સુખી જીવન જીવવાનાં પ૦ સોનેરી સૂત્રો - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS

સુખી જીવન જીવવાનાં પ૦ સોનેરી સૂત્રો

 | 5:42 am IST

ટેક ઓફ :- શિશિર રામાવત

કોઈપણ માણસ સફળ થાય, ધનવાન બને તો એના જીવનના કેટલાક નિયમો, સિદ્ધાંતો એમાં કામ કરતા હોય છે. એવુંય બને કે એ વ્યક્તિએ સફળતાના માર્ગે આગળ વધતાં વધતાં જાતઅનુભવે કેટલાક નિયમો તારવ્યા હોય. આવા નિયમો સોના જેવા ગણાય. એને અપનાવવાથી મૂળ વ્યક્તિ જેવા ધનવાન બની શકાય કે ન પણ બની શકાય, પરંતુ સુખી જરૂર થઈ શકાય. કાર્લોસ સ્લિમ એલુ નામના એક ૭૮ વર્ષીય મેક્સિકન મહાશય છે, જે ૨૦૧૦થી ૨૦૧૩ દરમિયાન દુનિયાના સૌથી ધનિક વ્યકિત ગણાયા હતા. એમના ઘણા બિઝનેસ છે અને ખાસ તો તેઓ અત્યંત કાબેલ ઇન્વેસ્ટર છે. આજની તારીખે તેઓ દુનિયાના સાતમા નંબરના સૌથી શ્રીમંત માણસ છે.

માણસ સફ્ળતાના શિખર પર શી રીતે પહોંચતો હોય છે? એ જિંદગીમાંથી શું શીખતો હોય છે? શું હોય છે એમનાં ‘સિક્રેટ્સ’? કહે છે ને કે દુનિયાનાં સૌથી મહાન સત્યો સૌથી સરળ હોય છે. કાર્લોસ સ્લિમે પોતાના જીવનના જાતજાતના અનુભવો, કંઈકેટલીય ચડતીપડતી અને સંબંધોના આરોહઅવરોહના આધારે પચાસ ‘ટિપ્સ’ તૈયાર કરી છે. પહેલી નજરે સાવ સીધીસાદી લાગે એવી ટિપ્સ છે. કાર્લોસ સ્લિમના નામે ચડેલાં આ સૂચનો ખરેખર કાર્લોસ સ્લિમનાં જ છે? આ વળી અલગ ચર્ચાનો વિષય છે. એ જે હોય તે, પણ આ પચાસેપચાસ ટિપ્સ છે ભારે મજેદાર. શકય છે કે આમાંનાં અમુક સૂચનો સ્થૂળ, નાટકીય કે અતિ સામાન્ય લાગે યા તો અપીલ ન કરે. ઠીક છે. એવાં સૂચનોને બાજુ પર મૂકી દેવાનાં. તો પ્રસ્તુત છે…

૧. કોઈની સાથે શેકહેન્ડ કરો ત્યારે એનો હાથ મજબૂતીથી પકડો.

૨. સામેની વ્યકિતની આંખોમાં આંખ મિલાવીને વાત કરવી.

૩. નહાતાં નહાતાં ગીતો લલકારવા અથવા ગણગણવા.

૪. તમારી પાસે એક સારી મ્યુઝિક સિસ્ટમ તો હોવી જ જોઈએ. શકય એટલું વધારે સંગીત સાંભળો.

૫. ઝઘડો થવાની પરિસ્થિતિ પેદા થઈ જાય તો પહેલો પ્રહાર તમારે કરવો. તે પણ શક્ય એટલા જોરથી.

૬. જિંદગીમાં સારાં કામ કરશો તો ઉપરવાળો એનું સારું ફ્ળ આપશે જ તે જરૂરી નથી. ભલમનસાઈની દર વખતે જીત ન પણ થાય. લાઇફ ઇઝ નોટ ફેર.

૭. કયારેય કંટાળીને, ધીરજ ખોઈને કે હિંમત હારીને કોઈના પર ચોકડી ન મૂકી દેવી. ચમત્કારો રોજ થતા હોય છે.

૮. કોઈ દોસ્તીનો હાથ લંબાવે તો એની અવગણના ન કરવી. તમારે પણ સામો હાથ લંબાવવો.

૯. હિંમતવાન માણસની જેમ વર્તો. તમારામાં હિંમતનો અભાવ હોય તો પણ.

૧૦. મોઢેથી સિસોટી વગાડતા શીખો.

૧૧. વ્યંગવાણી ન ઉચ્ચારો. ટોન્ટ ન મારો. જે કહેવું હોય તે સ્પષ્ટ અને સીધી રીતે કહો.

૧૨. જીવનસાથીની પસંદગી અત્યંત કાળજીપૂર્વક કરવી. જીવનસાથીની પસંદગીનો નિર્ણય એક એવી વસ્તુ છે જેના પર તમારી જિંદગીના ૯૦ ટકા સુખ કે દુઃખનો આધાર રહેવાનો છે.

૧૩. લોકોને ગુપચુપ રીતે, એમને ખબર પણ ન પડે તે રીતે મદદ કરવાની ટેવ પાડો.

૧૪. લોકોને એ જ ચોપડીઓ વાંચવા આપો જે પાછી ન આવે તો તમને બિલકુલ ચાલે તેમ હોય.

૧૫. કોઈની આશા છીનવી ન લેવી. શકય છે કે એ બાપડા પાસે આ એક જ વસ્તુ બચી હોય.

૧૬. બાળકો સાથે રમો ત્યારે એમને જીતવા દો.

૧૭. કોઈ વ્યક્તિ એક વાર ગંભીર ભૂલ કરે કે દગાબાજી કરે તો પણ એની સાથનો સંબંધ તદ્દન તોડી ન નાખો. એને બીજી તક્ આપો. હા, જો એ પાછી વાયડાઈ કરે કે ફ્રીથી તમને છેતરે તો ત્રીજી વાર ચાન્સ નહીં આપવાનો.

૧૮. રોમેન્ટિક બનો.

૧૯. અત્યંત પોઝિટિવ અને ઉત્સાહી માણસ બનો.

૨૦. હળવા બનો. સતત આખી દુનિયાનો ભાર માથા પર રાખીને ર્ફ્યા કરવાની જરૂર નથી. જીવન-મરણની કટોકટીને બાદ કરતાં બીજી કોઈ વાત એટલી ગંભીર હોતી નથી જેટલી એ પહેલી નજરે દેખાય છે.

૨૧. સ્વજન કે પ્રિયજન સાથે કવોલિટી ટાઇમ પસાર કરતા હો ત્યારે ફેનને દૂર રાખો. તમારો ફેન તમારી સુવિધા માટે છે, તમને કોલ કે મેસેજ કરનારાઓની સુવિધા માટે નહીં.

૨૨. હારો તો પણ ગરિમાપૂર્વક હારો.

૨૩. જીતો ત્યારે શાલીનતા જાળવી રાખો.

૨૪. તમારી ખાનગી વાતનો બોજ મિત્ર પર નાખતા પહેલાં બે વાર વિચારજો.

૨૫. કોઈ તમને ભેટે ત્યારે અળગા થવાની ઉતાવળ ન કરવી. સામેનો માણસ તમને ન છોડે ત્યાં સુધી આલિંગનબદ્ધ રહો.

૨૬. નમ્ર બનો. તમે જન્મ્યા તે પહેલાં આ દુનિયામાં કંઈ કેટલાય અદ્ભુત માણસો કંઈ કેટલીય અદ્ભુત સિદ્ધિઓ મેળવી ચૂકયા છે.

૨૭. વ્યવહાર તેમજ સંબંધો સીધા અને સરળ રાખવા. જિંદગીને ગૂંચવી મારવી નહીં.

૨૮. જેને કશું જ ગુમાવવાનું નથી એવા માણસથી સાવધ રહેવંુ.

૨૯. જેને ઓળંગીને આવ્યા હો તે પુલોને બાળી ન નાખવા. જીવનમાં એકની એક નદી વારંવાર, આપણને નવાઈ લાગે એટલી બધી વાર ક્રોસ કરવી પડતી હોય છે.

૩૦. જિંદગી એવી રીતે જીવો કે તમારી લાઇફ પરથી ધારો કે પુસ્તક લખાય તો એનું શીર્ષક આ જ રાખવું પડે – ‘નો રિગ્રેટ્સ’.

૩૧. બોલ્ડ બનો. હિંમતવાન બનો. પાછું વળીને જુઓ ત્યારે એવો અફ્સોસ ન રહેવો જોઈએ કે જિંદગીના ફ્લાણા મુકામે મેં ફ્લાણું પગલું કેમ ન ભર્યું? ફ્લાણો નિર્ણય કેમ ન લીધો? અથવા તો ફ્લાણી-ફ્લાણી વસ્તુ કેમ એકાદ વાર જ કરી?

૩૨. તમે સામેની વ્યકિતને ચાહો છો, એના માટે તમારા મનમાં આદર છે એવું વ્યક્ત કરવાની એક પણ તક ન છોડો.

૩૩. યાદ રાખો, માણસ એકલપંડે કશુંય હાંસલ કરી શકતો નથી. એની સિદ્ધિમાં અન્ય લોકોનો વત્તોઓછો ફળો હોવાનો જ. આથી દિલ વિશાળ રાખો અને તમને મદદરૂપ થનાર તમામની આદરપૂર્વક નોંધ લો.

૩૪. તમારી એટિટયુડ તમારે જ નક્કી કરવાનો છે. તમારું વર્તન તમારે જ ઘડવાનું છે. જો તમે નહીં ઘડો તો સામેનો માણસ પોતાની અનુકૂળતા પ્રમાણે તમારું વર્તન નક્કી કરી નાખશે.

૩૫. મિત્રો-સ્વજનો હોસ્પિટલમાં દાખલ થયા હોય ત્યારે એમને જોવા અચૂકપણે જાઓ.

૩૬. દિવસની શરૂઆત તમારી મનગમતી પ્રાર્થનાથી કરો.

૩૭. રોજ એકના એક રસ્તેથી આવ-જા ન કરવું. કયારેક રળિયામણો અથવા કમસે કમ થોડોક બહેતર હોય એવો રસ્તો પસંદ કરવો.

૩૮. તમારા માટે મહત્ત્વના હોય એવા લોકોને ખૂબ બધાં ગ્રિટિંગ્સ કાર્ડ્સ મોકલવાની ટેવ પાડો. એમને દિલપૂર્વક કહો કે તમે યાર, બહુ મસ્ત માણસ છો.

૩૯. કોઈનો ફેન આવે ત્યારે હંમેશાં ઉત્સાહપૂર્વક જવાબ આપવો. તમારા અવાજમાં એનર્જી વર્તાવી જોઈએ.

૪૦. તમારી પથારીની બાજુમાં કાયમ નોટ-પેડ રાખી મૂકવા. અફ્લાતૂનમાં અફ્લાતૂન આઇડિયા કયારેક મધરાતે આવતા હોય છે. સવારે ઊઠો ત્યાં સુધીમાં એ વિચાર દિમાગમાંથી છટકી ગયો હોય ને પછી કેમેય કરીને તે યાદ જ ન આવે એવું ન બનવું જોઈએ.

૪૧. મહેનતની કમાણી કરતા મનુષ્યમાત્રનો આદર કરો. કામધંધો ગમે તે હોય. એનાથી કશો ર્ફ્ક પડતો નથી. કોઈ કામ નાનું હોતું નથી.

૪૨. પ્રિયજનોને ફૂલો કે ભેટ મોકલો. કારણ અથવા નિમિત્ત પછી શોધજો.

૪૩. ટોલ નાકા પર કતારમાં તમારી પાછળ ઊભેલી અજાણી કારનો ટોલ કયારેક તમારે ભરી દેવો. એ કારમાં બેઠેલી અજાણી વ્યકિતઓને આ રીતે પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપો!

૪૪. એવું જીવન જીવો કે કોઈ તમને તમારો રોલમોડલ યા તો હીરો બનાવે.

૪૫. લગ્ન કેવળ અને કેવળ પ્રેમ માટે કરો. જ્યારે બીજાં બધાં ઓજારો બુઠ્ઠા થઈ જશે, વપરાઈ જશે કે ખોવાઈ જશે ત્યારે પ્રેમ જ એક એવી વસ્તુ છે જેના સહારે જીવી શકાશે.

૪૬. કૃતજ્ઞા બનો. તમને મળેલાં આશીર્વાદ હંમેશાં યાદ રાખો.

૪૭. મહેમાન બનીને કોઈના ઘરે જમવા જાઓ ત્યારે રસોઈના વખાણ કરવાનું ભૂલશો નહીં.

૪૮. રસ્તામાં, સ્કૂલબસમાં કે ગમે ત્યાં બાળકો દેખાય તો હસીને એમની સામે હાથ હલાવો.

૪૯. યાદ રાખો, કોઈપણ કામધંધાની સફ્ળતાનો ૮૦ ટકા આધાર તમે અન્ય લોકો સાથે કેવો વ્યવહાર કરો છો તેના પર રહેલો હોય છે. આનું નામ જ ઇમોશનલ ઇન્ટેલિજન્સ.

૫૦. રોજ એવું કશુંક કામ જરૂર કરવું કે જેથી સામેવાળી વ્યકિતએ તમને થેન્કયુ કહેવું પડે.

[email protected]