હેપી બર્થ ડે : અસલી લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર - Sandesh
  • Home
  • Columnist
  • હેપી બર્થ ડે : અસલી લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર

હેપી બર્થ ડે : અસલી લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર

 | 2:54 am IST

ઇશ્યૂ ઇન ન્યૂઝ : વિનોદ પટેલ

મનોહર ગાવસ્કર ક્લબ લેવલે ક્રિકેટ રમતાં હતા અને તેમના સાળા માધવ મંત્રી ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર હતા. મનોહર ગાવસ્કરના પત્ની મિનલને ૧૦ જુલાઈ ૧૯૪૯ના રોજ પુત્ર જન્મ થયો તે પ્રસંગે મામા માધવ મંત્રીએ જોયું તો ભાણાના કાનમાં એક નાનો છેદ હતો. એ સમયે તો મામા કશું ન બોલ્યા, પણ બીજે દિવસે બહેન મિનલના હાથમાં જે બાળક જોયું તેના કાનમાં કાણું નહોતું એટલે મામા સાબદાં બન્યા. તેમને સમજાયું કે કંઈક ગરબડ છે. તેમણે તપાસ કરી તો જણાયું કે તેમની બહેનને બીજું જ બાળક થમાવી દેવામાં આવ્યું હતું. અંતે લાંબી શોધખોળ બાદ તેમને કાનમાં છેદવાળું મૂળ સંતાન એક માછીમાર મહિલા પાસેથી મળી આવ્યું. આ બાળક તે સુનીલ મનોહર ગાવસ્કર. ભારત સરકારે જેમનું પદ્મભૂષણ એવોર્ડ આપી સન્માન કર્યું છે તે અસલી લિટલ માસ્ટર સુનીલગાવસ્કર બુધવારે ૭૦ વર્ષના થયા છે. હેપી બર્થ ડે !

સુનીલ ગાવસ્કર એક એવા ક્રિકેટર હતાં જેમની કારકિર્દી બાળપણથી સુપેરે ઘડાઈ હતી. અગાઉ જણાવ્યું તેમ તેમના પિતા અને મામા ક્રિકેટર હતા એટલે પરિવારમાં ક્રિકેટનો માહોલ તો હતો જ. પણ તેમને સ્કૂલ પણ એવી મળી જ્યાં ક્રિકેટનું મહત્ત્વ હતું. સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં સુનીલ ગાવસ્કરની પ્રતિભા એક ક્રિકેટર તરીકે મહોરી ઊઠી હતી. તેમને ૧૯૬૬માં દેશના શ્રેષ્ઠ સ્કૂલ બોય ક્રિકેટર જાહેર કરવામાં આવ્યા હતા. એ પછી તો તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૯૬૬-૬૭માં પદાર્પણ કર્યું અને તેઓ એ સમયે વઝીર સુલતાન કોલ્ટસ ઇલેવનનું પ્રતિનિધિત્વ કરતા હતા.

આમ એક સફળ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર તરીકે કારકિર્દી જમાવનાર સુનીલ ગાવસ્કરને ૧૯૭૧માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ટેસ્ટ કેપ આપવામાં આવી. એ સમયે તેમણે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલરોને ઝૂડી નાંખી પહેલી જ મેચથી એક ખતરનાક બેટ્સમેન તરીકે બોલરો પર ધાક જમાવી દીધી હતી. પાંચ વર્ષ બાદ બીજી વેસ્ટ ઇન્ડિઝની ટૂર ૧૯૭૫-૭૬માં યોજાઈ ત્યારે તેમણે બીજી અને ત્રીજી ટેસ્ટમાં એક પછી એક એમ બે ઉપરાછાપરી સદીઓ ફટકારી ક્રિકેટચાહકોના દિલમાં સ્થાન બનાવી લીધું હતું. ૧૯૭૫માં રમાયેલા વર્લ્ડ કપમાં પણ ચોથી ઇનિંગમાં તેમણે સદી ફટકારતાં ભારત પોર્ટ ઓફ સ્પેન ખાતે ૪૦૩ રનના લક્ષ્યને હાંસલ કરી શક્યું હતું. એ પછી ઓપનિંગ બેટસમેન તરીકે સુનીલ ગાવસ્કરે ભારતની ટીમમાં ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં એવો સિક્કો જમાવી દીધો હતો કે તેની સામે આ પંદર વર્ષના અરસામાં ૨૦ વિવિધ ઓપનિંગ પાર્ટનરો આવી ગયા. તેમાં જાણીતા બેટસમેનોમાં ચેતન ચૌહાણ, અંશુમાન ગાયકવાડ અને ક્રિશ્નામાચારી શ્રીકાંતનો સમાવેશ થાય છે. ગાવસ્કરની એ સમયે ૫૦ રનની એવરેજ હતી ત્યારે તેમના પાર્ટનરોની ૩૦ રનની એવરેજ હતી. એ જમાનામાં આ અભૂતપૂર્વ એવરેજ હતી.

સુનીલ ગાવસ્કરને એ જમાનામાં હેલ્મેટ વિના એ જમાનાના ખતરનાક બોલરો ઓસ્ટ્રેલિયાના થોમસ લીલી, જ્હોન સ્નો, બોબ વિલિસ, ઇમરાન ખાન, રિચર્ડ હેડલી અને જેફ થોમસનનો સામનો કરવાનો આવ્યો હતો, પરંતુ એમનાથી પણ વધારે ખતરનાક તો વેસ્ટ ઇન્ડિઝના માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને જોએલ ગાર્નર હતા. એ સમયે ગાવસ્કર અને વિવિયન રિચાર્ડે હેલ્મેટ પહેર્યા વિના જ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ એક દિવસ જેની ધારણા હતી તે બન્યું. ૧૯૮૩માં જ્યોર્જ ટાઉન ખાતે માલ્કમ માર્શલનો એક બોલ ગાવસ્કરના માથામાં વાગ્યો, પરંતુ ગાવસ્કરે ગભરાયા વિના બીજા જ બોલે ચોગ્ગો ફટકારી તેના મિજાજનો પરિચય આપી દીધો હતો. એ દિવસે તેણે અણનમ ૧૪૭ રન નોંધાવ્યા હતા, પરંતુ એ એક નસીબનો ખેલ જ હતો કે તેને આ ઘટનામાં ગંભીર ઈજા ન થઈ. એ પછી ગાવસ્કરે એક સ્કલ કેપ પહેરવાની શરૂ કરી હતી.

ભારતના કેપ્ટન તરીકે સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ મિક્સ રહ્યો છે. એ સમયે ભારત પાસે ફાસ્ટ બોલરો જ નહોતા. એ સમયે મીડિયમ પેસરો મદનલાલ, કરસન ઘાવરી અને મોહિન્દર અમરનાથ વિખ્યાત હતા. એ પછી ખરાં અર્થમાં કપિલ દેવનું ફાસ્ટ બોલર તરીકે આગમન થયું હતું, પરંતુ ગાવસ્કર પાસે એક કેપ્ટન તરીકે ફાસ્ટ બોલરો ન હોવાથી તેમણે કેપ્ટન તરીકે ડિફેન્સિવ વ્યૂહ અપનાવ્યો હતો. જેને કારણે તેમણે જીતેલી મેચોની સંખ્યા હારેલી મેચોની સંખ્યા કરતાં વધારે છે પણ ડ્રો થયેલી મેચોની સંખ્યા સૌથી વધારે છે.

જો કે, એ સમયે શોર્ટ વેવ પર ટ્રાન્ઝિસ્ટર પર કોમેન્ટરી સાંભળીને મેચનો આનંદ લેનારાઓ માટે એક જ વાત મહત્ત્વની રહેતી. લોકો રેડિયોવાળાંને એક સવાલ પૂછતાં ગાવસ્કર રમે છે ને? જો જવાબ હા હોય તો મેચ જીતવાની હજી આશા છે. ૧૯૮૭માં બેંગ્લોરમાં તેની છેલ્લી ટેસ્ટ ઇનિંગમાં પણ પાકિસ્તાની ટીમના કેપ્ટન અને ફાસ્ટ બોલર ઇમરાન ખાને આખી મેચમાં માત્ર પાંચ ઓવર જ નાંખી હતી. ભારતે ૨૨૧ રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો, પરંતુ ભારત માત્ર ૧૬ રનથી હારી ગયું હતું. ૧૯૮૩માં પ્રુડેન્શિયલ કપ અને ૧૯૮૫માં વર્લ્ડ કપમાં ભારતનો વિજય થવાને પગલે વન ડે ક્રિકેટની બોલબાલા વધી હતી. ગાવસ્કરને આ ફોર્મ સામે વાંધો હતો.

જો કે એ પછી ક્રિકેટર તરીકે રિટાયર્ડ થયા બાદ ઇમ્પેકેબલ ઇંગ્લિશ બોલતાં સુનીલ ગાવસ્કરે કોમેન્ટેટર તરીકે બીજી ઇનિંગ ચાલુ કરી જે હજી ચાલુ છે. જો કે, રસપ્રદ બાબત એ છે કે સુનીલ ગાવસ્કરને મૂળમાં તો કુસ્તીબાજ બનવું હતું અને તે મારુતિ વડાર નામના કુસ્તીબાજના મોટા ફેન હતા. તેઓ એ જ રીતે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર રોહન કન્હાઇના પણ જબરજસ્ત ફેન હતા. એટલે જ તો તેમણે પોતાના પુત્રનું નામ રોહન પાડયું છે. તો આ છે આપણાં ઓરિજિનલ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર જે જીવનના સાતમાં દાયકામાં પ્રવેશ્યા હોવા છતાં યુવાનોને શરમાવે તેવા ફિટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન