સ્વાસ્થ્ય માટે હાનિકારક રોજબરોજની આદત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • સ્વાસ્થ્ય માટે હાનિકારક રોજબરોજની આદત

સ્વાસ્થ્ય માટે હાનિકારક રોજબરોજની આદત

 | 4:30 pm IST
  • Share

ગત સપ્તાહમાં આપણે એવી આદતો વિશે વાત કરી રહ્યા હતા, જે આપણને હોય પણ તે ખરાબ આદતો છે તેવી આપણને જાણ ન હોય, અથવા તો એવી આદત કે જે છોડવી મુશ્કેલ હોય, કારણ કે લોકો શું કહેશે તે ભય આપણી અંદર હોય. ઉદાહરણ સ્વરૂપે છીંક દબાવવાની આદત. આજકાલના યુવાનો અને ખાસ કરીને છોકરીઓ કે જે બહાર ભણતી હોય, નોકરી કરતી હોય તેમનામાં આ આદત વધારે જોવા મળે છે. છોકરીઓ હંમેશાં છીંક ખાય ત્યારે તેને રોકીને ખૂબ જ ધીમેથી કોઇને સંભળાય નહીં તે રીતે ખાવાનો પ્રયત્ન કરે છે. આ ખરેખર ખોટી વાત છે. તેનાથી માથામાં તકલીફ થઇ શકે છે. આવી બીજી પણ અનેક આદતો છે, તેના વિશે આપણે વાત કરીએ.

લેન્સ પહેરીને સૂઈ જવું 

જે લોકો રોજબરોજ કોન્ટેક લેન્સીસ પહેરતાં હોય તેમનામાં આ આદત ખૂબ જોવા મળે છે. રોજ લેન્સ કાઢીને તેનું પ્રવાહી બદલી તેને સ્વચ્છ અને નવા પ્રવાહીમાં મૂકવાનો, લેન્સ રાખવાની ડબ્બી સાફ કરવાનો કંટાળો મોટેભાગે બધાને આવતો હોય છે. હવે આ કંટાળો કહો કે સમયનો અભાવ, થાક એમ કોઇ પણ કારણ હોઇ શકે. આપણે થાક લાગ્યો હોય કે સમય ન હોય કે ખૂબ ઊંઘ આવતી હોય કે ભૂલી જવાયું હોય એવાં કોઇ પણ કારણસર લેન્સ રાત્રે કાઢ્યા વગર જ સૂઇ જઇએ છીએ. અલબત્ત, રોજ ખરાબ ઘટના નથી બનતી, પણ ઘણીવાર લેન્સ ચોંટી જવાના બનાવો પણ બનતા હોય છે, તેનાથી આંખમાં ઇન્ફેક્શન થવાની શક્યતા પણ છે અને સૌથી મોટી વાત લેન્સ પહેરવાથી આમ પણ આંખો થોડી ડ્રાય થઇ જતી હોય છે, જ્યારે લેન્સ પહેરીને સૂઈ જાઓ તો આંખમાં બનતું નેચરલ પ્રવાહી એટલું નથી બનતું, જેથી આંખોની ડ્રાયનેસ અને ડેમેજ બંને વધે છે. ઘણાં લોકો કોન્ટેક લેન્સ કાઢી તો નાખે છે પણ તેનું સોલ્યુશન રોજેરોજ નથી બદલતા. આવું પણ ન કરવું, આના કારણે આંખમાં ઇન્ફેક્શન લાગવાની સંભાવના રહે છે.

પેઇનકિલર લેવાની આદત  

આપણાંમાંથી ઘણાને નાની એવી તકલીફ થાય, શરીરમાં સામાન્ય દુખાવો હોય તો પણ પેઇનકિલર લેવાની આદત હોય છે. તેઓ ઘરેલુ ઉપાયથી આ દુખાવો દૂર કરવાનો પ્રયત્ન નથી કરતા કે તેને સહન પણ નથી કરતા. થોડા એવા દુખાવામાં જ તે તરત સાજા થઇ જાય તે માટે પેઇનકિલર લઇ લે છે. આ ખોટી આદત છે. વારંવાર પેઇનકિલર લેવાથી શરીરને લાંબગાળે નુકસાન થાય છે. તેનાથી લિવર અને કિડની ઉપર અસર થાય છે. જ્યારે તેનો અતિરેક લાંબાગાળે સાદી પેઇનકિલર શરીરમાં અસર કરવાનું પણ બંધ કરી દે છે, જેથી તમારે હેવી ડોઝ લેવો પડતો હોય છે. માથાનો દુખાવો હોય અને અઠવાડિયામાં ત્રણ વાર પેઇનકિલર લેતા હોવ તો સમજો કે તમે માથાનો દુખાવો વધારી રહ્યા છો.

તડકાથી બચવું  

તડકામાં જવું નુકસાનકારક છે એ સાચી વાત છે, પણ તેટલું જ જરૂરી વિટામિન ડી પણ છે. અમુક સમયે તડકો શરીર માટે જરૂરી છે. માટે વધારે નહીં પણ સવારનો તડકો અવશ્ય લેવો. તે સમયે સનસ્ક્રીનનો ઉપયોગ પણ ન કરવો.

 

સ્વાસ્થ્ય સલાહ : શુભાંગી ગૌર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન