Happiness is really fun if it becomes permanent, but what is happiness?
  • Home
  • Supplements
  • Sanskar
  • સુખ કાયમી થઈ જાય તો ખરેખર મઝા પડે, પણ સુખ એટલે શું?

સુખ કાયમી થઈ જાય તો ખરેખર મઝા પડે, પણ સુખ એટલે શું?

 | 4:35 pm IST
  • Share

આપણને આશા હોય છે કે આજે જે બધું આનંદદાયક છે એ બધું કાયમી હોય તો સતત આનંદમાં રહીએ અને જીવન જીવવાની મઝા પડી જાય! આપણી આ આશામાં બે વાતે આપણે થાપ ખાઈએ છીએ. એક : કુદરતમાં કશું સ્થિર નથી, આપણો ગમો-અણગમો અને આનંદ પણ નહીં. બીજું : સુખને આપણે સમજ્યા નથી

  આપણે ઈચ્છીએ કે આપણો પરિવાર, આપણા મિત્રો, સગાં-સંબંધીઓ, સમાજ; બધાં આમ જ આપણને સપોર્ટ કરતાં રહે. આજે જે આનંદ છે એવા જ આનંદમાં આખું જીવન વીતી જાય, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આપણો આનંદ પોતે સ્થિર નથી. યાદ કરી જુઓ થોડાં વર્ષ પહેલાં લખોટી રમવામાં ગજબનો આનંદ આવતો હતો, આજે એવો આનંદ આવે છે? માનો કે તમને આઈસક્રીમ ખૂબ ભાવે છે, તો જરા વિચારીને કહો, કેવો આઈસક્રીમ ભાવે છે? રોજેરોજ એ આઈસક્રીમ ખાવાનું ચાલુ કરો અને રોજેરોજ ખાતા રહો. એક વાતની ગેરન્ટી છે કે થોડાં અઠવાડિયાં, થોડા મહિના કે થોડાં વર્ષ પછી તમને એ આઈસક્રીમ જોઈને જ કંટાળો આવશે.

આપણી કલ્પના છે કે સુખ કાયમી રહે તો ખૂબ મઝા પડે, પરંતુ સાચી વાત એ છે કે ગમે તેવું સુખ હોય કાયમી થઈ પડે તો કંટાળો આવી જાય, કારણ કે આપણે પ્રકૃતિનું જ સર્જન છીએ. પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલીએ છીએ. પ્રકૃતિમાં કશું સ્થિર, શાશ્વત, કાયમી નથી. બધું સતત પરિવર્તન પામે છે.

આપણે પણ સતત બદલાતા રહીએ છીએ. ગયા અઠવાડિયે આપણે વિગતવાર જાણ્યું કે આપણા અસ્તિત્વમાં સતત શું શું બદલાતું રહે છે. આપણે દર ક્ષણે નવા થતા જઈએ છીએ. તમે આ લેખ વાંચી રહેશો ત્યાં સુધીમાં તમારા શરીરની ચામડીના ચાર લાખ કોષ ખરી પડયા હશે અને તેની જગ્યાએ નવા ગોઠવાઈ ગયા હશે. એટલે કે દેખાવમાં તમે નવા બની ગયા હશો. આ ક્ષણે જે આપણને ખૂબ ગમે છે એ એક કલાક પછી જ્યારે આપણે બદલાઈ ગયા હોઈએ ત્યારે પણ ગમતું જ રહેશે એની કોઈ ગેરન્ટી નથી. હા, આપણને ગમતી, આનંદ આપતી વસ્તુ બદલાઈ જ જાય એની ગેરન્ટી છે. સવાલ સમયનો છે, કેટલા વખતમાં એ વસ્તુનો આનંદ ઊડી જશે એ સમયગાળો દરેક વ્યક્તિનો જુદો જુદો હોઈ શકે, પણ આનંદ ઊડી જશે એ વાત ગેરન્ટેડ છે.

એટલે એક વાત નક્કી છે કે આજે તમારી આસપાસ જે આનંદ આપનાર માણસો, વસ્તુઓ, સંજોગો છે એ જો એવા ને એવા જ રહે તો તમે થોડા મહિના કે થોડાં વર્ષમાં એનાથી આનંદ પામવાને બદલે કંટાળી જશો. અર્થાત્, બધું આવું ને આવું રહે તો આનંદ ટકી રહે એવી આપણી કલ્પના કે આશા જે ગણો તે ખોટી છે.

હવે બીજી બાબત : સુખ તમને શામાંથી મળે છે? બરાબર વિચારો, જોઈએ તો આ લેખ વાંચવાનું અહીં અટકાવી દો. પછી બરાબર ધ્યાન કરીને, વિચાર કરીને જવાબ શોધો કે તમને સુખ શામાંથી મળે છે? અહીં પણ એક વાતની ખાતરી છે કે જો તમે ખરેખર સાચો જવાબ શોધી કાઢશો તો તમારા જીવનમાં મોટાભાગની સમસ્યાઓ, મોટાભાગની દોડધામ, કંટાળો, થાક, ક્રોધ, લોભ, ઈર્ષ્યા… બધું જ ઓગળી જશે.

ચાલો, તમારી મદદ કરવા થોડાંક ઉદાહરણો આપીને મદદ કરીએ; તમને મનગમતી વાનગીઓ ખાવામાં સુખ મળે છે? તો આપણે જોયું કે મનગમતી વાનગીઓ લાંબો સમય મનગમતી નથી રહેવાની. તમારી ઈચ્છા મુજબના ઘરમાં રહેવાથી સુખ મળે છે? તો યાદ કરીને કહો, અગાઉ તમે જે ઘરમાં રહેતા હતા ત્યારે સુખી હતા કે આજે આ ઘરમાં સુખી છો? મનગમતા દોસ્તો સાથે રહેવામાં સુખ મળે છે? તો એ મનગમતા દોસ્તો સાથે ચોવીસે કલાક રહી શકાય એવું આયોજન કરો અને જુઓ કે એમાં કેટલો સમય, કેટલું સુખ મળે છે. આ સવાલો તો તમને મદદરૂપ થવા માટે છે. તમે જાતે તમને સુખી કરનાર બાબત શોધી લો. નવી કાર મળે તો સુખ મળે એવું લાગતું હોય તો વિચારીને કહો, હાલની કાર ખરીદી ત્યારે સુખ નહોતું મળ્યું? જો ત્યારે સુખ મળ્યું હતું, મળતું હતું તો હવે કેમ નથી મળતું? 

વર્ષોજૂની અને વારંવાર ટાંકવામાં આવેલી એક વાત ફ્રી યાદ કરી લઈએ. એક સંત હતા. વગડાના કિનારે વડલાના ઝાડ નીચે અલખ જગાવીને રહેતા હતા. આસપાસથી લાકડાં, ડાળખાં વીણીને વેલાથી બાંધીને મઢૂલી બનાવી હતી. આસપાસ જે ફ્ળ-ફ્ૂલ મળે તે આરોગીને નિરાંતે રહેતા. લોકોને ખબર પડી કે અલગારી સંતનો અહીં વાસ છે તો લોકો એમની પાસે સવાલો લઈને આવતા થયા. સંત બધાને પોતાની સમજણ પ્રમાણે ઉકેલ શોધી આપવા લાગ્યા. રાજાને ખબર પડી તો સંતને દરબારમાં તેડાવ્યા. સંતે ના પાડી. હાથી-ઘોડા પાલખી મોકલ્યાં. સંતે રાજાને મળવા જવાની ના પાડી. રાજા પોતે લાવ-લશ્કર સાથે મળવા આવ્યા. સંતને મળ્યા. એમને જોઈ પ્રભાવિત થયા. આમંત્રણ આપ્યું, મારી સાથે રાજમહેલમાં ચાલો. તમને સુખસાહ્યબીથી રાખીશ.

સંતે પૂછયું, એનાથી શું થશે?  

રાજાએ કહ્યું, તમને ખૂબ આનંદ મળશે. નોકર-ચાકર, ભાવતાં ભોજન, સગવડભર્યું જીવન… સુખી થઈ જશો. સંતે કહ્યું, રાજાજી, અત્યારે હું અહીં મોજમાં જ છું, ખૂબ ખૂબ સુખી છું. તો કહો મારે આનંદ મેળવવા કે સુખી થવા ક્યાંય જવાની જરૂર ખરી?

રોજેરોજ ફ્ળ-ફુલ વીણવા જાઉં છું, ફ્ળ-ફ્ૂલ મળી જાય તો આનંદ આનંદ થઈ જાય છે. મારી પાસે સમસ્યા લઈને કોઈ આવે તેને કંઈક કહું અને એની સમસ્યા ઉકલી જાય તો આનંદ આનંદ થઈ જાય છે. મને કોઈ સમસ્યા નથી, ભય નથી, બસ, આનંદ છે, સુખ છે.

આપણે પણ જરાક નિરાંતે વિચારીએ તો ખ્યાલ આવે કે ખરેખર આપણને બધું જળવાઈ રહે તેમાં આનંદ નથી આવતો, બધું આપણી અપેક્ષા મુજબ બદલાતું રહે તેમાં જ આનંદ અને સુખ મળે છે. એમાં જરાક ફેરફાર કરીને અપેક્ષાની બાદબાકી કરી શકીએ, તો જે કંઈ થાય એમાં આનંદ અને સુખ મળવા લાગે. રોજેરોજની નાની નાની વાતે સફ્ળ થઈએ એમાં જ આનંદ મળે છે અને એ જ સાચું સુખ છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો