નુકસાનકારક ચિન્હો - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS

નુકસાનકારક ચિન્હો

 | 3:07 am IST

વાંકીચૂકી ને આછી-પાતળી રેખા

વાંકીચૂંકીને ઓછી પાતળી રેખા એ પ્રથમ નંબરનું અશુભ ચિન્હ છે. એ મનુષ્યના જીવનની ચડતી-પડતીના ચમકારા બતાવે છે.

ફાંટા પડતી રેખા

ફાંટા પડતી રેખા એ બીજા નંબરનું અશુભ ચિન્હ છે. તે મનુષ્યના મગજનું સમતોલપણું હલાવી નાંખે છે અને કેટલીક વખત તેને કરવાનું હોય છે કંઈક ને કરાવી નાંખે છે કંઈક, આવી ફાંટાવાળી રેખા ઘણી વખત મનુષ્યના ધંધા બદલાવે છે. જેમ જેમ આવી ફાંટાવાળી રેખા વધારે ગાઢી અને સ્પષ્ટ થતી જાય છે, તેમ તેમ મનુષ્યના જીવનનો ક્રમ બદલાતો જાય છે, અને કોઈ કોઈ વખત તો ક્રમ અને ધંધો તદ્ન બદલાઈ જાય છે. આવી રેખાવાળા ઘણાય ડાહ્યા માણસો ખટપટીયા થઈ ગયેલા માલૂમ પડે છે ને ઘણાય ડાહ્યા ખટપટીયા માણસો ડાહ્યા ને વિવેકી માલૂમ પડે છે. આવી રેખાવાળા માણસો પોતાનો ધંધો પણ બદલી નાંખે છે.

ટાપુ

ટાપુ એ ત્રીજા નંબરનું અશુભ ચિન્હ છે. એ રેખા કે પહાડમાં ખામીનું સૂચન કરે છે હંમેશાં એ આવનાર આપત્તિનું સૂચન કરે છે ને હંમેશાં એ ઓછું-વત્તું નુકસાન જ કરે છે. જેમ ભોંયે પડેલો પોદળો માટી લીધા સિવાય ઉખડતો નથી, તેમ રેખા કે પહાડમાં આવી પડેલા ટાપુ તેના બળને ઘટાડયા સિવાય રહેતો નથી.

રેખાભંગ

રેખાભંગ એ ચોથું અશુભ ચિન્હ છે. જો રેખાભંગ નાનો હોય તો થોડું નુકસાન થાય છે અને જો મોટો હોય તો મોટું નુકસાન થાય છે.

કોઈ કોઈ વખત રેખાભંગ થયા પછી ભગિનીરેખા ચોરસથી સંધાય છે ત્યારે નુકસાન થતું અટકી જાય છે.

કોઈ કોઈ વખત રેખાભંગ થયા પછી તો આગળ વધતી જ નથી. આ સમય ઘણી આફતનો હોય છે.

સૌથી ભયંકર સમય તો એ આવે છે કે રેખાભંગ થયા પછી તે રેખા સીધી ગતિએ વહેવાને બદલે ઊંધી ગતિએ વહે છે અને રેખાભંગનો આંકડો વાંકો વળી અંગૂઠાની દિશામાં જાય છે અગર તો મૂળ ગતિ તરફ જાય છે.

(અ) જો આયુષ્યરેખાનો ભંગ થઈને તેનો આંકડો અંગૂઠા તરફ જાય તો માનવીનું અવશ્ય મોત થાય છે.

(બ) જો મસ્તકરેખાનો ભંગ થઈને તેનો આંકડો હાથના પંજા તરફ વળે તો મનુષ્ય ગાંડો થઈ જાય છે ને એ ગાંડપણમાં તેનું મોત થાય છે.

(ક) જો હૃદયરેખાનો ભંગ થઈને તેનો મૂળ આંકડો તેના મૂળ તરફ વળે તો હૃદયના તમામ બળને તે હણી નાંખે છે ને માનવીનું મોત લાવે છે.

ચીપિયો  

ચીપિયો એ પાંચમું અશુભ ચિન્હ છે. ઘણી વખતે રેખાનો અંત ચીપિયાના જેવા આકારમાં થાય છે. તેથી રેખાનું બળ બે ફાંટામાં વહેંચાઈ જાય છે અને મૂળ રેખાનું તેટલું નુકસાન કરે છે. કેટલીક વખત રેખાનું બળ ચીપિયામાંથી નીકળતા અનેક ફાંટામાં વહેંચાઈ જાય છે અને રેખાને નિરુપયોગી બનાવી મૂકે છે. ઘણા ફાંટાવાળી ચીપિયાના આકારની રેખા જ તે દિવસે નિર્જીવ અને નિવીર્ય બની જાય છે. ઘણા ફાંટાવાળો ચીપિયો નુકસાનકારક ચિન્હ છે.

ટપકું કે ડાઘ  

ટપકું કે ડાઘ એ રેખામાં ને પહાડમાં છઠ્ઠું અશુભ ચિન્હ છે. જે વખતે રેખામાં કે પહાડમાં ટપકું હોય કે ડાઘ હોય તે વખતે રેખા કે પહાડનું બળ ઓછું થઈ જાય છે. મસ્તકરેખા ઉપર શનિના પહાડની નીચે જો ટપકું કે ડાઘ હોય તો માથાના ભાગને ઈજા થાય છે. અગર તો ઉંમરના પચ્ચીસ વર્ષ પછી રાજદ્વારી કારણે જેલયાત્રાનો પ્રસંગ ઉપસ્થિત થાય છે.

સાંકળ-સાંકળવાળી રેખા

સાંકળ-સાંકળવાળી રેખા એ સાતમું અશુભ ચિન્હ છે. આવી રેખાવાળો મનુષ્ય તનનો, મનનો કે ધનનો કાબૂ રાખી શક્તો નથી અને ઘણી વખત તે હિંમત હારેલો, નિરાશાવાદીને મરવા ખાતર જીવતો માલૂમ પડે છે. તેનું શરીર તંદુરસ્ત હોતું નથી, મન મજબૂત હોતું નથી ને હૃદય બહુ જ પોચું હોય છે. જ્યારે સાંકળનો ભાગ સીધી, સારી ને સ્પષ્ટ રેખામાં પરિણમે છે, ત્યારથી જ એની કંઈક ઉન્નતિ થવા માંડે છે. બાકી તો જેના માર્યા ન મરે તેનાં વાળ્યા કેમ વળે?

જાળું (Girll)

જાળું એ આઠમું અશુભ ચિન્હ છે. કેટલીક વખતે રેખા ઉપર અને મુખ્યત્વે કરીને પહાડ ઉપર જાળાનું ચિન્હ હોય છે. ઘણી નાની-મોટી, આડીઅવળી, ઊભી ને વાંકી રેખાનું જાળું બને છે. એ જાળું મનુષ્યની પ્રકૃતિને અસ્થિર બનાવી મૂકે છે. તેની લાગણીઓને ઉશ્કેરી મૂકે છે ને તેના વિકારને વધારી મૂકે છે.

શુક્રના પહાડ ઉપર જો આવું જાળું હોય તો મનુષ્યને વિલાસી અને પ્રસંગ આવ્યે વિકારી બનાવે છે.

આડી રેખા  

આડી રેખા એ નવમા નંબરનું જાળા કરતાંય વધારે અશુભ ચિન્હ છે. એ રેખા કે પહાડના બળને વધારે પ્રમાણમાં ઘટાડી નાંખે છે. આવી આડી રેખા એક-બે કે ત્રણના ઝુમખામાંય હોય છે. તે તેના પ્રમાણમાં નુકસાન કરે છે.

ચોકડી

ચોકડી એ દશમા નંબરનું ભયંકર અશુભ ચિન્હ છે. તે મનુષ્યના આરોગ્યને, મનને અને હૃદયને નુકસાન પહોંચાડે છે. ચારિત્ર્યભંગવાળા ઘણા માણસો ચોકડીના ચિન્હવાળા હોય છે. તે મનુષ્યનું જીવન અને ધંધો કેટલીકવાર તદ્ન બદલી નાંખે છે. જ્યારે જ્યારે અને જ્યાં જયાં ચોકડીનું ચિન્હ હોય ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં તે નુકસાન પહોંચાડયાં સિવાય રહેતું જ નથી.

(અ) આયુષ્યરેખાનો અંત જો ચોકડીમાં આવે તો તે સમયે મનુષ્યનું મોત થાય છે.

(બ) મસ્તકરેખાને અંતે જો ચોકડીનું ચિન્હ હોય તો મનુષ્યનું મન અસ્થિર રહે છે અને કેટલીક વખત તેનું મરણ પણ લાવે છે.

(ક) હૃદયરેખા ઉપર અથવા અંતે જો ચોકડીનું ચિન્હ હોય તો મનુષ્યનો તમામ પ્રેમ અને સ્નેહ સુકાઈ જાય છે. તેના પ્રેમપત્રો તરફથી તેને નિરાશા મળે છે અને એ નિરાશાનો ઘા એટલો બધો કારમો અને ઊંડો હોય છે કે તે કેટલીક વખત જીવલેણ પણ નીવડે છે.