સુખી અને સલામત જીવન માટે સ્ત્રીએ કેવું, શું કરવું ? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • સુખી અને સલામત જીવન માટે સ્ત્રીએ કેવું, શું કરવું ?

સુખી અને સલામત જીવન માટે સ્ત્રીએ કેવું, શું કરવું ?

 | 1:58 am IST

અમિતા મહેતા :- કવર સ્ટોરી

જીવન અનિશ્ચિતતા અને જોખમોનો સરવાળો છે. ક્યારે કઈ મુસીબત આવી પડે એ કહેવાય નહીં. પરંતુ સાવધાની મુસીબતોને હળવી બનાવી શકે કે એની સામે ઝઝૂમવાનું બળ આપી શકે. સ્ત્રીઓએ પણ એમનાં જીવનને સરળ, તનાવરહિત અને આનંદિત રાખવું હોય તો સમજણની આંખ ખુલતાં જ અમુક બાબતોને જીવનનો ભાગ બનાવી લેવી જોઈએ.

પહેલું સુખ તે જાતે નર્યા અને હેલ્થ ઈઝ વેલ્થ એવું આપણે ગાઈ- વગાડીને કહીએ છીએ, પરંતુ આજે પણ સરેરાશ ભારતીય સ્ત્રીઓ પોતાની હેલ્થ માટે અવેર નથી. છેલ્લા દાયકામાં પાતળા બનવાની ઈચ્છાએ ફ્ટિનેસ માટેની ભૂખ મહિલાઓમાં જગાડી છે, પણ આ મહિલાઓ પ્રાયઃ નવી પેઢીની છે અને શહેરીની છે ગામડાઓમાં તો હજુ પણ સ્ત્રીઓ એનિમિયા, ટી.બી., પ્રેગ્નન્સી પ્રોબ્લેમ અને મેન્સ્ટુઅલ પ્રોબ્લેમથી પીડાય છે. થોડા સમય પહેલાં મેટ્રોપોલીસ હેલ્થકેર લિમિટેડ દ્વારા દેશનાં ૪ મહાનગરો દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને મુંબઈની મહિલાઓ પર થયેલા સર્વે મુજબ યુવાન મહિલાઓમાં યૂટરસ, માઉથ કેન્સર, ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી બીમારીઓ ઝડપથી વધી રહી છે. સ્ટ્રેસ અને ડિપ્રેશન એ આધુનિક મહિલાઓનો એવો માનસિક રોગ છે કે જે બીજા અન્ય રોગોને જન્મ આપે છે. આજે સ્ત્રીઓ કામ કરતી હોવાથી પ્રીઝર્વેટીવ ફૂડ રેડી ટુ કૂક પર વધારે આધાર રાખે છે. ઘરે હેલ્ધી રસોઈ બનાવવાનો એના પાસે સમય જ નથી. વળી, જમવાનાં સમયની પણ અનિયમિતતા છે તેથી ઓબેસીટી, હોર્મોનલ ઈમ્બેલેન્સ અને કોલેસ્ટ્રોલની સમસ્યા ઉદ્દભવે છે. આજે એકલી રહેતી સ્ત્રીઓ તો સવારે ઓફ્સિ કેન્ટીનમાં અને સાંજે બહારથી ઓર્ડર કરીને જમે છે. સવારે ઉતાવળમાં બ્રેકફસ્ટ પણ સરખો કરતી નથી. ત્યારે હેલ્થ પ્રોબ્લેમ કોઈ ને કોઈ સ્વરૂપે આવે જ છે. સૌ…પહેલું પ્લાનિંગ ફ્ટિ રહેવાનું હોવું જોઈએ. ફ્ટિ બન્યા વગર ન હિટ થવાશે કે ન હોટ દેખાવાશે. ફ્ટિનેસ માટે દરેક સ્ત્રીઓ પોતાની બોડી પ્રમાણે ઈફેક્ટીવ એક્સરસાઈઝ પેર્ટન એક્સ્પર્ટ પાસે શોધવી પડશે. એના વિના ફ્ટિનેસનું સપનું જોવું એ નરી મૂર્ખામી છે. સેકન્ડ બાબત છે ડાયેટ.. હેલ્ધી સ્નેક્સ તમારા ઘરમાં સ્ટોર કરી રાખો. અને સવારનો બ્રેકફસ્ટ રાજાની જેમ કરો. બ્રેકમાં એકાદ ફ્રૂટ લો..પાણી વધારે પીઓ. એકાદ સારી હોબી ડેવલપ કરો, તમારી શક્તિ પ્રમાણેનો જ વર્ક ટાર્ગેટ નક્કી કરો, તમારા કામને એન્જોય કરો, અને થોડા ફ્લેક્સીબલ બનો તો હેલ્થ પ્રોબ્લેમ ઓછા આવશે. અને ગુડ હેલ્થ એ મોટામાં મોટી એસેટ છે એ વાત ક્યારેય ન ભૂલવું.

બીજા ક્રમે આવે છે એજ્યુકેશન અને કરિયર પ્લાનિંગ. દરેક સ્ત્રીએ સ્કૂલ લાઈફ્માં જ પોતે શું કરવું છે એ નક્કી કરી એ દિશાનું એજ્યુકેશન મેળવવું જોઈએ. બની શકે કે તમારે જે દિશામાં જવું છે એ માટે તમારા પેરેન્ટ્સ રેડી ન હોય. તો એ માટે પહેલેથી જ એમને મેન્ટલી પ્રીપેર કરો. જરૂર પડે તો કાઉન્સેલિંગ કરો. મોડેલિંગ, એક્ટિંગ કે સ્પોર્ટસમાં કરિયર બનાવવાની પરમિશન દરેક ઘરોમાં મળતી નથી. તેથી તમારું પેશન અને તમારી ટેલેન્ટ પર પેરેન્ટ્સ ભરોસો રહે એ માટે ધીરજ રાખવી પડશે. જ્યારે મેડિકલ જેવા ફીલ્ડમાં ફી પેરેન્ટ્સ એફેર્ડ ન કરી શકે તો તમારા સપનાનાં દરવાજા ખુલતાં પહેલાં જ બંધ થઈ જાય તેથી મેરીટમાં આવવું જરૂરી છે અને કદાચ બની શકે કે તમારું ગમતું ફીલ્ડ પસંદ ન કરી શકો. તો જે ફીલ્ડ મળે અને ગમતું કરીએ જ બેસ્ટ ઓપ્શન છે. ફ્રિયાદ કે અફ્સોસ કરવાને બદલે એમાં રસ લેશો તો કદાચ એને જસ્ટીફય કરી શકો. અને તમને ગમતાં કામને હોબી તરીકે ડેવલપ કરો…મેડિકલ એન્જિનિયરિંગ જેવાં કેટલાક અપવાદરૂપ ફીલ્ડ સિવાયનાં મ્યુઝિક, રાઈટિંગ, એન્કરિંગ, ડાન્સિંગ, ઈવેન્ટ મેનેજમેન્ટ, આર.જે કે ડી.જે અથવા તો ફેશન ડિઝાઈનિંગ કે જવેલરી ડિઝાઈનિંગ તથા કમ્પ્યૂટર ગ્રાફ્ક્સિ – વેબ ડિઝાઈનિંગને તમારા અન્ય કામ સાથે પણ કરી શકો. સો..અપસેટ થયા વિના સપના સજાવીને મહેનત કરવાનું પ્લાનિંગ કરો.

બીજું, કરિયર પસંદ કરવાથી કરિયર બની જતી નથી. કરિયરનાં ગ્રાફ્નો આધાર તમે કેટલાં મહત્ત્વાકાંક્ષી છો એનાં પર છે. શાંતિથી જે મળી તે જોબ કરવી અને પૈસા કમાઈ લેવા તે એક વાત છે અને પ્રગતિનાં શિખરો સર કરવા, કશુંક અસાધારણ એચીવ કરવું અને નામના કરવી એ બીજી વાત છે. તમને આ બેમાંથી કયે રસ્તે જવું છે એ સ્પષ્ટ કરી લો. શાંતિથી કામ કરવું છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ દિલમાં મહત્ત્વાકાંક્ષા છે તો પ્લાનિંગ કરવું પડશે. વધારે સમય કામમાં હશે તો ફેમિલી ડિસ્ટર્બ થશે. બાળકો હશે તો એમનાં પર પૂરતું ધ્યાન ન અપાશે. તમારી કરિયરની ગાડીને ફૂલ એક્સિલરેટર આપતાં પહેલાં પરિવારની સગવડ સચવાય, બાળકોની સંભાળ લેવાય, પતિનો અને ફેમિલીનો સપોર્ટ મળી રહે એ માટે આગોતરું પ્લાનિંગ સમજણ- સ્નેહ અને સહકારથી કરો. સફ્ળતાની રાઈને મગજમાં ભરવાને બદલે બધા સાથે નમ્રતાથી વર્તવાનો સંકલ્પ કરો, જબાનને થોડી મીઠી બનાવો, અને કંજૂસાઈ કરવાને બદલે કામ કરનારા માણસો માટે થોડા ઉદાર બનો. તો તમારું ઘર સચવાશે..ફેમિલી ઈગ્નોર ન થાય એ માટે સમયનું પ્લાનિંગ કરો અને સારા શબ્દો અને વર્તન દ્વારા એમનો આભાર માનતા રહો. તેઓ તમારા માટે મહત્ત્વનાં છે એ અહેસાસ એમને થાય એ રીતે વર્તવાની તમારી જવાબદારી છે. જો એ અહેસાસ અંદરથી હશે તો તમારું ફેમિલી તમારી સપોર્ટ સિસ્ટમ બનીને ઊભું રહેશે એમાં બે મત નથી.

કરિયર ઉપરાંત મહત્ત્વનું પ્લાનિંગ લગ્નનું છે. લગ્ન કઈ ઉંમરે કરવા અને કેવા પાત્ર સાથે કરવા એ સ્પષ્ટ હોય તો કરિયરનું પ્લાનિંગ સરળ બને છે. ૨૪-૨૫ વર્ષ આપણાં કલ્ચર પ્રમાણે લગ્નની બેસ્ટ ઉંમર છે. કારણ કે એ સમયે એજ્યુકેશન અને કરિયર બંનેની દિશા નક્કી હોય છે. તેથી પાત્ર શોધવામાં સરળતા રહે છે. બહુ મોટી ઉંમરે લગ્ન યોગ્ય પાત્ર, પ્રેગ્નન્સી અને એડજસ્ટ -મેન્ટમાં પ્રશ્નો ઊભા કરી શકે. અગર લગ્ન કરવા છે તો ક્યારે એનો નકશો મનમાં હોવો જરૂરી છે.

લગ્ન પછી પ્લાનિંગ કરવાનું છે બાળકોનું. લગ્નનાં કેટલા સમય પછી અને કેટલા બાળકો જોઈએ એ અંગે પતિ સાથે લગ્નનાં થોડા જ સમયમાં સ્પષ્ટતા કરી પ્લાનિંગ બનાવવું જોઈએ. બાળકનાં જન્મ પછી પણ તમારી જવાબદારી કેટલી વધશે? તમારે કરિયરમાં કેટલો બ્રેક લેવો પડશે? તમારે કઈ- કઈ તકલીફ ફેસ કરવી પડશે? બાળકનાં આવ્યા પછીની જવાબદારીનું તમારું આર્થિક આયોજન છે કે નહીં? ઈમરજન્સીમાં તમે કેટલી લીવ લઈ શકો ? તમારા હસબન્ડ પિતા બનવા માટે કેટલાં પ્રીપેર છે? એમનો સપોર્ટ કેટલો મળશે ? આ બધા પ્રશ્નોના જવાબ મેળવીને બાળકનું પ્લાનિંગ કરવું હિતાવહ છે. આજની કરિયર વુમન મોટી ઉંમરે બાળકને જન્મ આપવાનું પ્રીફ્ર કરે છે, પરંતુ ડોક્ટર્સનાં જણાવ્યા મુજબ દરેક કામ માટે એક યોગ્ય સમય હોય છે. એ સમય પસાર થઈ જાય તો શારીરિક-માનસિક મુશ્કેલીઓ જન્મી શકે.

અને હવે આવે છે ફઈનાન્શિયલ પ્લાનિંગ. એક વીમા કંપની દ્વારા કરાયેલા એક, સર્વે મુજબ મહિલાઓ જિંદગીના વિભિન્ન તબક્કા એ નથી નક્કી કરી શકતી કે એમનાં માટે શું ઉચિત છે. ખાસ કરીને આર્થિક આયોજન અંગે એ હંમેશાં ગૂંચવાયેલી રહે છે. મહિલાઓ વર્કિંગ હોય કે હાઉસવાઈફ એનામાં બચતની ટેવ જન્મજાત છે. પરંતુ બચતને રોકાણમાં પરિર્વિતત કરવાની ટેકનિક એને ખબર નથી હોતી.

જીવનમાં આવતી અનિશ્ચિતતાઓને પહોંચી વળવા ફઈનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે. એ સલામતી- આત્મનિર્ભરતા અને હળવાશ આપે છે, કાલે કોઈ સમસ્યા આવશે તો હું પહોંચી વળીશ એ વિશ્વાસ સ્ત્રીઓની બહુ મોટી જણસ છે. સારું એવું કમાતી સ્ત્રીઓ પાસે પણ પોતાના પૈસા ન હોય એવા હજારો ઉદાહરણો આપણી આસપાસ જોવા મળે છે. અને અનેક હાઉસવાઈફ્ને પતિના ઈકોનોમિક સ્ટેટસની જાણ નથી હોતી. તેઓ મુશ્કેલીનાં સમયે તૂટી પડે છે. ઘણી સ્ત્રીઓ ઘર સેટ થાય, બાળકો મોટા થાય પછી બચત શરૂ કરે છે. એમ રાતોરાત પૈસાનું આયોજન નથી થતું. તેઓ બહુ- બહુ તો દાગીના લે છે. પણ દાગીના એ ઈનવેસ્ટમેન્ટ નથી. દરેક મહિલાઓએ કમાણીનાં અમુક ટકા બચાવવાની ટેવ પાડવાની છે અને તે પણ યોગ્ય વળતર મળે એ રીતે. આજે રીકરિંગ, શેર બજાર, મ્યુચ્યુઅલ ફ્ંડ, વીમા યોજનાઓથી લઈને એફ.ડી. સુધીની વિવિધ પ્રકારની બચત યોજનાઓ છે. એનો તુલનાત્મક અભ્યાસ નેટ પર પણ કરી શકાય છે. ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સેલરની પણ સલાહ લઈ શકાય.

આ સિવાય તમારી હોબીઝ ડેવલપ કરવા માટે પણ પ્લાન બનાવો. કોઈપણ વસ્તુ નક્કી કરો એટલે એને સાકાર કરવાનો સમય મળી જ રહે છે.

[email protected]