હનુમાન-સનતકુમારનું અનોખું સ્વરૂપ - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • હનુમાન-સનતકુમારનું અનોખું સ્વરૂપ

હનુમાન-સનતકુમારનું અનોખું સ્વરૂપ

 | 2:52 am IST

ભીતરની વાતઃ નારાયણ જોશી

ઉ૫રના માળ ઉપર જ જમણા હાથે આવેલી પેનલમાં આ પ્રતિમા રામઅવતારની વાત રજૂ કરી રહી છે. એમાં હનુમાનનું ક્રોધિત સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે. પ્રતિમા જોકે ખંડિત થઈ ગયેલી છે. એટલે મુખાકૃતિ સ્પષ્ટ નથી રહી. છતાં એટલું સ્પષ્ટ જોવા મળે છે કે એમની આંખો પોતાના પગ તળે જેને કચડી રહ્યા છે એની ઉપર કોપાયમાન છે. માથા ઉપર જટાસ્વરૂપ મુકુટ છે. એમાં ચક્રઆકારનું છોગું લગાવેલું છે. એની પાછળથી હનુમાનજીની પૂંછડીનો અંતભાગ ગોળાકારમાં વળેલો જોવા મળે છે. ગળામાં માળા છે અને શરીર ઉપર કવચ છે.

ડાબા ઉપરના હાથમાં આયુધ જોવા મળે છે. નીચેનો હાથ ભગ્ન થઈ ગયો છે. જમણી બાજુનો ઉપરનો હાથ પણ ભગ્ન થઈ ગયો છે. નીચેનો હાથ જંઘા ઉપર મૂક્યો છે. જમણો પગ ગોઠણેથી વાળીને નીચે ગોઠણીયે પડેલી મહિલા તથા એના અનુચર ઉપર દબાવેલો જણાય છે. પંજાનો ભાગ જોવા મળે છે. વચ્ચેનો ભાગ ભગ્ન થઈ ગયો છે. ડાબો પગ ધરતી ઉપર છે. કમરે કટિવસ્ત્ર કચ્છા સ્વરૂપે જોવા મળે છે. હનુમાનજીની બંને બાજુએ ચોરસ આકારના સ્તંભ છે જેમાં છ-છ વલયો છે. સામેની બાજુ તોરણ જેવો શણગાર કરેલો દેખાય છે. સૌથી ઉપરના ભાગમાં વિવિધ પાંદડાના આકારનું સુશોભન જોવા મળે છે.

બીજી પ્રતિમા સનતકુમારની હોવાનો ખ્યાલ આવે છે. તેમની બંને બાજુના સ્તંભમાં ચાર ચાર પુરુષાકૃતિઓ વિવિધ મુદ્રામાં અને વિવિધ આયુધો સાથે જોવા મળે છે. ઉપરના કમાનાકાર મંડપમાં આઠ પુરુષ આકૃતિઓ વચ્ચેની પાલખીમાં બેઠેલા મહાપુરુષના ગુણગાન ગાતી નજરે પડે છે. સનતકુુમારની પ્રતિમાના વાળ તથા કાન બુદ્ધ તથા મહાવીરની અસર જોવા મળે છે. માથા ઉપર સૂર્યના કિરણોનો મુકુટ જોવા મળે છે. સનતકુમારના ચાર હાથમાંથી જમણી બાજુના ઉપરના હાથમાં પાંદડા સહિતની ડાળી જોવા મળે છે. નીચેના હાથમાં લગ્ન વખતે પહેરવામાં આવતું પાંચ આંગળી અને પંજાને ઢાંકતું પહોંચા જેવું કશુંક નજરે પડે છે. ડાબા ઉપરના હાથમાં અર્ધ ખીલેલા કમળની ડાળી છે. નીચેનો હાથ કશુંક આયુધ પકડેલો જણાય છે. જોકે એ ભગ્ન થયો હોવાથી સ્પષ્ટ થતું નથી. ડાબા જમણા નીચેના હાથ પાસે બે મહિલાઓ નમસ્કારની મુદ્રામાં ગોઠવાયેલી છે. ડાબા પગ પાસે બે અને જમણા પગ પાસે એક દ્વારપાળ જોવા મળે છે. સનતકુમારે કમરે કટિબંધ સાથે જોડાયેલ કચ્છો જ પહેર્યો છે અને ખભાથી કમર પર થઈ પગ સુધી ફરતું જાડા દોરડાની જેમ વળ ખાતું વસ્ત્ર ધારણ કર્યું છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન