સુખ પ્રાપ્તિ - Sandesh

સુખ પ્રાપ્તિ

 | 4:38 am IST

કેલિડોસ્કોપઃ મોહમ્મદ માંકડ

મંદિર પાસે ભિક્ષાની અપેક્ષાએ એક ભિક્ષુક ઊભો હતો. મોટી સંખ્યામાં આસ્થાળુઓની આવન-જાવન ચાલુ હતી. ભિક્ષુક ભીખ માટે હાથ લંબાવતો ત્યારે કોઈ એને બીજા પાસે માગવાની સલાહ આપતા, તો કોઈક તો એને ભિક્ષા માગવા બદલ ધમકાવી પણ નાખતા.

ઘણાં કલાકો એમ જ પસાર થઈ જવાથી, હતાશ થઈને, એ એક મસ્જિદે જઈને ઊભો રહ્યો. ત્યાં પણ એને મંદિર જેવો જ અનુભવ થયો. પૈસા ન મળ્યા.

ચર્ચ, દેરાસર અને બીજા કેટલાક ધર્મસ્થાનોએ પણ એ આંટો મારી આવ્યો. લોકોએ પૈસા આપવાના બદલે સલાહ આપી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકીને છેવટે એ થાકી ગયો.

હતાશ થઈને, દિવસના અંતે રાતવાસો કરવા એણે એક ધર્મશાળાની વાટ પકડી. રસ્તામાં દારૂના એક પીઠા પાસેથી એને પસાર થવાનું આવ્યું. શું કરે? મજબૂર હતો, એ જ રસ્તો ધર્મશાળાએ જતો હતો.

દારૂના પીઠા પાસેથી એ પસાર થતો હતો ત્યારે એની ધારણા બહારનો એક બનાવ બન્યો. પીઠામાંથી શરાબ પીને એક શરાબી નીકળ્યો અને ભિક્ષુક કશો વિચાર કરે એ પહેલાં તો શરાબીએ ભિક્ષુકને પોતાના ખિસ્સામાં હતા એ તમામ પૈસા આપી દીધા. ભિક્ષુક તો અવાક થઈ ગયો. શરાબી તો ચાલ્યો ગયો, આભારના શબ્દો સાંભળવા પણ રોકાયો નહિ.

ભિક્ષુક માટે તો આ એક આૃર્યજનક અને ચમત્કારિક બનાવ હતો. એના મોઢામાંથી શબ્દો સરી પડે છેઃ “હે ઈશ્વર, તું પણ ખરો છે! વસે છે ક્યાંક અને સરનામું ક્યાંક બીજું જ આપે છે!”

એને ઈશ્વરનું દર્શન દારૂના પીઠામાં થાય છે! મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં એને ઈશ્વરનો કયાંય ભેટો થતો નથી! જીવનની વિચિત્રતા જ એ છે કે આપણે આપણી ધારણાઓ મુજબ અપેક્ષાઓ રાખીએ છીએ, પરંતુ આપણે એમ વિચારી શક્તા નથી કે આપણી ધારણાઓ મુજબ જગતનો, સૃષ્ટિનો કારોબાર ચાલતો નથી. જીવનને એના પોતાના નિયમો હોય છે અને એ નિયમો આપણે સમજવા જોઈએ. ધારી લેવા ન જોઈએ.

સામાન્ય રીતે માણસની ધારણા એવી હોય છે કે ધાર્મિક સ્થાનો ઉપર આવતા-જતાં માણસો ધાર્મિકવૃત્તિથી પ્રેરાઈને દાન-ધરમ કરતા હોય છે, પરંતુ ઉપરની કથામાં છે એમ એથી તદ્ન વિપરીત પરિસ્થિતિ પણ હોઈ શકે છે. ધાર્મિક સ્થાનો પરથી કશું નથી મળી શક્તું અને વિચિત્ર રીતે એક શરાબી પાસેથી પૈસા ભિક્ષુકને મળે છે.

ઉપરની કથા તો એક કટાક્ષિકા છે. હંમેશાં એવું બની શક્તું નથી અને એનો અર્થ એવો પણ નથી કે ધાર્મિક સ્થાનો ઉપર ધાર્મિક માણસો હોતા નથી.

અહીં આપણે એક બીજી ઘટના જોઈએ.

એક નાના ગામમાં બે માસુમ બાળકોને મૂકી એક વિધવા બાઈ મૃત્યુ પામી. એના પાડોશીએ સાવ સહજ રીતે એ બાળકોને ઉછેરવાનું શરૂ કર્યું. એનું પોતાનું કુટુંબ પણ નાનું નહોતું. ઘરમાં નાના-મોટા પંદર માણસો હતા અને આવક ઘણી ઓછી હતી. છતાં પેલાં બે બાળકો તેમાં સમાઈ ગયા અને એ પણ એવી સરસ રીતે કે બંને બાળકો ઠીક ઠીક મોટા થયા ત્યાં સુધી પોતાનાં ખરાં મા-બાપની પણ એમને ખબર ન પડી. એ દિવસોમાં અનેક સારા-બૂરાં સંજોગો આવી ગયા,

પણ એ પાડોશીએ પેલાં બે બાળકોની મિલકતને સ્પર્શ સુદ્ધાં ન કર્યો. વિધવા માતાએ છોડેલી નાનકડી મૂડી તો પાડોશીએ સાચવી જ રાખી. પણ ઘરનું કોઈ વાસણ કે નાનકડી વસ્તુ પણ ન વેચી. બંને બાળકો મોટાં થયાં અને સહેજ પગભર થયાં એટલે બધું અકબંધ તેમને સોંપી દીધું.

આ ઘટના તો આપણી છે, પણ દુનિયાભરમાં આવા હૃદયસ્પર્શી પ્રસંગો બનતા જ રહે છે અને ક્યારેક તો આપણને એવી પ્રતીતિ થાય છે કે કેટલીકવાર નાના ગણાતાં માણસો મોટા કહેવાતા માણસો કરતાં પણ ઘણા વધારે ગજાના હોય છે.

કેટલીકવાર તો આપણને એમ પણ થાય છે કે મોટા માણસો ખરેખર મોટા હોય છે ખરા? અલબત્ત, એ લોકો શક્તિશાળી હોય છે અને સમયને વર્તી જાણનારા હોય છે, પણ ભલાઈ અને માનવતાની બાબતમાં તો નાના લાગતા માણસો જ પેલા મોટા કહેવાતા માણસો કરતાં ચડિયાતા હોય છે.

સમાજમાં આપણને એવા અનેક પ્રસંગો જોવા મળે છે કે જેમાં કોઈપણ સગાઈ-સગપણ વિના કે માત્ર પાડોશી હોવાના નાતે પણ માણસો બીજા માટે ઘસાઈ છૂટતા હોય છે કે કેટલીકવાર એમના માટે મોટું જોખમ વહોરી લેતા હોય છે.

પરંતુ આપણે દુઃખી એટલા માટે થતા હોઈએ છીએ કે, જે દેખાય છે એને આધારે આપણે દોડીએ છીએ. પણ ઘણીવાર જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ હોય છે. આપણે સુખ જોતું હોય છે પણ ઘણીવાર ભળતી જ વસ્તુ પાછળ આપણે દોડીએ છીએ. સુખ મેળવવા માટે માણસ આખી જિંદગી પૈસા કમાવામાં ખર્ચી નાખે છે કે સત્તા મેળવવામાં ખર્ચી નાખે છે અને પછી એને સુખ નથી મળતું ત્યારે એ વધુ દુઃખી થઈ જાય છે.

બીજું, આપણે એવો પ્રયાસ કરીએ છીએ કે આપણી પાસે સુખનું જે સરનામું હોય ત્યાંથી જ આપણને એ મળવું જોઈએ. આપણે એવું વિચારતા જ નથી કે આપણી ધારણા હોય એ અપેક્ષિત વસ્તુએ સરનામે હોય જ નહિ. એવું પણ બને અને એવા સંજોગોમાં નિરાશ થવાના બદલે જો આપણે થોડી વધુ શોધ કરતાં રહીએ, એક જ સરનામાને જડ જેમ વળગી ન રહીએ તો એ બીજેથી મળી શકે છે. એક બારણું બંધ હોય પણ બીજું બારણું ખુલ્લું હોઈ શકે છે.

ધારણા ન હોય એવી જગ્યાએ ઈશ્વરનો વાસ હોઈ શકે છે અને એ જ રીતે ધારણા ન હોય ત્યાંથી સુખની પ્રાપ્તિ થઈ શકે છે.