હંસના જરૂરી હૈ! - Sandesh

હંસના જરૂરી હૈ!

 | 12:57 am IST

સતરંગીઃ રશ્મિન શાહ

હસવું આવશ્યક છે એવું સમાજ કહે છે પણ સાયન્સ કહે છે કે હસવું અનિવાર્ય છે. આજના સમયમાં જ્યારે લાફટર કલબ ચાલી રહ્યા છે ત્યારે અમેરિકા અને કેનેડામાં લાફટર થેરાપીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે અને આ લાફટર થેરાપીમાં હાસ્યનો ભરપૂર ઉપયોગ કરીને બીમારી ભોગવતાં લોકોનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ સફળતાપૂર્વક થઈ રહ્યું છે. પ્રશ્ન મનમાં એ જન્મે કે માત્ર હસવાથી, ફક્ત હસવાથી કેવી રીતે માણસને લાભ થઈ શકે અને એ લાભ થાય તો કેવોક થવાનો? હસ્યા, બે ઘડી મજા આવી અને વાત પૂરી થઈ ગઈ પણ ના એવું નથી. બે ઘડીનું મુક્ત મનનું હાસ્ય ખોબો ભરીને લાભ કરાવી જાય એવું છે અને એ સ્તર પર ફાયદાકારક છે એ કોઈએ ભૂલવું ન જોઈએ. હસ્યા વિના, ભાર રાખીને જીવનારા અને તોબરો ચડાવીને ફરનારાઓએ ક્યારેય એ અવગણવું નહીં કે આવું કરીને એ પોતાનું જ આયુષ્ય ઘટાડી રહ્યા છે અને જે આયુષ્ય પાસે રહેવાનું છે એમાં વેદના અને પીડા ભરવાનું કામ પણ એ જ કરે છે.

હસવું જરૂરી છે. મુક્તમને અને પેટમાં પાપ રાખ્યા વિના જો હસવામાં આવે તો એના એક નહીં અનેક ફાયદાઓ છે અને એ ફાયદાઓ પૈકીનો પહેલો ફાયદો છે કે નિયમિત હસનારા અને પેટભરીને હસી શકનારાઓની યાદશક્તિ વધતી હોય છે. આ જ કારણે કોલબિંયામાં આઠ ધોરણ સુધી ભણનારા બાળકોને દર વીકના એક કોમેડી ફિલ્મ સ્કૂલમાં જ દેખાડવામાં આવે છે. સાત વર્ષ પહેલાં લેવામાં આવેલા આ નિર્ણય પછી ગયા વર્ષ બાળકોનો મેમરી પાવર ચેક કરવામાં આવ્યો તો એમાં લગભગ અઢીગણો વધારો થયો હતો. કેટલો આઈ રિપીટ અઢી ગણો. આ વધારો શંખપુષ્પી કે પછી અશ્વગંધાને કારણે નહોતો પણ પેલી કોેમેડી ફિલ્મ અને એ ફિલ્મ દ્વારા પીરસવામાં આવેલા હાસ્યનું પરિણામ હતું. હાસ્ય લાભદાયી છે, ફાયદાકારક છે અને આ હકીક્ત છે.

લાફટરના બીજા લાભોની વાત કરીએ.

મુક્તમને કરવામાં આવતાં હાસ્યને લીધે પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતામાં ચારથી ચોવીસ ટકા જેટલો વધારો થાય છે અને આ હકીક્ત છે. ખડ્ડુસ જેવું થોબડું લઈને બેસી રહેનારા જેટલી ઝડપથી તકલીફો અને મુશ્કેલી સામે બાથ ભીડી નથી શક્તાં એટલી ત્વરાથી મુક્તમને હસી લેનારાઓ ભીડી લે છે અને સફળતા સાથે આગળ વધી જાય છે. હાસ્યનો બીજો ફાયદો, હસી લેનારાઓ હંમેશાં ઊંઘની બાબતમાં સુખી હોય છે. મુકતમને હસનારાઓની ઊંઘ સઘન હોય છે, જેને લીધે બીજા જે કોઈ લાભો થાય છે એ લાભો તો આડફાયદા જેવા છે. હાસ્યનો ફાયદો તો એ જ કે માણસ મસ્ત મજાની રીતે, ઘોડા વેચીને સુઈ શકે. હસવાથી સ્ટ્રેસ નથી આવતું એ તો હકીક્ત છે જ, પણ સાથોસાથ સૌથી સારી વાત એ છે કે હસવાને લીધે માણસ ક્યારેય ડિપ્રેશન પણ નથી અનુભવતો. હસનારો હંમેશાં હકારાત્મક માનસિક્તા ધરાવતો હોય છે અને જે હસવાનું નિયમિત રાખે એ કાયમ પોઝિટિવ રહે એવું પણ કહેવામાં આવે છે. પોઝિટિવિટી જરૂરી છે, લાભદાયી છે અને પોઝિટિવિટીથી અનેક પ્રકારનાં માનસિક, શારીરિક, આર્થિક અને સામાજિક લાભો થાય છે.

હવે વાત કરીએ પેટભરીને હસી લાવવાથી થનારા બાયોલોજિકલ એડવાન્ટેજની.

હસવાથી તમારી પાચનશક્તિ ખીલે છે અને હસવાને લીધે તમને હાર્ટ એટેક આવવાની શક્યતા પણ નહીંવત્ બને છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ કહે છે કે હસવામાં કંજૂસાઈ ન કરનારો કે પછી હસવામાં કરકસર ન કરનારી વ્યક્તિને હાર્ટના પ્રોબ્લેમ થતાં નથી અને આ સાયન્ટિકિફલી પુરવાર પણ થયું છે. હસી શકનારાઓનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે અને જો એ એબનોર્મલ થયું હોય તો કોમેડી ફિલ્મ કે કોમેડી શો એ બ્લડપ્રેશરને નવેસરથી નોર્મલ કરી શકે છે. લંડનની જાણીતી હાર્ટ હોસ્પિટલ ધી બીટ્સમાં હાર્ટ સર્જરી પછી પેશન્ટને ચાર્લી ચેપ્લિનની ફિલ્મ દેખાડવામાં આવે છે.

હસવાથી થનારો બીજો એક મોટો ફાયદો, હસવાથી મસલ્સ વચ્ચે જમા થઈ ગયેલું ટેન્શન રિડયુસ થાય છે, જેને લીધે હાથ-પગની કળતરથી માંડીને શરીરના દુખાવાની જે ફરિયાદ રહે છે અને બોડીક્રેમ્પની જે કમ્પલેઈન રહે છે એમાં પણ રાહત થાય છે. મસલ્સમાં રહેલું આ ટેન્શન રિડયુસ કરવા માટે જેટલું યોગા ઉત્તમ છે એટલું જ જીવનમાં હસવું જરૂરી છે. હસનારાઓ ક્યારેય દુઃખી નથી થયા અને જે કોઈને આખો દિવસ શરીર દુખવાની ફરિયાદ રહે છે એ લોકોને નજીકથી જોશો તો તમને દેખાશે કે એમને જાણે કે હસવાની મનાઈ કરવામાં આવી હોય એ પ્રકારે એ જીવતાં હોય છે.

હસતાં રહેવાનો વધુ એક બેનિફિટ રિલેશનશિપમાં પણ છે. હસતાં રહેતાં લોકોની સાથેના સંબંધોમાં વિશ્વસનીયતા વધારે હોય છે. હસતાં રહેતાં લોકો સંબંધો પ્રત્યે વફાદાર પણ વધુ હોય છે અને હસતાં રહેતાં લોકો સંબંધોમાં પ્રમાણિક પણ ભારોભાર હોય છે. ધીર ગંભીર બનીને ફરનારા અને લોકો જે વાત પર બેવડ વળીને હસી પડે પણ એની સામે પોતે માત્ર સ્મિત કરીને બેસી રહે એવા લોકોની પાસેથી સંબંધોમાં ક્યારેય પ્રમાણિક્તાની અપેક્ષા રાખવી નહીં. એવું લાફટર થેરાપિસ્ટ પણ હવે ઓફિશિયલ સ્વીકારતાં થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન