્યારે એકબીજાની સામે પડવાનો કોઈ અર્થ નથી, કોઠીને ધોવામાં સાર કાદવ જ નીકળે છે. તેથી અધિકાર ક્ષેત્રમાં ન આવતી ભિન્નતાઓને નજર અંદાઝ કરવામાં જ ભલાઈ છે.
  • પરિવારમાં અમુક વ્યક્તિ માત્ર માન- સન્માનની ભૂખી હોય છે. તેઓ સાચા છે એવું કહેવાની નમ્રતા દાખવી શકાય તો ઝઘડા ટળી શકે તો વળી કેટલીક વ્યક્તિઓની વાત ન સ્વીકારાય તો તેઓ એટલા ધમપછાડા કરશે કે ઈમોશનલી ડિસ્ટર્બ થઈ જવાય. સો…ખાસ નુકસાન ન હોય એવી બાબતે જતું કરીને હાથ ઉપર રાખવામાં ભલું છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન