કોંગ્રેસે દેશભરમાં કૃષિ કાયદાનો વિરોધ કર્યો, આ નેતા બોલ્યા- રાહુલ ખેડૂતો માટે મગરના આંસુ વહાવી રહ્યાં છે

। નવી દિલ્હી ।
કેન્દ્ર સરકાર દ્વારા જ્યાં સુધી વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ ન કરે ત્યાં સુધી કોંગ્રેસ ચૂપ બેસી રહેશે નહીં તેમ કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા શુક્રવારે દેશભરમાં કૃષિ કાયદા વિરોધ દિન મનાવવામાં આવ્યો હતો અને તમામ રાજ્યોમાં રાજભવન ખાતે ઘેરાવો કરીને ધરણા તેમજ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની આગેવાની લેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ખેડૂતોનાં હકો માટે કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી લડી લેશે. જ્યાં સુધી કૃષિ કાયદા રદ કરવામાં આવે નહીં ત્યાં સુધી ચૂપ બેસી રહેશે નહીં.
રાહુલ અને પ્રિયંકાએ રાજભવન તરફ કૂચ યોજી
ખેડૂતનાં સમર્થનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા રસ્તા પર ઊતરી આવ્યા હતા અને રાજભવન તરફ કૂચ યોજી હતી. કોંગ્રેસે શુક્રવારે આખા દેશમાં સ્પીક અપ ફોર કિસાન અધિકાર ઝુબેશ હાથ ધરી હતી અને કોંગ્રેસનાં ટેકેદારો સાથે અધિકાર દિવસ મનાવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે પોતાના અધિકારો માટે અન્નદાતાએ મોદી સરકાર સામે સત્યાગ્રહ યોજવાની ફરજ પડી છે. કોંગ્રેસે દેશનાં તમામ રાજ્યોમાં રાજભવન તરફ કૂચ યોજીને ધરણા અને વિરોધ પ્રદર્શન યોજ્યા હતા.
રાહુલ ખેડૂતો માટે મગરના આંસુ વહાવી રહ્યાં છે : હરસિમરત
અકાલી દળના નેતા હરસિમરત કૌરે જણાવ્યું હતું કે પંજાબીઓને ખાલિસ્તાની કેમ કહેવામાં આવી રહ્યાં છે તે મુદ્દા પર મગરના આંસુ વહાવવાના બદલે રાહુલ ગાંધી એમ કહે કે તેમના દાદી ઇન્દિરા ગાંધી શા માટે પંજાબીઓને ખાલિસ્તાની કહેતાં હતાં? શા માટે તેમના પિતાએ પંજાબીઓનો નરસંહાર કર્યો હતો?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન