સુખી લગ્નજીવનની ચાવી પરસ્પરનું સાંનિધ્ય - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • સુખી લગ્નજીવનની ચાવી પરસ્પરનું સાંનિધ્ય

સુખી લગ્નજીવનની ચાવી પરસ્પરનું સાંનિધ્ય

 | 12:02 am IST

દાંપત્ય । વર્ષા રાજ

હિમાની છેલ્લા પાંચ વર્ષથી સુખદ્ દાંપત્યજીવન વીતાવી રહી હતી. તેનો પતિ આનંદ પ્રેમાળ અને કુટુંબપ્રેમી છે. તેઓના બે સુંદર બાળકો છે. નાનું બાળક એક વર્ષનું છે, પરંતુ છેલ્લા થોડા સમયથી આનંદ રોજ મોડે આવે છે અને મોડા આવવા માટે રોજ જુદા જુદા કારણો રજૂ કરે છે. થોડા દિવસ પછી એક કઝીન પાસેથી જે સમાચાર મળ્યા તે સાંભળીને હિમાનીના માથે જાણે કે આભ તૂટી પડયું! તેની કઝીને આનંદને એક અજાણી સ્ત્રી સાથે રેસ્ટોરાંમાં જોયો હતો. હિમાની વિચારશીલ સ્ત્રી છે. તેણે આમ બનવા પાછળના કારણો શોધવા પ્રયત્ન કર્યો. તેને થયું કે, શું તેણે તેના પતિનું પૂરતું ધ્યાન રાખ્યું નથી? તેનો પતિ શા માટે બીજી સ્ત્રી તરફ ખેંચાયો?

માયા સાચે જ તેના પતિ મયંકની પ્રિયા હતી. તેઓના લગ્નને દસ વર્ષ થયા છે. બે વર્ષ પહેલાં મયંકની બદલી દૂરના કોઈ નાના શહેરમાં થઈ. માયા એક સારી શાળામાં નોકરી કરતી હોવાથી તે તેના પતિ સાથે ના ગઈ. તે શાળામાં તેઓના બંને બાળકો નિઃશુલ્ક શિક્ષણ મેળવતાં હતાં. મયંકનો પગાર ઘણો મોટો હતો તેથી તે પણ નોકરી છોડવા તૈયાર ન હતો. આમ દૂર રહેવાને કારણે તેઓ પોતાની સ્વતંત્ર જિંદગી જીવવા માંડયા. દૂર રહેવાને કારણે ભાવનાત્મક અંતર પણ આવી ગયું. મયંક અન્ય એક સ્ત્રી સાથે સંબંધ બાંધી બેઠો અને તેનું લગ્નજીવન જોખમમાં આવી ગયું.

પુરુષ પોતાની પત્નીથી દૂર જાય એની પાછળ ઘણાં કારણો હોય છે. કેટલાંક કારણો પત્નીની બેપરવાહીને કારણે જન્મે છે. જ્યારે કેટલાંક પતિની ભ્રમરવૃત્તિને કારણે હોય છે. પોતાની બેપરવાહીને કારણે આમ ના બને તે દરેક પત્નીએ સમજી લેવું જોઈએ. પતિ વફાદાર રહે તે માટે પત્નીએ સજાગ અને પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.

સ્ત્રીનું વર્તન, વાણી, જીવનશૈલી, માલિકીભાવ, વર્ચસ્વપણું, બોલવાની રીતભાત, વારંવાર પતિને ટોકવાની ટેવ, ફરિયાદો, ઈર્ષા વગેરે એવી નકારાત્મક બાબતો છે. જે તેને તેના પતિથી દૂર કરી દે છે. કેટલાંક કિસ્સાઓમાં પત્નીથી કંટાળેલો પુરુષ બીજી સ્ત્રીમાં સંતોષ મેળવવા પ્રયત્ન કરે છે. ઘરની વડીલ સ્ત્રીઓ પોતાના ઘરની દીકરીઓને આ બાબતમાં સલાહ આપતી હોય છે. પતિને પોતાની સાથે કેવી રીતે જોડીને રાખવો તે બાબતે તેઓ અનુભવ હોવાને કારણે દીકરીઓને આ દિશામાં તેઓ માર્ગદર્શન આપી શકે છે.

યાદ રાખવા જેવા સૂચનો :

પતિની સંભાળ લો. તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હંમેશા તે પૂરી કરવા પ્રયત્ન કરો. પતિ ઘરે હોય ત્યારે તમારા કામોને બાજુ પર રાખીને તેના પર ધ્યાન આપો. પતિને સતત એવી અનુભૂતિ કરાવો કે તમે તેને ખૂબ પ્રેમ કરો છો. તેની સિદ્ધિઓને બિરદાવો. મદદ કરે તો તેના તરફ કૃતજ્ઞાતા પ્રગટ કરો. તેના સ્વમાનને જાળવો.

પતિને ખુશ રાખવાનો અક્સીર ઇલાજ છે તેને તેની મનપસંદ વાનગીઓ બનાવીને ખવડાવવી. સ્ત્રી માટે આ કામ જરાય મુશ્કેલ નથી. તેને આગ્રહ કરીને વધુ પડતું ન ખવડાવશો, પરંતુ તેની રુચિ અનુસારના સ્વાદનું ભોજન બનાવો.

હંમેશાં પતિના સાંનિધ્યમાં રહેવાનો પ્રયત્ન કરો. તમારી વચ્ચે કોઈ પ્રકારનુ ંઅંતર ઊભું ન થાય તેનું ધ્યાન રાખો. અલગ શહેરોમાં રહેવું, લાંબો સમય પિયરમાં રહેવું વગેરે જેવા વલણો અંતર ઊભું કરે છે. તે કરવાનું ટાળો. જરૂર પડે તો તમારું કામ છોડવા પણ તૈયાર રહો, પરંતુ પતિને એકલો ના છોડશો.

શંકાશીલ કે માલિકીભાવ રાખ્યા વિના પતિની પ્રવૃત્તિઓ પર નજર રાખો. શંકા લગ્નજીવનને બરબાદ કરે છે. તમારી અંતરંગત મિત્ર કે સંબંધી પર પણ નજર રાખો. આ પ્રકારના લોકો પણ પુરુષોને પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરતાં હોય છે.

હંમેશાં તમારા પતિના આધાર બનીને રહો. નાની બાબતોમાં રોકટોક ના કરશો. વર્ચસ્વ કે અધિકાર જમાવવાથી દૂર રહો.

જો આમ નહીં કરો તો તમારા પતિ લાંબો સમય ઘરની બહાર રહેવાનો પ્રયાસ કરશે. જેનું પરિણામ લગ્નેતર સંબંધ સ્વરૂપે આવી શકે છે.

તમે વ્યસ્ત કે થાકેલા હોવ તો પણ ક્યારેય તમારા પતિની ઈચ્છાને અવરોધશો નહીં. જ્યાં તેની ઈચ્છાને માનવી શક્ય ના હોય ત્યાં પ્રેમથી વાતને વાળી લો અથવા ભવિષ્યનો વાયદો કરીને વાતને ત્યાં જ અટકાવી દો. પછી જ્યારે અનુકૂળ સમય લાગે ત્યારે પતિને આમંત્રણ આપીને તેની ઈચ્છા પૂરી કરો. ક્યારેક હળવી મજાક કે ટીખળનો સહારો લો.

બાળકો પર વધુ સમય ગાળીને પતિની અવગણના ના કરશો. બાળકોને મહત્ત્વ આપવું જરૂરી છે, પરંતુ તમારા દાંપત્યના ભોગે નહીં. બંને સંબંધો વચ્ચે સંતુલન રાખો. બાળકોના ઉછેરમાં પતિનો સાથ લો જેથી પતિને પણ તે કામનું મહત્ત્વ સમજાય અને સહકાર આપે.

જૂના લાગતા આ સૂનો આજના સમયમાં પણ એટલાં જ પ્રસ્તુત છે. તેનાથી તમારું સ્થાન નીચું નહીં પડે, તમારું મહત્ત્વ અને પ્રદાન વધી જશે. તમારું લગ્નજીવન મજબૂત રહેશે. આધુનિકતાનો અર્થ એ નથી કે કૌટુંબિક અને સામાજિક મૂલ્યોને ભૂલી જવા. જે પત્નીઓ પોતાના પતિને ખુશ રાખી શકે છે તે પોતે પણ હંમેશાં ખુશ રહે છે. સમય ગમે તેટલો બદલાય, મૂળભૂત માનવીય સ્વભાવ એ જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન